Gujarati News

Gujarati News

News of Monday, 31st May 2021

ત્રંબા આરોગ્ય કેન્દ્ર હેઠળના આઠેય ગામો સંપૂર્ણ કોરોના મુકત

રાજકોટ તા. ૩૧ : જયાં એક સમયે કોરોનાના ૪૦૦ પોઝિટિવ કેસો હતા, તે ત્રંબા આરોગ્ય કેન્દ્ર હાલ સંપુર્ણપણે કોરોનામુકત બન્યું છે. જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગે કરેલી ઉત્કૃષ્ટ કામગીરી, ગામના સરપંચોએ લીધેલ સ્વૈચ્છિક લોકડાઉનનો નિર્ણય, ગામ લોકોએ કોરોનાની માર્ગદર્શિકાઓનું પાલન કરવામાં દાખવેલ સજાગતા અને પોઝિટિવ દર્દીઓને મળેલી સમયસરની સારવારથી આ શકય બન્યું છે.

કોરોનાની બીજી લહેરમાં ત્રંબા આરોગ્ય કેન્દ્ર હેઠળ આવતા કસ્તુરબાધામ, વડાળી, કાળીપાટ, લાપાસરી, નવાગામ, સોખડા, ધમલપર અને નાકરાવાડી જેવા ૮ ગામોમાં એપ્રિલ માસમાં કુલ ૫૩૫ કોરોનાના પોઝિટિવ કેસો હતા, જે પૈકી માત્ર ત્રંબા ગામમાં જ ૩૬૮ કેસો હતા, પરંતુ જિલ્લા વિકાસ અધિકારી અનિલ રાણાવસીયા, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. નીલેશ શાહ, આર.સી.એચ.અધિકારી ડો.મીતેશ ભંડેરી, ડો. ડાભી, ડો. સિંઘ, ડો. અલી, ડો. ઉપાધ્યાય વગેરેની ટીમે ગામ લોકોને સમયસરની સારવાર પુરી પાડી.

સરપંચ નીતિનભાઇ રૈયાણી તથા અન્ય ગ્રામ્ય આગેવાનોએ સ્વૈચ્છિક લોકડાઉનનો નિર્ણય લીધો, જેનું બધા ગામોએ પૂર્ણતઃ પાલન કર્યું. આઠે-આઠ ગામના નાગરિકોએ ઉકાળા, માસ્ક, સેનિટાઇઝર, સામાજિક અંતર વગેરેનું પૂર્ણપણે ધ્યાન રાખ્યું.

ત્રંબા આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર ડો. સરોજબેન જેતપુરિયાએ શંકાસ્પદ દર્દીઓને હિંમતપૂર્વક ટેસ્ટ કરાવવા સમજાવ્યા, જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી ભુપતભાઇ બોદરના માતુશ્રી દુધીબેન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ૨૫૦૦ જેટલી ટેસ્ટીંગ કીટ ત્રંબા આરોગ્ય કેન્દ્ર ખાતે આપવામાં આવી હતી. જેનાથી 'મારૃં ગામ કોરોનામુકત ગામ' અભિયાન અન્વયે મે માસના અંતે ત્રંબા આરોગ્ય કેન્દ્રના આઠ ગામો સંપૂર્ણ રીતે કોરોનામુકત બન્યા છે.

(4:58 pm IST)