Gujarati News

Gujarati News

News of Tuesday, 30th November 2021

માલવાહક ટ્રેનોને ગંંભીર અકસ્માતથી બચાવનાર બે રેલ્વે કર્મચારીઓને જીએમ એવોર્ડ એનાયત

રાજકોટ, તા., ૩૦: ગત ઓગષ્ટ મહિના દરમિયાન જુદી - જુદી બે માલવાહક ટ્રેનોને ગંભીર અકસ્માતથી બચાવી લેનાર સતર્ક કર્મચારીઓનું જીએમ એવોર્ડથી સન્માન કરવામાં આવ્યું હતું. ડિવીઝનલ રેલ્વે મેનેજર અનિલકુમાર જૈન દ્વારા સેફટી કેટેગરીના આ એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા. સિનીયર ડીસીએમ અભિનવ જૈફની યાદીમાં જણાવાયું છે કે, દલડીના સ્ટેશન માસ્તર એ.એસ.ચૌધરીએ ૭ ઓગષ્ટ-ર૦ર૧ના ન્યારા એનર્જી લીમીટેડ, મોડપુરથી ઝાંસી ડીવીઝન જઇ રહેલી ગુડઝ ટ્રેનના એક વેગનમાં અસામાન્ય અવાજ સાંભળી તુરંત વોકી-ટોકી ઉપર ગાર્ડ અને કંટ્રોલરૂમને સુચના આપી હતી. જેને લઇને ટ્રેનને રોકી તપાસ કરવામાં આવતા એક વેગના પૈડામાં તીરાડ પડેલી જોવા મળી હતી. આ વેગનને તાત્કાલીક માલગાડીથી અલગ કરી દેવામાં આવ્યું હતું.

આવી જ રીતે સુરેન્દ્રનગરના લોકોપાયલોટ ગોપાલ કૃષ્ણ નીનાએ ૧૬ ઓગષ્ટના પોતાની ફરજ દરમિયાન લવણપુરથી ભરૂચ જઇ રહેલી ગુડઝ ટ્રેન ચલાવતી વખતે લીલાપુર રોડ સ્ટેશન ઉપર રેલ્વે ટ્રેક ઉપર ૧પ ફુટ લાંબો પાટાનો ટુકડો દુરથી નિહાળી તાત્કાલીક ટ્રેનને રોકી દઇ લીલાપુરરોડના સ્ટેશન માસ્તરને જાણ કરી હતી. આ સંદર્ભે દોડી આવેલા સેફટી કર્મચારીઓએ તાત્કાલીક ટ્રેક ઉપરથી પાટો હટાવી દીધો હતો. આમ ઉપરોકત બંન્ને ઘટનામાં રેલ્વે કર્મચારીઓની સતર્કતાના કારણે ગંભીર અકસ્માત સાથે મોટુ નુકશાન અટકયું હતું. જે બદલ બંન્ને કર્મચારીઓને જનરલ મેનેજરના એવોર્ડથી સન્માનીત કરાયા હતા. તસ્વીરમાં બંને કર્મચારીઓ અને અધિકારીઓ નજરે પડે છે. 

(3:39 pm IST)