Gujarati News

Gujarati News

News of Monday, 31st May 2021

રાજકોટ શહેર-જીલ્લામાં રહેતા પાકિસ્તાન-બાંગ્લાદેશ-અફઘાનના ૧૭૫ પરિવારો અંગે કલેકટર હવે કાર્યવાહી કરશેઃ સોગંદનામા ચેક કરવાનું શરૂ

૧૭૫માંથી ૪૦ ફાઈલ તો કેન્દ્રમાં પેન્ડીંગ છેઃ કલેકટર લેવલે ૬ પેન્ડીંગ છેઃ સોગંદનામા અંગે ૫૬ અરજી માટે કાર્યવાહી

રાજકોટ, તા. ૩૧ :. તાજેતરમાં કેન્દ્ર સરકારે પાકિસ્તાન, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાનના લઘુમતિ લોકો કે જેઓ તે જીલ્લામાં વસતા હોય, તેમને ભારતનું નાગરીકત્વ આપવા અંગે ૧૩ જીલ્લા કલેકટરોને સત્તા આપતુ જાહેરનામુ પ્રસિદ્ધ કર્યુ છે, હજુ જો કે રાજકોટ કલેકટર તંત્ર પાસે આ હુકમ આવ્યો નથી, પરંતુ કલેકટર તંત્રે આ બાબતે પ્રાથમિક કાર્યવાહી શરૂ કરી દીધી છે.

અત્રે ઉમેરવું જરૂરી કે રાજકોટ શહેર જિલ્લામાં ૭ વર્ષ કે તેથી વધુ લોંગ ટર્મથી રહેતા હિન્દુ (ઉપરોકત દેશના લઘુમતિ) નાગરીકોની સ્થિતિ જોઈએ તો આવા કુલ ૧૭૫ પરિવારો છે, એમાથી ૪૦ લોકોની ફાઈલ નિર્ણય અર્થે કલેકટરે ગાંધીનગર અને કેન્દ્ર સરકારમાં મોકલી છે. જેનો હજુ નિર્ણય આવ્યો નથી પરંતુ હવે કલેકટરને પાવર અપાતા. આ ગયેલ ફાઈલો પરત આવશે અને બાદમાં ૧૭૫ પરિવારો અંગે કલેકટર તંત્ર લેશે.

દરમિયાન એડી. કલેકટર શ્રી પરિમલ પંડયાએ પત્રકારોને જણાવ્યુ હતુ કે હાલ ૧૫૬ પરિવારોમાંથી સરકાર લેવલે ૨૪ અને કેન્દ્રમાં ગયેલ અભિપ્રાય માટેની ૪૨ ફાઈલ પેન્ડીંગ છે, જ્યારે રાજકોટ કલેકટર લેવલે ૫૬ અરજી પેન્ડીંગ છે.

તેમણે ઉમેર્યુ હતુ કે પૂર્તતા માટે કુલ ૫૬ અરજી છે તેમાંથી તે લોકોની ઓથ એટલે કે સોગંદનામા, માહિતી વિગેરે ચકાસણી માટે આજથી કાર્યવાહી શરૂ કરાઈ છે. આજથી આવા કુલ ૮ પરિવારોને અમે બોલાવી રહ્યા છીએ અને ડોકયુમેન્ટ ચકાસાઈ રહ્યા છે.

(4:57 pm IST)