Gujarati News

Gujarati News

News of Wednesday, 30th November 2022

રાજકોટની ચાર બેઠક પર ત્રિકોણીય જંગ : નિરૂત્‍સાહ વચ્‍ચે ઉત્તેજના

કાલનો સૂરજ રાજકીય ક્ષેત્ર માટે યાદગાર દિવસ ઉગાડશે : ઠેર-ઠેર જોવા મળશે રાજકીય ધમાસાણના દ્રશ્‍યો : સૌનું ધ્‍યાન રાજકોટ-૬૮ બેઠક ઉપર : સવારથી કાર્યકરોના ધાડા ફરી વળશે : વધુમાં વધુ મતદાન કરાવવા રાજકીય પક્ષો - ઉમેદવારો કરશે દોડધામ : આજે મતદાન મથકની વ્‍યવસ્‍થામાં ઉમેદવારો વ્‍યસ્‍ત

રાજકોટ તા. ૩૦ : આવતીકાલે પ્રથમ તબક્કાની ૮૭ બેઠકો માટે મતદાન થવાનુ છે તેમાં સૌ કોઇનુ ધ્‍યાન રંગીલા રાજકોટ ઉપર થયુ છે. સૌરાષ્ટ્રના પાટનગર સમા રાજકોટની ચારેય ઉપર પ્રથમ વખત ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્‍ચે ત્રિકોણીય ચૂંટણી જંગ ખેલાવાનો છે. નિરૂત્‍સાહ વચ્‍ચે મતદારો કોને પસંદ કરશે એ તો ૮મી એ પરિણામ આવશે ત્‍યારે ખબર પડશે પરંતુ તે પહેલા આવતીકાલે પોતાની તરફેણમાં વધુને વધુ મતદાન કરાવવા શહેરમાં હોડ જામશે એ નક્કી છે.

રાજકોટ વિધાનસભા મત વિસ્‍તારમાં કુલ ચાર બેઠકો છે જેમાં રાજકોટ ૬૮માં ભાજપના ઉદય કાનગડ, કોંગ્રેસના ઇન્‍દ્રનીલ રાજયગુરૂ તથા ‘આપ'ના રાહુલ ભુવા મેદાનમાં છે. જ્‍યારે રાજકોટ-૬૯માં ભાજપના ડો. દર્શિતાબેન શાહ, કોંગ્રેસના મનસુખ કાલરીયા અને ‘આપ'ના દિનેશ જોષી વચ્‍ચે સ્‍પર્ધા છે. જ્‍યારે રાજકોટ-૭૦માં ભાજપના રમેશ ટીલાળા, કોંગ્રેસના હિતેશ વોરા અને ‘આપ'ના શિવલાલ બારસીયા વચ્‍ચે કરોયા મરોની સ્‍થિતિ છે. જ્‍યારે રાજકોટ ૭૧ બેઠક ઉપર કોંગ્રેસના સુરેશ બથવાર, ‘આપ'ના વશરામ સાગઠીયા અને ભાજપના ભાનુબેન બાબરીયા વચ્‍ચે હરીફાઇ છે.

રાજકોટમાં આવતીકાલ સવારથી જ ચૂંટણીનો માહોલ જામી જવાનો છે સવારે ૮ થી સાંજે ૫ દરમિયાન મતદાન થવાનુ છે. મતદાન માટેની તમામ તૈયારીઓ પુરી કરી લેવામાં આવી છે. શહેરમાં કોઇ અનિચ્‍છનીય બનાવ ન બને તે માટે પોલીસ, હોમગાર્ડ, અર્ધલશ્‍કરી દળો, રેપીડ એકશન ફોર્સના જવાનો તૈનાત કરવામાં આવ્‍યા છે. શહેરના કેટલાક સંવેદનશીલ મતવિસ્‍તારો અને બુથ ઉપર વિશેષ સુરક્ષા ગોઠવવામાં આવી છે. ચૂંટણી ફરજ પરના કર્મચારીઓ પોત-પોતાના ફરજના સ્‍થળે સાંજે પહોંચી જશે.

રાજકોટની ચારેચાર બેઠકો જીતવા બંને પક્ષોએ પોતાની તમામ તાકાત કામે લગાડી છે. આવતીકાલે વધુમાં વધુ મતદાન પોતાની તરફ કરાવવા કાર્યકરો અને ઉમેદવારો સવારથી જ દરેકે દરેક વોર્ડમાં ફરી વળશે. ડોર ટુ ડોર સંપર્ક સાધી લોકોને મતદાન મથક સુધી લઇ જવા આગ્રહ પણ કરવામાં આવશે. બંને પક્ષો એ બાબત ઉપર ભાર મુકશે કે મતદાન વધુ થાય અને પાછલા રેકોર્ડ પણ તુટે.

(4:06 pm IST)