Gujarati News

Gujarati News

News of Monday, 31st May 2021

માંડાડુંગરનો હિતેષ ઉર્ફ બંટી સુરતના છોટુ પાસેથી ગાંજો લાવ્યોઃ વેંચવા નીકળ્યો ને ભકિતનગર પોલીસે પકડ્યો

પટેલનગરમાંથી પકડી લેવાયોઃ અગાઉ દારૂ સહિતના કેસમાં સંડોવણીઃ વધુ પૈસા કમાવવા હવે માદક પદાર્થ વેંચવાના રવાડે ચડ્યોઃ આગળની તપાસ થોરાળા પોલીસને સોંપાઇ

રાજકોટ તા. ૩૧: માંડા ડુંગર પાસે ભીમરાવનગરના ઢાળ પાસે રહેતાં હિતેષ ઉર્ફ બંટી સવજીભાઇ બાબરીયા (કોળી) (ઉ.વ.૩૦) નામના શખ્સને ભકિતનગર પોલીસે પટેલનગર-૧ શ્રી મથુરદાસ નરભેરામ પારેખ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત સાર્વજનીક અન્નક્ષેત્ર પાસેથી રૂ. ૧૦૨૦૦ના ૧ કિલો ૭૦૦ ગ્રામ ગાંજા સાથે પકડી લઇ રૂ. ૭૦૦ રોકડા પણ કબ્જે લીધા છે.

ભકિતનગર પોલીસની ટીમ દારૂ અને નશીલા પદાર્થનું વેંચાણ કરતાં હોય એવા શખ્સોની શોધમાં પેટ્રોલીંગમાં હતી ત્યારે  પી.આઇ. જે. ડી. ઝાલાને મળેલી બાતમી પરથી હિતેષ ઉર્ફ બંટી પ્લાસ્ટીક-કાપડની થેલીમાં ગાંજો રાખી નીકળતાં દબોચી લેવાયો હતો. એનડીપીએસ એકટ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ માટે આ શખ્સને થોરાળા પોલીસને સોંપવામાં આવ્યો છે.

પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્યા મુજબ આ શખ્સ અગાઉ દારૂ સહિતના ગુનામાં અને નકલી દારૂના ગુનામાં ડાંગી નામના શખ્સ સાથે પકડાઇ ગયો હતો. હવે વધુ પૈસા કમાવવાની લાલચે માદક પદાર્થ વેંચવાના રવાડે ચડ્યો હતો. પહેલી જ વખત પોતે ગાંજો લાવ્યાનું અને વેંચવા માટે ગ્રાહક શોધવા નીકળ્યાનું રટણ કર્યુ હતું. જો કે કોઇ ગ્રાહક મળે એ પહેલા પોલીસ મળી ગઇ હતી. પોતે સુરતના છોટુ નામના શખ્સ પાસેથી આ ગાંજો લઇ આવ્યાનું પણ તેણે રટણ કર્યુ હોઇ સાચી વિગતો ઓકાવવા રિમાન્ડની તજવીજ હાથ ધરવામાં આવી છે. થોરાળા પીઆઇ બી. એમ. કાતરીયા, પીએસઆઇ જી. એસ. ગઢવી અને ટીમ વધુ તપાસ કરે છે.

પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા, એસીપી એચ. એલ. રાઠોડની રાહબરીમાં પીઆઇ જે. ડી. ઝાલા, પીએસઆઇ આર. એન. હાથલીયા, હેડકોન્સ. નિલેષભાઇ મકવાણા, ઘનશ્યામભાઇ મેણીયા, રણજીતસિંહ ચઢારીયા, મનરૂપગીરી ગોસ્વામી, હિરેનભાઇ પરમાર, કોન્સ. વાલજીભાઇ જાડા, દિવ્યરાજસિંહ ઝાલા અને મનિષભાઇ સિરોડીયાએ આ કામગીરી કરી હતી.

(3:08 pm IST)