Gujarati News

Gujarati News

News of Tuesday, 30th November 2021

દેવભૂમિ દ્વારકા જીલ્લાના ખંભાળીયામાં અસામાજીક તત્વોની ધમકીથી કંટાળીને દિલીપ અનડકટનો આપઘાત : વિડીયો વાયરલ કર્યો

મારા મોત પછી સજા આપવા સ્યુસાઇડ નોટમાં માંગ કરી

રાજકોટ,તા.૩૦ : દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયામાં ૪૦ વર્ષના દિલીપ શાંતિલાલ ઉનડકટે અસામાજિક તત્વોની ધમકીથી કંટાળીને આપઘાત કરી લીધો છે. આ યુવકે આપઘાત કરતા પહેલા એક વીડિયો બનાવ્યો છે આ સાથે તેણે સુસાઇડ નોટ પણ લખી છે. જેમાં મૃતક યુવાને આપઘાત માટે મજબુર કરનાર લોકોના નામ લીધા છે. હાલ સ્થાનિક પોલીસે સુસાઇડ નોટ અને વીડિયો કબજે કર્યો છે. આ સાથે આગળની કાર્યવાહી કરીને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધો છે.

ખંભાળિયામાં ૪૦ વર્ષના દિલીપ શાંતિલાલ ઉનડકટે વીડિયો બનાવીને આપઘાત કર્યો છે. જેમા યુવક પોતાની આપવિતી જણાવતા કહે છે કે, મારું નામ દિલીપ શાંતિલાલ ઉનડકટ, મારે મગજમારી થઇ હતી સંજય, એનો ભાઇ નથુ, અને કિશન ઉર્ફે બાઠો. મારે કોર્ટની ૧૭ તારીખ હતી અને આ લોકો મારી ઘરે આવ્યા હતા. એમની સાથે આવેલો ચોથો કોણ હતો તેની મને ખબર નથી. પરંતુ આઠએક વાગ્યાની આસપાસ આવીને તેમણે મને કહ્યુ હતુ કે, કોર્ટમાં તુ સમાધાન કરી લે. નહીં તો કોર્ટમાં તું કાંઇપણ બોલીશ તો તારા ફરીથી હાથપગ તોડી નાંખીશું. મારી પાસે કોઇ પૈસા નથી કે નથી બીજી કોઇ વસ્તુ એટલે હું ડિપ્રેશનમાં આવી ગયો હતો.

તેમણે વીડિયોના અંતમાં કહ્યું છે કે, એમને મને એટલો ત્રાસ આપ્યો છે કે, હું મરી જાવ તો કોઇપણ જાતની જવાબદારી એ લોકોની રહેશે. એ લોકો મારી પાછળ પડી ગયા છે અને મારી અત્યારે એવી કોઇ પરિસ્થિતિ નથી કે હું કાંઇ કરી શકુ. આ લોકોને હું મરી ગયા બાદ યોગ્ય સજા મળે તેવી મને આશા છે.

મૃતક દિલીપભાઇના ભાઇએ પણ સંજય, નથુ, કિશન સહિત અન્ય ૪થી ૫ લોકો પર લગાવ્યો આરોપ લગાવ્યો છે. હાલ મૃતકના અંતિમ પગલા બાદ પરિવારમાં પણ શોકનો માહોલ છવાયો છે.

(3:45 pm IST)