Gujarati News

Gujarati News

News of Wednesday, 31st May 2023

પીપળીયા વૃધ્‍ધાશ્રમની બાજુમાં બાબુભાઇની દુકાનમાં ૫૩ હજારના ઇલેકટ્રીકના સામાનની ચોરી

માલવીયાનગર પોલીસે સીસીટીવી ફુટેજના આધારે તપાસ હાથ ધરી

રાજકોટ,તા. ૩૧ : મવડી પીપળીયા વૃધ્‍ધાશ્રમની બાજુમાં આવેલી રીલગ ઇલેકટ્રીક નામની દુકાનને નિશાન બનાવી તસ્‍કરો રૂા. ૫૩ હજારની કિંમતનો ઇલેકટ્રીકનો સામાન ચોરી જતા ફરિયાદ થઇ છે.

મળતી વિગત મુજબ માયાણી ચોક પાસે આવેલ રામેશ્વર પાર્ક બ્‍લોક નં. ૮૦માં રહેતા બાબુભાઇ લીંબાભાઇ પીપળીયા (ઉ.વ.૫૨)એ માલવીયાનગર પોલીસ મથકના નોંધાવેલી ફરિયાદમાં જણાવ્‍યું છે કે પોતે પીપળીયા વૃધ્‍ધાશ્રમની બાજુમાં ઉદ્યોગભવનમાં દુકાન નં. ૧૧માં રીલગ ઇલેકટ્રીક' નામે દુકાન ધરાવે છે. તેમાં પોતે ઇલેકટ્રીક રીપેરીંગનું કામ કરે છે. પરમદીવસે સાંજે પોતે દુકાન બંધ કરી ઘરે જતા રહ્યા હતા ગઇ કાલે સવારે પોતે દુકાને આવ્‍યા ત્‍યારે શટર ઉચકાયેલુ જોવા મળતા પોતે તાકીદે દુકાનની અંદર જોતા સામાન વેરવિખેર જોવા મળ્‍યો હતો. બાદ પોતે તપાસ કરતા બે પાણીની ઇલેકટ્રીક મોટર, એક બ્‍લોર મોટર, ૧૧ ઇન્‍ડકશન મોટર, બે સ્‍ટાટર કોન્‍ટેકટર સેટ, બે વાયરના બંડલ, ૨૨ સ્‍વીચ, આઠ કિલો કોપર વાયર, કોપરનો ભંગાર સહિત ૫૨,૯૦૦ ની કિંમતનો સામાન જોવા ન મળતા ચોરી થઇ હોવાની ખબર પડી હતી. બાદ પોતે માલવીયાનગર પોલીસ મથકમાં જાણ કરતા એ.એસ.આઇ વી.જી.બોરીચાએ ફરિયાદ દાખલ કરી પી.એસ.આઇ સી.એસ.વાછાણીએ તપાસ હાથ ધરી છે.

(4:27 pm IST)