Gujarati News

Gujarati News

News of Tuesday, 31st January 2023

પડધરીમાં ઝુંપડુ ખાલી કરવા પ્રશ્ને શ્રમીકને પતાવી દેનાર ધવલ પટેલ સહીત ૪ ની શોધખોળ

વાડીમાંથી ઝુંપડુ ખાલી કરાવ્‍યા બાદ શ્રમીક વિનુભાઇ ખરાબાની જગ્‍યામાં ઝુંપડુ વાળતા તેનો ખાર રાખી વાડી માલીક સહીત ૪ શખ્‍સોએ બેફામ માર મારી ઢીમ ઢાળી દીધું

રાજકોટ, તા., ૩૧: પડધરીમાં ઝુંપડુ ખાલી કરાવવા પ્રશ્ને શ્રમીકને ગડદા પાટુનો બેફામ માર મારી પતાવી દેનાર વાડી માલીક સહીત ૪ ની પોલીસે શોધખોળ હાથ ધરી છે.

પ્રાપ્ત વિગતો મુજબ મુળ દાહોદ જીલ્લાના ધાનપુર તાલુકાના કાળા ખુટ ચુલીયા ફળીયુ ગામનો અને હાલ પડધરી પાસે લોટસ સ્‍કુલની બાજુમાં ઝુંપડામાં રહેતા વિનુભાઇ  કચનાભાઇ મીનામા (ઉ.વ.૩પ) ને ધવલ વલ્લભભાઇ પટેલ તથા અન્‍ય ૩ અજાણ્‍યા શખ્‍સોએ ગડદા પાટુનો બેફામ માર મારતા  તેનું સ્‍થળ પર જ મોત નિપજયું હતું. બનાવ અંગે પડધરી પોલીસને જાણ કરાતા પીએસઆઇ યાદવ સહીતનો કાફલો ઘટના સ્‍થળે દોડી ગયો હતો અને મૃતકને લાશને ફોરેન્‍સીક પીએમ માટે રાજકોટ હોસ્‍પીટલમાં ખસેડી હતી.

પોલીસ સુત્રોના જણાવ્‍યા મુજબ હત્‍યાનો ભોગ બનનાર અગાઉ પડધરીમાં રહેતા આરોપી ધવલ પટેલની વાડીમાં ઝુંપડુ બાંધીને રહેતો હતો. પરંતુ ધવલે આ ઝુંપડુ ખાલી કરાવી દેતા મૃતક વિનુભાઇ ખરાબાની જમીનમાં ઝુંપડુ બાંધી રહેવા લાગ્‍યો હતો. જે આરોપ ધવલને પસંદ નહિ આવતા અવાર નવાર વિનુને ઝુંપડુ ખાલી કરવાનું કહેતો હતો. પરંતુ વિનુએ ઝુંપડુ ખાલી નહી કરતા તેનો ખાર રાખી ધવલ સહિત ૪ શખ્‍સોએ વિનુને બેફામ માર મારી પતાવી દીધો હતો.

આ બનાવ અંગે પડધરી પોલીસે મૃતક વિનુના પત્‍ની સુમીબેનની ફરીયાદ પરથી આરોપી ધવલ પટેલ તથા ૩ અજાણ્‍યા શખ્‍સો સામે હત્‍યા અને એટ્રોસીટી સહીતની કલમો તળે ગુન્‍હો દાખલ કરી ચારેયની શોધખોળ હાથ ધરી છે. વધુ તપાસ એસસી એસટી સેલના ડીવાયએસપી એચ.એસ.રત્‍નુ ચલાવી રહયા છે.

(11:46 am IST)