Gujarati News

Gujarati News

News of Tuesday, 30th November 2021

મવડીના મધુરમ પાર્કના ૧૦૦ મકાનો પાડી બિલ્ડરોને ખટાવવાનો ખેલ! : ટોળા

મ.ન.પા.એ રાતોરાત રોડ કપાતના નકશા ફેરવી રાજકિય માથાઓની મિલ્કત બચાવવા અને હાઇરાઇઝડ બિલ્ડીંગ બચાવવા કારસો કર્યાના આક્ષેપો : મ.ન.પા.ના અધિકારીઓએ મકાન પાડવા મૌખિક નોટીસો આપતા ભારે ગભરાટ : બે થી ત્રણ મહિલાઓ બેભાન થતાં અફડા-તફડી

મધુરમ પાર્કમાં મકાનો પાડવાની વાત ફેલાતા રહેવાસીઓના ટોળા એકત્રીત થયા હતા અને મહિલાઓ ગભરાઇ જઇ બેભાન થઇ હતી તે વખતે સર્જાયેલ અફડા-તફડીનો માહોલ તસ્વીરમાં દર્શાય છે. (તસ્વીર : સંદિપ બગથરીયા) (૨૧.૨૮)

રાજકોટ તા. ૩૦ : શહેરના મવડી વિસ્તારમાં આવેલ અંકુરનગર પાસેના મધુરમ પાર્કમાં ૧૦૦થી વધુ મકાનો પાડી નાંખવા માટે મ.ન.પા.નાં અધિકારીઓએ મૌખિક નોટીસો આપતા લતાવાસીઓમાં ભારે ગભરાટ અને રોષ ફેલાયો હતો અને આજે સવારે લોકોના ટોળાએ એકત્રીત થઇ મકાન પાડવાનું આ કારસ્તાન બિલ્ડરોને ખટાવવા માટે થઇ રહ્યાના આક્ષેપો સાથે આ કાર્યવાહીનો જબ્બર વિરોધ કર્યો હતો. આ દરમિયાન ગભરાટને કારણે બે થી ત્રણ મહિલાઓ બેભાન થઇ જતાં તેઓને ૧૦૮ બોલાવી સારવાર આપવામાં આવી હતી.

આ બનાવની વિગતો મુજબ વોર્ડ નં. ૧૨ના ગુરૂપ્રસાદ ચોક પાછળ આવેલ અંકુરનગર પાસેની મધુરમ પાર્ક (સુચિત) સોસાયટીમાં મ.ન.પા.ના અધિકારીઓ ૧૧૫ જેટલા મકાન ધારકોને મૌખિક નોટીસો આપી ગયા હતા કે અહીંથી રસ્તો કાઢવાનો હોઇ તેઓનાં મકાનો કપાત કરવાના છે. આમ, એકાએક મકાન પાડવાની વાત સાંભળી લતાવાસીઓમાં રોષ અને ગભરાટ ફેલાયો હતો અને આજે સવારે સોસાયટીના રહેવાસીઓના ટોળાએ મોટી સંખ્યામાં એકત્રીત થઇ તંત્રવાહકો સામે બેફામ આક્ષેપો કરતા જણાવેલ કે અગાઉ અહીં રસ્તો કાઢવાની વાત નહતી. બીજી જગ્યાએથી નિકળતો હતો પરંતુ આ વિસ્તારમાં હાઇરાઇઝડ બિલ્ડીંગને મુખ્ય રોડનો લાભ મળે તે માટે અને અગાઉની રોડ કપાતમાં 'રાજકિય માથા'ની સ્કુલ આવતી હોય તેને બચાવવા માટે રાતોરાત નકશા ફેરવી અને મધુરમ પાર્કના નિર્દોષ રહેવાસીઓના મકાનો પાડી નાંખવા ખેલ રચાયાના આક્ષેપો કર્યા હતા. આ દરમિયાન બે થી ત્રણ મહિલાઓ વધુ ગભરાઇ જતાં બેભાન થઇ ગયેલ જેના કારણે અફડા-તફડી મચી ગઇ હતી.

નોંધનિય છે કે, આ વિસ્તારને સીધો જ ૧૫૦ ફુટ રોડ સાથે જોડવા માટે તાજેતરમાં લાઇન ઓફ પબ્લીક સ્ટ્રીટ હેઠળ રોડ કપાત કરવા સ્ટેન્ડીંગમાં ઠરાવ થયો છે. જેથી નોટીસો વાંધા સુચનો બધુ જ લેવાની કાર્યવાહી હજુ બાકી છે.(

(3:33 pm IST)