Gujarati News

Gujarati News

News of Wednesday, 31st May 2023

વિશ્વના ૧૯૫ દેશમાંથી ફકત બે-ત્રણ આંગળીના વેઢે ગણાય તેટલા દેશમાં જ પ્રાચીન સંસ્‍કૃતિ છે, તેમા ભારત છે

સૌરાષ્‍ટ્રમાં શોધાયેલા પ્રાચીન સંસ્‍કૃતિના સ્‍થળો બચાવવા જયાબહેન ફાઉન્‍ડેશનની મુખ્‍યમંત્રી તથા વિભાગના મંત્રીને જાહેર અપીલ : પ્રભાસપાટણની શોધ આદ્યઐતિહાસીક કાળથી ગુપ્‍તકાળ સુધીનો ૧૮૦૦ વર્ષનો સળંગ સાંસ્‍કૃતિ ઈતિહાસ રજુ કરે છે : ૪૫૦૦ વર્ષ પ્રાચીન હરપ્‍પન સંસ્‍કૃતિના શોધાયેલ કિલ્લેબંધ નગર રોજડીમાંથી તે સમયનાં વાસણો,ઘરેણા, ઓજારો મળ્‍યા હતા : ૮૫૦ વર્ષ પ્રાચીન સૂર્યમંદિર રાજય રક્ષીત સ્‍મારક રક્ષા વગર આજે જર્જરીત હાલતમાં છે : રોજડી અને પ્રભાસપાટણના પ્રાચીન સ્‍થળ ઉપર સાઈટ મ્‍યુઝીયમ બનાવવા જયાબહેન ફાઉન્‍ડેશનના પરેશ પંડયાની માંગ : પ્રભાસ પાટણના ઉત્‍ખનનથી પ્રાચીન વાસણો, રમકડા, અકિકના મણકા, સુવર્ણના પારાઓ, કુમાર ગુપ્‍તના સીકકા, લોખંડના ઓજારો મળ્‍યા

પ્રાચીન સૂર્યમંદિર, પ્રભાસપાટણ : પ્રભાસપાટણ, પ્રાચીન સંસ્‍કૃતિનું સ્‍થળ : રોજડી ૪૫૦૦ વર્ષ પ્રાચીન હરપ્‍પન સંસ્‍કૃતિનું સ્‍થળ

સમગ્ર વિશ્વના ૧૯પ દેશમાંથી બે ત્રણ આંગણીના વેઢે ગણાઇ તેટલા દેશમાં જ હજારો વર્ષ પ્રાચીન સંસ્‍કૃતિ શોધાયેલ છે. જેમા આપણો ભારત દેશ અને તેમા આપણા ગુજરાત રાજયનો પણ સમાવેશ થાય છે. આ ઐતિહાસિક સ્‍થળોને સાચવવા તે દરેક ગુજરાતીની ફરજ છે, સરકારની અને તેમા પુરાતત્‍વ વિભાગ સંભાળતા મંત્રીશ્રીની વિશેષ જવાબદારી બને છે.

પ્રાચીન સંસ્‍કૃતિ બચાવવા સક્રિય સંસ્‍થા શ્રી જયાબહેન ફાઉન્‍ડેશનના પરેશ પંડયા જણાવે છે કે રાજકોટ જિલ્લામાં ગોંડલ બાદ મોવૈયાથી આગળ રોજડી (શ્રીનાથગઢ) ગામમાં ભાદર નદીના વિશાળ પટના કિનારે ૧૯પ૭-પ૮ અને ૧૯પ૮-પ૯ દરમ્‍યાન વિશાળ ટીંબા ઉપર ઉત્‍ખનન(ખોદકામ) કરી પુરાતત્‍વવિદશ્રી પી.પી.પંડયાએ ૪પ૦૦ વર્ષ પ્રાચિન હરપ્‍પન સંસ્‍કૃતિનું કિલ્લેબંધ નગર શોધી સૌરાષ્ટ્રને દેશના પુરાતત્‍વીય ઇતિહાસમાં નોંધનીય સ્‍થાન અપાવ્‍યું. રોજડી ખાતે હરપ્‍પન સંસ્‍કૃતિના સંશોધનથી (ખોદકામ) ૪પ૦૦ વર્ષ પહેલાનો માનવી જુદા જુદા પ્રકારના વાસણો, અલંકારો, વિવિધ ઓજારોનો ઉપયોગ કરતા તે પણ મળી આવ્‍યુ હતુ. અમેરીકાની પેન્‍સીલવેનીયા યુનિવર્સિટીના ડો. પોસેલને આ જાણકારી મળતા ગુજરાત રાજયના પુરાતત્‍વ વિભાગના આસી. ડાયરેકટર શ્રી ચીતલવાલા સાથે રોજડી ખાતેના સંશોધન પર ૧૯૮૧-૮રમાં વધુ ઉત્‍ખનન  પણ કરેલ હતુ. જે રોજડી  પરના સંશોધનનું મહત્‍વ સાબીત કરે છે. શાળાના પાઠય પુસ્‍તકમાં પણ રોજડી ખાતેના હરપ્‍પન સ્‍થળને સ્‍થાન અપાયેલ છે.

