Gujarati News

Gujarati News

News of Monday, 31st May 2021

મજૂરોના અભાવે રાજકોટ શહેર-જીલ્લામાં ચણાની માત્ર ર તથા ઘઉંથી ખરીદી પ કેન્દ્રો ઉપરઃ ખેડૂતોમાં દેકારો બોલી ગયો

DSO કહે છેઃ મજૂરોનો પ્રોબ્લેમ છે પરંતુ ૧ થી ર દિવસમાં તમામ કેન્દ્રો ચાલુ કરી દેવાશે : પરપ્રાંતિય મજૂરો કોરોનાને કારણે ચાલ્યા જતા અને અન્ય રાજયોમાં લોકડાઉન હોય મજૂરો નહી આવતા ખરીદી ઠપ્પ : ર૪ મે બાદ ચણા ૧ હજાર તો ઘઉં માત્ર પ૦ ખેડૂતો પાસેથી ખરીદાયામાં: યાર્ડ-કેન્દ્રોના પ્લેટ ફોર્મ ઉપર માલનો ભરાવોઃ ખેડુતોને પોતાને માલ વજન કાંટા ઉપર મૂકવો પડે છે...પ્રચંડ રોષઃ કલેકટર તથા ગાંધીનગર સૂધી રજુઆતોનો ધોધ....

રાજકોટ તા. ૩૧ : કોરોના કાળમાં બંધ થઇ ગયેલ ઘઉં-ચણાની ખરીદી સરકારી ર૪ મેથી શરૂ કરી પરંતુ રાજકોટ શહેર-જીલ્લામાં આ બંને મહત્વની વસ્તુની ખરીદ સાવ મંથર ગતિએ ચાલતી હોવાનું બહાર આવ્યું છે, અને તેના પરિણામે ખેડૂતોમાં ભારે દેકારો બોલી ગયો છે.

ખરીદી ઠપ્પ છે તેની પાછળ મૂખ્ય કારણ મજુરોનો અભાવ છે, રાજકોટ શહેર-જીલ્લામાં ચણા-ઘઉંની ખરીદી કોરોના પહેલા ચાલૂ કરાઇ  ત્યારે પગલાબંધ મજૂરો હતા, પૂરતા પ્રમાણમાં ખરીદી થઇ રહી હતી, પરંતુ કોરોનાની બીજી લહેરમાં યુપી.-રાજસ્થાન મજુરો ચાલ્યા જતા શરૂ થયેલ પૂનઃ ખરીદી અટકી પડી છે. યુપી-રાજસ્થાનના મોટાભાગના હોય, તેઓ ચાલ્યા જતા લેબર કોન્ટ્રાકટર અને રાજકો પૂરવાને દડધામ થઇ પડી છે.

આ અંગે ડીએસઓને પૂછતા તેમણે ''અકિલા''ને જણાવેલ કે મજુરોનો પ્રોબ્લેમ છે. પરંતુ ૧ થી ર દિવસમાં આ પ્રશ્ન હલ કરી લેવાશે. લેબર કોન્ટ્રાકટર પણ આ બાબતે કામ કરી રહ્યા છે.

તેમણે ઉમેર્યું હતું કે, હાલ ચણાની ખરીદી ગોંડલ અને વીંછીયા એમ બે સેન્ટર ઉપર ચાલુ છે, તો ઘઉંની ખરીદી ગોંડલ-ઉપલેટા-ધોરાજી-જસદણ અને પડધરી એમ પ સેન્ટર ઉપર ચાલૂ છે, અત્રે એ નોંધનીય છે કે ચણા-ઘઉંની ખરીદી રાજકોટના બે સહિત કુલ ૧૩ કેન્દ્રો ઉપર શરૂ થઇ હતી દરેક કેન્દ્ર ઉપર ૮ મજુરોની ૧ ગેંગ જોઇએ. પરંતુ મોટાભાગના મજુરો ચાલ્યા ગયા છે, પુરવઠાનો મોટાભાગનો સ્ટાફ કેન્સર-કોવીડમાં રોકાયેલો છે, તો પુરવઠાના નિગમના મેનેજર શ્રી સખીયા બિમાર હોય રજા ઉપર છે આથી બધુ હાલ અટકી ગયું છે.

અત્રે નોંધનીય છે કે ચણા-ઘઉંની ખરીદી ઠપ્પ થતા ખેડુતો ભારે હાલાકી ભોગવી રહ્યા છે, ઘણી વખત ખેડૂતોએ પોતે જાતે વજનકાંટા ઉપર માલ જોખવો પડે છ ે. પછી બીલ બને છે, ખેડુતોનો માલનો ભરાવોયાર્ડ-કેન્દ્રના પ્લેટફોર્મ ઉપર થતા અન્ય ખેડુતો માલ લાવી શકતા નથી. મુખ્ય મંત્રીના હોમ-ટાઉનમાં આ પ્રશ્ન ઉદ્દભવતા ભારે દેકારો છે.

સાધનોના જણાવ્યા મુજબ ચણાની ખરીદી માટે ૬૮ હજાર તો ઘઉંની ખરીદી માટે ૬પ૦૦ જેવા મેસેજ થયા હતા, તેમાંથી થોડા ચણાની ખરીદી થઇ, ચણામાં ૪પ હજાર તો ઘઉંમાં ૬૧૦૦ જેવા મેસેજોની ખરીદી બાકી રહી ગઇ છે, ખેડૂતોની હાલત કફોડી બની ગઇ છે, પુરવઠા નિગમે હવે તો મેસેજ પણ બંધ કરી દીધા છે, લેબર-ટ્રાન્સપોર્ટ કોન્ટ્રાકટરો મજુરો-વાહનો આપતા નથી, તાજેતરમં ર૪ મેથી ખરીદી શરૂ થઇ તેમાં ચણાનો ૧ હજાર તો ઘઉં માત્ર પ૦ ખેડુતો પાસેથી ખરીદાયામાં ખેડુતો ભારે લાચાર બની ગયા છે. કલેકટર-ગાંધીનગર સુધી રજુઆતો થઇ છે.

(4:56 pm IST)