Gujarati News

Gujarati News

News of Monday, 31st May 2021

મ્યુકરના ઇન્જેકશનના કાળાબજારમાં તબિબી છાત્ર, નર્સિંગ સ્ટાફ સહિત ૬ પકડાયાઃ અનેક નામો ખુલશે

રાજકોટ એસઓજીએ સતત ત્રણ દિવસની દોડધામ કરી કારસ્તાન પકડ્યું: દક્ષિણ ગુજરાત સુધી તપાસનો દોર લંબાયો : ૩૦૦ થી ૩૫૦ની પડતર કિંમતના ઇન્જેકશનના ૫૦૦૦ થી ૬૦૦૦ સુધી વસુલાતા હતાં: પોલીસ કોૈભાંડની વિસ્તૃત વિગતો જાહેર કરશે :રાજકોટ, જસદણ, જુનાગઢ, છાછર-કોડીનારના ૬ને એક પછી એક ઉઠાવી લેવાયા

રાજકોટ તા. ૩૧:  મ્યુકર માયકોસીસના દર્દીઓને આપવામાં આવતાં એમ્ફોટેરિસિન ઇન્જેકશનના કાળાબજારનું કોૈભાંડ શહેર એસઓજીએ ઉઘાડુ પાડી મુળ કોડીનારના છાછર ગામના અને હાલ લક્ષ્મીવાડી-૭માં તેજભાઇના મકાનમાં ભાડેથી રહેતાં બીએચએમએસના છાત્ર અને ખાનગી હોસ્પિટલમાં નોકરી કરતાં ૨૨ વર્ષના યુવાન તથા નર્સિંગ સ્ટાફ તરીકે કોવિડ હોસ્પિટલમાં નોકરી કરતાં મુળ જુનાગઢ, જસદણ, રાજકોટના કુલ છને પકડી લઇ ૪૦થી વધુ ઇન્જેકશન કબ્જે કર્યા છે. જેતપુરનો તબિબી છાત્ર રાજકોટ હોસ્પિટલમાં નોકરીએ જોડાયા બાદ તેણે હોસ્પિટલના નર્સિંગ સ્ટાફ અને દર્દીઓના સગાને જેતપુરથી મ્યુકર માયકોસીસ માટેના ઇન્જેકશનનો જથ્થો આવ્યો હોવાનું કહી ૩૦૦ થી ૩૫૦માં આવતાં ઇન્જેકશન ૫૦૦૦ થી ૬૦૦૦ સુધીમાં વેંચતો હોવાનું બહાર આવ્યું છે. પગેરૂ દક્ષિણ ગુજરાત સુધી પહોંચ્યું હોવાનું પોલીસ કહે છે. પકડાયેલા  છએયને હાલ જામીન મુકત કરાયા છે. તપાસના કામે ફરીથી તેને અટકાયતમાં લેવામાં આવશે.

એસઓજીની ટીમને મ્યુકર માયકોસીસમાં વપરાતા એમ્ફોટેરીસિન બી ઇન્જેકશનના કાળાબજાર થઇ રહ્યાની બાતમી મળતાં એક શખ્સને પકડ્યા બાદ એક પછી એક બીજા પાંચના નામ ખુલ્યા હતાં. પોલીસે મેહુલ ગોરધનભાઇ કટેશીયા (ઉ.વ.૨૨-રહે. મીરાનગર-૨, મહાદેવ મંદિર પાસે, રૈયા ચોકડી નજીક), ગોપાલ જગદીશભાઇ વંસ (ઉ.વ.૨૫-રહે. માયાણીનગર આવાસ યોજના કવાર્ટર નં. ૧૨/૨૪૭), અશોક નારણભાઇ કાગડીયા (ઉ.વ.૨૮-રહે. બજરંગનગર વેકરીયાવાડી જસદણ), નિકુંજ જગદીશભાઇ ઠાકર (ઉ.વ.૨૧-રહે. હાલ ક્રિષ્ના કોવિડ હોસ્પિટલ વિદ્યાનગર મેઇન રોડ, મુળ ગોલ્ડન પાર્ક-૩ ગજાનંદ જીનેસીસ સ્કૂલ પાછળ, ખલીલપુર રોડ જુનાગઢ), વત્સલ હંસરાજભાઇ બારડ (ઉ.વ.૨૨-રહે. લક્ષ્મીવાડી-૭, તેજભાઇના મકાનમાં ભાડેથી, મુળ છાછર તા. કોડીનાર (ગીર સોમનાથ) અને યશ દિલીપભાઇ ચાવડા (ઉ.વ.૨૫-રહે. શાંતિનિકેતન પાર્ક-૩ બ્લોક નં. ૧૧૯, ૧૬-પરસાણાનગર, જામનગર રોડ)ને સીઆરપીસી ૪૧ (૧) ડી મુજબ પકડી તેની પાસેથી મ્યુકરના ઇન્જેકશન કબ્જે કર્યા છે અને નિયમ મુજબ હાલ જામીન મુકત કર્યા છે. ગુનો દાખલ કરાયા બાદ તેની ધરપકડ કરવામાં આવશે.

પકડાયેલા છ શખ્સોમાં મેહુલ અને યશ હાલ કાંઇ કામધંધો કરતાં નથી. ગોપાલ, અશોક અને નિકુંજ નર્સિંગ સ્ટાફ તરીકે નોકરી કરે છે. વત્સલ બીએચએમએસનો અભ્યાસ કરતો હોઇ તે ડોકટર તરીકે રાજકોટની ખાનગી હોસ્પિટલમાં નોકરીએ જોડાયો હતો. ઇન્જેકશન તે જેતપુરની હોસ્પિટલમાંથી લાવ્યાનું અને બાદમાં તેણે નર્સિંગ સ્ટાફમાં સામેલ તથા બીજા જરૂરીયાતમંદ દર્દીઓને ઇન્જેકશનની મુળ કિંમત કે જે ૩૦૦ થી ૩૫૦ હોય છે તેના કરતાં વધુ એટલે કે ૪૫૦૦ જેટલો ભાવ લઇ વેંચ્યા હતાં. એ પછી બાકીનાએ આ ઇન્જેકશનમાં પોતાનો નફો ઉમેરી ૫૦૦૦ કે ૬૦૦૦માં વેંચ્યાનું બહાર આવી રહ્યું છે.

આવા કેટલા ઇન્જેકશન વેંચ્યા? કોની પાસેથી લાવતાં? એ સહિતની વિગતો પણ એસઓજીની ટીમ જાહેર કરશે. તપાસનો દોર દક્ષિણ ગુજરાત સુધી લંબાયો છે. મ્યુકર માયકોસીસના ઇન્જેકશનના કાળાબજારનું કોૈભાંડ ખુલ્લુ પાડવાની આ કામગીરીમાં પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી ડી. વી. બસીયાના માર્ગદર્શન અને રાહબરીમાં પીઆઇ આર. વાય. રાવલ તથા પીએઅસાઇ એમ. એસ. અંસારી અને ટીમે સતત ત્રણ દિવસથી જહેમત ઉઠાવી છે. કાળાબજારના મોટા કારસ્તાનની વિગતો પોલીસ હવે પછી જાહેર કરશે. બીજા અનેક નામો ખુલવાની પણ શકયતા છે.

(11:53 am IST)