જયાબહેન ફાઉન્‍ડેશનના પરેશ પંડયા વધુ જણાવે છે કે સુપ્રસિધ્‍ધ સોમનાથ મહાદેવના સાનિધ્‍યમાં હિરણ નદીને કિનારે નગરાના ટીંબાઓ ઉપર, પ્રભાસ પાટણમાં ઉત્‍ખનન કરતા ઇ.સ. પૂર્વે ૧ર૦૦  થી ઇ.સ.ની છઠ્ઠી સદી સુધીના એટલે કે ૧૮૦૦ વર્ષના સાંસ્‍કૃતિક ઇતિહાસની સળંગકડીઓ મળી. પ્રાગમૌર્ય અને મૌર્યકાલીન સંસ્‍કૃતિના અવશેષો પ્રથમ વખત  સૌરાષ્ટ્રમાં અહિથી મળ્‍યા.ઇન્‍ડોગ્રીક, ક્ષત્રપ અને ગુપ્તકાલીન સંસ્‍કૃતિના અવશેષો મળ્‍યા, અહિથી વિવિધ પ્રકારના વાસણો, માટીના રમકડા, અકીકના મણકા, સુવર્ણના પારાઓ, લોખંડના ઓજારો તે પ્રાચીન સમયના પથ્‍થરના મકાનો માંથી મળ્‍યા. કુમાર ગુપ્‍તના સિક્કાઓ પણ પ્રાપ્ત થયા, આમ આ પ્રાચીન ટીંબાઓનુ ખોદકામ (ઉત્‍ખનન) સૌરાષ્ટ્રના આદ્યઐતિહાસીક કાળથી ગુપ્તકાળ સુધીના સમયનો સળંગ સાંસ્‍કૃતિક ઇતિહાસ રજુ કરે છે.પ્રભાસ પાટણની  આ ધરતીમાં ઐતિહાસિક વિરાસત ધરબાયેલ હતી.૧૯પ૬-પ૭માં પુરાતત્‍વિદ શ્રી પી.પી.પંડયાએ આ ઉત્‍ખનન(ખોદકામ) વિશાળપાયે કરેલ હતુ. પહેલા પヘીમી પુરાતત્‍વવિદોનો મત હતો કે સૌરાષ્ટ્ર વિસ્‍તારમાં પ્રાચીન સંસ્‍કતિનું અસ્‍તીત્‍વ નથી તેને આ સંશોધનોથી ખોટો સાબીત કરવામાં આવ્‍યો.

પ્રભાસ પાટણમાં નગરાના ટીંબા ઉપર ચાલતુ ઉત્‍ખનન કાર્ય અને તેના પરીણામ દર્શાવતુ ન્‍યુઝ રીલ તે સમયે ભારતભરના થીયેટરોમાં ફિલ્‍મ પહેલા બતાવવામાં આવતુ તે આ શોધની મહત્‍વતા દર્શાવે છે. પરેશ પંડયા જણાવે છે કે વિશ્વસમક્ષ આપણે ગર્વ લઇએ છીએ તેવી આપણી આ અમુલ્‍ય પ્રાચીન સંસ્‍કૃતિના સ્‍થળો આજે ઝાડી-ઝાખરાના જંગલમાં ફેરવાઇ ગયેલ છે. કોઇ જાળવણી થતી નથી. ચોકિદાર વગરના સ્‍થળ છે.ગુજરાત સરકાર, મુખ્‍યમંત્રીશ્રી અને આ પુરાતત્‍વ વિભાગનો હવાલો ધરાવતા મંત્રીશ્રીને આદર સાથે ભારપૂર્વક અપીલ કે આબન્ને સ્‍થળે સાઇટ મ્‍યુઝીયમ બનાવી ત્‍યાંથી મળી આવેલ અમુલ્‍ય પ્રાચીન વસ્‍તુઓ તેમાં પ્રદર્શીત કરી આજની અને આવતી પેઢીને તેની જાણકારી આપવા તાત્‍કાલીક નિર્ણય કરે અને આ માટે રાજયના પુરાતત્‍વ વિભાગને પુરતો સ્‍ટાફ અને પુરતા સાધનો આપી કાર્યરત કરી પ્રાચીન સંસ્‍કૃતિના સ્‍થળો બચાવે અને યોગ્‍ય જાળવણી કરે, પ્રચાર કરે.

રાજયના મુખ્‍યમંત્રીશ્રી અને પુરાતત્‍વ વિભાગના મંત્રીશ્રીએ આપણી પ્રાચીન સંસ્‍કૃતિના હિતમાં આ બન્ને ઉપરોકત સ્‍થળની મુલાકાત લેવી અત્‍યંત આવશ્‍યક છે.

નગરના ટીંબા, પ્રભાસ પાટણ ખાતેના આ પ્રાચીન વિરાસત પાસે જ ઇ.સ.૧૩પ૦માં બંધાયેલ પ્રાચીન સૂર્યમંદિર છે, જે રાજય રક્ષીત સ્‍મારક છે, જે રક્ષા વગર જર્જરીત થયેલ છે. તેની રક્ષા કરવા પરેશ પંડયા એ અંતમાં નમ્ર અપીલ કરેલ છે.

શ્રી પરેશ પંડયા પંડયા, મો.૯૮૨૫૨ ૧૮૯૦૩

(4:46 pm IST)