Gujarati News

Gujarati News

News of Tuesday, 30th November 2021

ભગવતીપરામાં નિર્માણ પામી રહેલ આવાસ યોજના - સ્કુલનું કામ પૂરજોશમાં

મ્યુ. કમિશનર અમિત અરોરાએ સ્થળ મુલાકાત કરી કામગીરીની કરી સમીક્ષા

રાજકોટ તા. ૩૦ : મહાનગરપાલિકા દ્વારા ભગવતીપરામાં બનાવવામાં આવનાર નવી સ્કુલ અને આવાસ યોજના સ્માર્ટ ઘર ૫-૬ની કામગીરીની સ્થળ મુલાકાત મ્યુનિ. કમિશનર અમિત અરોરા દ્વારા કરવામાં આવી હતી.

શહેરને સુંદર અને સુવિધા સજ્જ બનાવવાના હેતુથી શહેરમાં ચાલુ પ્રોજેકટની દિવસ રાત કામગીરી કરવામાં આવી રહી છે. આજે તા. ૩૦ના રોજ મ્યુનિ. કમીશનર અમિત અરોરાએ ભગવતીપરામાં બનાવવામાં આવી રહેલ નવી સ્કુલ અને ભગવતીપરામાં જ બનાવવામાં આવતી આવાસ યોજના સ્માર્ટ ઘર ૫ – ૬ની ચાલુ કામગીરી નિહાળી હતી. આવાસ યોજનાનો વહેલીતકે લોકો લાભ લઇ શકે તે માટે ઝડપી કામગીરી પૂર્ણ કરવા સંબધિત અધિકારીને સુચના આપી હતી. ભગવતીપરામાં આશરે ૧૭ કરોડના ખર્ચે નવી સ્કુલ બનાવવામાં આવી રહી છે. જેમાં સ્પોર્ટ્સને ધ્યાનમાં રાખીને સ્કુલ બનાવવામાં આવી રહી છે. દરેક ખેલ માટે ગ્રાઉન્ડ બનાવવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. તેમજ ભગવતીપરા ટી.પી.સ્કીમ ૩૧માં બનાવવામાં આવનાર આવાસ યોજના સ્માર્ટ ઘર ૫ – ૬ની હાલ ૯૦્રુ કામગીરી પૂર્ણ થયેલ છે. અંદાજિત ૨ મહિનામાં કામગીરી પૂર્ણ થઇ જશે. આ આવાસ યોજનામાં ૨૧૨૮ આવાસ અને ૬૫ દુકાનો બનાવવામાં આવ્યા છે. વિઝિટ દરમ્યાન મ્યુનિ. કમિશનર અમિત અરોરા સાથે સિટી એન્જી. (સ્પે.) અલ્પના મિત્રા, સિટી એન્જી. વાય. કે. ગૌસ્વામી, પી.એ.(ટેક)ટુ કમિશનર રસિક રૈયાણી, ડી.ઇ.ઇ. ભાવેશ ધામેચા, એ.ઇ. સૌરવ વ્યાસ અને સીતાપરા હાજર રહ્યા હતા.

(3:42 pm IST)