Gujarati News

Gujarati News

News of Wednesday, 30th November 2022

દિલ્‍હીના આંતરરાષ્‍ટ્રીય ચિત્ર પ્રદર્શનમાં રાજકોટના સુરેશ રાવલના ચિત્રને એવોર્ડ સાથે સ્‍થાન

રૈયા ગામના ચોમાસુ દ્રશ્‍યને ચિત્રના માધ્‍યમથી જીવંત બનાવવા સરસ પ્રયાસ

રાજકોટ તા. ૩૦ : સ્‍થાપિત કલાકાર તરીકેનો શ્રેય હાંસલ કરનાર વરિષ્‍ઠ ચિત્રકાર સુરેશ રાવલના ચિત્રની આંતરરાષ્‍ટ્રીય એવોર્ડ માટે પસંદગી થઇ છે. આગામી તા. ૨૦ જાન્‍યુઆરી ૨૦૨૩ નો દિવસ વિશ્વ વોટર કલર દિવસ તરીકે નિયુકત થયો હોય દિલ્‍હી ખાતે વોટર કલરનું એક આંતરરાષ્‍ટ્રીય પ્રદર્શન યોજાવા જઇ રહ્યુ છે. જેમાં ૨૮ દેશોના કલાકારોની ૧૫૦ જેટલી કૃતિઓ નિર્ણાયક સમિતિ દ્વારા સ્‍વીકૃત થઇ છે. જેમાંથી તે સમિતિના આંતરરાષ્‍ટ્રીય ખ્‍યાતિપ્રાપ્‍ત ૬ કલાકારો દ્વારા રાજકોટના સુરેશભાઇના ચિત્રને બીજા નંબરના સ્‍થાન પર એવોર્ડ જાહેર કરાયો છે. દિલ્‍હી ખાતે તા. ૨૦ થી ૨૩ જાન્‍યુઆરી યોજાનાર આ પ્રદર્શનમાં આ એવોર્ડ કલા પ્રદર્શનના રચનાત્‍મક અને પ્રભાવ વાદ (ઇમ્‍પ્રેશન અને સ્‍ટાઇલાઇઝડ) શૈલીના ચિત્ર વિભાગ માટે અપાયો છે. પ્રસ્‍તુત એવોર્ડ વિજેતા ચિત્ર ‘વરસાદી દિવસ' ઉપર તૈયાર થયુ છે. જે રાજકોટના રૈયાધાર ગ્રામ્‍ય વિસ્‍તારમાં આવેલ સ્‍થળની કાઠીયાવાડી કુદરતી સુંદરતાને રજુ કરે છે. આ સિધ્‍ધી બદલ સુરેશ રાવલ (મો.૯૮૭૯૧ ૨૫૯૪૭) ને ઠેરઠેરથી શુભેચ્‍છાઓ મળી રહી છે.

(3:46 pm IST)