Gujarati News

Gujarati News

News of Tuesday, 31st January 2023

લવમેરેજ કરનાર શૈલેષ અને શ્રુતિને સમાધાનની વાત કરવા જેતપુર બોલાવી ધોકા-પાઇપથી ફટકાર્યા

જામકલ્‍યાણપુરના યુવાને જેતપુરની યુવતિ સાથે લવમેરેજ કર્યા છેઃ યુવતિના પિતાએ વાત કરવા બોલાવ્‍યા બાદ ધોલધપાટઃ યુવતિએ પોલીસને ફોન કરતાં પોલીસ આવી અને બંનેને મુક્‍ત કરાવ્‍યા

રાજકોટ તા. ૩૧: જામજોધપુરના જામકલ્‍યાણપુરમાં રહેતાં યુવાને જેતપુરની યુવતિ સાથે લવમેરેજ કર્યા હોઇ આ કારણે યુવતિના માવતર સાથે મનદુઃખ હતું. ગઇકાલે બંનેને યુવતિના પિતાને જેતપુર પોતાની ઘરે સમાધાનની વાત કરવા બોલાવ્‍યા બાદ બંનેને યુવતિના માવતર પક્ષના લોકોએ ધોકા-પાઇપથી ફટકારતાં યુવતિએ પોલીસને ફોન કરતાં બંનેને છોડાવી સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્‍યા હતાં.

જામકલ્‍યાણપુર રહેતો શૈલેષ લક્ષમણભાઇ સાંબડ (ઉ.વ.૨૩) અને પત્‍નિ શ્રુતિ શૈલેષ સાંબડ (ઉ.વ.૧૯) ગઇકાલે જેતપુરમાં શ્રુતિના પિતા અરજણભાઇ ભુરાભાઇ ડાભીના ઘરે હતાં ત્‍યારે શ્રુતિના ભાઇ યોગેશ, જયદિપ, લાભુબેન, મનિષાબેન સહિતનાએ મળી બંનેને ધોકા-પાઇપથી ફટકારતાં જેતપુર સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાતાં જેતપુર સીટી પોલીસને જાણ કરવામાં આવી હતી.

શૈલેષના સગાના કહેવા મુજબ શૈલેષે એક જ જ્ઞાતિમાં જેતપુરની શ્રુતિ સાથે ગત સપ્‍ટેમ્‍બરમાં લવમેરેજ કર્યા છે. આ કારણે  શ્રુતિના માવતર પક્ષ સાથે મનદુઃખ ઉભુ થયું હતું. દરમિયાન ગઇકાલે શૈલેષ અને શ્રુતિને સમાધાનની વાત કરવા જેતપુર બોલાવવામાં આવતાં બંને શ્રુતિના પિતાના ઘરે જતાં ત્‍યાં બંનેને મારકુટ કરવામાં આવી હતી. યુવતિએ પોતે હવે શૈલેષને છોડી દેશે અને પોલીસમાં પણ લખાણ કરી દેશે તેવું કહેતાં મારકુટ બંધ થઇ હતી. એ દરમિયાન તેણીએ તક જોઇ પોલીસને ફોન કરી દેતાં પોલીસ પહોંચી હતી અને બંનેને છોડાવ્‍યા હતાં. તેમ સગાએ જણાવ્‍યું હતું. સારવાર બાદ રાજકોટથી આજે સવારે બંનેને રજા અપાઇ હતી. પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે. 

(11:16 am IST)