Gujarati News

Gujarati News

News of Monday, 31st May 2021

આજી રિવર ફ્રન્ટ માટે ૬૦૦ મકાનો તોડી પાડવા નોટીસો : અસરગ્રસ્તોમાં ફફડાટ

નવયુગપરાની ગૃહિણીઓનું ટોળુ મ.ન.પા.ની કચેરીએ રજૂઆત માટે દોડી ગયું

રાજકોટ તા. ૩૧ : આજી રિવરફ્રન્ટનું કામ હવે વેગવંતુ બનાવવા મ.ન.પા. તંત્રએ નદીકાંઠાના મકાનોના દબાણો દુર કરવા નોટીસો આપવાનું ચાલુ કર્યું છે. જે અંતર્ગત નદીકાંઠાના ૬૦૦ મકાન ધારકોને મકાનો ખાલી કરી સ્વૈચ્છીક ડીમોલીશન માટે નોટીસો અપાતા અસરગ્રસ્તોમાં જબરો ફફડાટ ફેલાયો છે અને આજે નવયુગપરાની ૫૦થી ૬૦ જેટલી ગૃહિણીઓ મ.ન.પા. કચેરીએ રજૂઆત માટે દોડી ગઇ હતી.

આ અંગે મ.ન.પા. કચેરીએ દોડી ગયેલ નવયુગપરાની ગૃહિણીઓએ રજૂઆતમાં જણાવ્યું હતું કે, નદીકાંઠે વર્ષોથી આવેલા નવયુગપરા, વિનાયકનગર વગેરેમાં વર્ષોથી રહે છે. મોટાભાગના લોકો કચરોવીણીને અથવા સફાઇ કામ કરીને ઘરનું ગુજરાન ચલાવી રહ્યા છે. આવી વિષમ સ્થિતિમાં રહેતા લોકોના મકાન તોડી પાડવામાં આવશે. આશરા વગરના થઇ જશે. માટે અસરગ્રસ્તોને રહેવા માટે તંત્રએ પ્રથમ વૈકલ્પિક વ્યવસ્થા આપવી જોઇએ પછી જ મકાનોનું ડિમોલીશન કરવું જોઇએ તેવી રજૂઆત છે.

અત્રે નોંધનિય છે કે આજી નદી ખાતે રિવરફ્રન્ટ યોજના હેઠળ ભૂગર્ભ ગટરની ઇન્ટરસેપ્ટર પાઇપલાઇન અને સર્વિસ રોડ વગેરે માટે નદીકાંઠાની બંને બાજુએથી દબાણો દુર કરવા જરૂરી હોઇ ટાઉન પ્લાનીંગ વિભાગે અગાઉ કેટલીક જગ્યા સંપાદન કરી છે અને થોડા દિવસો અગાઉ નવયુગપરા તથા વિનાયકનગર વગેરે વિસ્તારોમાં ડીમોલીશનની નોટીસો અપાયેલ પરંતુ હવે ૬૦૦ મકાન ધારકોને માત્ર અઠવાડિયામાં જ મકાનો ખાલી કરવા નોટીસો આપવામાં આવતા રહેવાસીઓમાં ફફડાટ ફેલાયો છે.

(3:37 pm IST)