Gujarati News

Gujarati News

News of Saturday, 31st July 2021

રાજકોટ શહેરમાં ડ્રોન ઉડાડવા કે ભાડે આપવા માટે પોલીસની મંજૂરી લેવી પડશે

જમ્મુ કશ્મીરમાં બનેલ ડ્રોન હુમલાના બનાવને પગલે શહેર પોલીસ સાબદી : એરપોર્ટના ત્રણ કિલોમીટરનો પરીઘને 'નો ફલાય ઝોન' જાહેર કરતાં પોલીસ કમિશનર મનોજ અગ્રવાલઃ મંજૂરી માટે જે તે પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવો પડશે

રાજકોટ તા. ૩૧:  શહેરમાં હવે ડ્રોન ઉડાડવા પર નિયંત્રણો મુકાયા છે. ડ્રોન ઉડાડવા માટે  કે ભાડે આપવા માટે ૨૪ કલાક અગાઉ પોલીસની મંજૂરી લેવી પડશે. આ માટે પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલે એક જાહેરનામુ બહાર પડ્યું છે.

શહેરના વાઇટલ ઇન્સ્ટોલેશન, એરપોર્ટ, વી.વી.આઇ.પી. રહેઠાણ તેમજ કચેરીઓ, અગત્યની સરકારી કચેરીઓ વિગેરે જગ્યા સુરક્ષીત રાખવાની જવાબદારી રાજકોટ શહેર પોલીસ છે. જેમાં UAV (Unarmed Aerial Vehicle) કે જેમાં રીમોટ કંટ્રોલ સંચાલીત કેમેરા લગાડેલા ડ્રોન અથવા એરીયલ મિસાઇલ, હેલીકોપટર, રીમોટ કંટ્રોલ, માઇક્રોલાઇટ એરક્રાફટ કે પેરાગ્લાઇડર જેવા સંસાધનોથી દેશ-વિરોધી સંગઠનો, આંતકવાદીઓ અને ભાંગફોડીયો તત્વો ગેરલાભ લઇને રાજકોટ શહેરની સુરક્ષાને હાની પહોચાડવાની શકયતા નકારી શકાય તેમ ન હોઇ તેમજ તાજેતરમાં જમ્મુ કશ્મીરમાં બનેલ ડ્રોન હુમલાના બનાવ તથા આ પ્રકારના સંસાધનોથી શહેરમાં આંતક ફેલાવી, સુલેહ શાંતિ જોખમાય તેમજ લોકોના જાનમાલને નુકશાન કરે તેવી શકયતા રહેલી હોઇ જેથી લોકોની જાનમાલના રક્ષણ માટે યુએવી પર નિયંત્રણ રાખવુ ખુબજ જરૂરી છે.

સરકાર દ્વારા UAV (Unarmed Aerial Vehicle) પર નિયંત્રણ રાખવા માટે જાહેર કરાયેલી માર્ગદર્શીકા મુજબ પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલ દ્વારા જાહેરનામુ બહાર પાડવામાં આવેલ છે. તે મુજબ રાજકોટ શહેર પોલીસ કમિશનરેટ વિસ્તારમાં UAV કે જેમાં રીમોટ કંટ્રોલ સંચાલીત કેમેરા લગાડેલા ડ્રોન અથવા એરીયલ મિસાઇલ, હેલીકોપ્ટર, રીમોટ કંટ્રોલ માઇક્રોલાઇટ એરક્રાફટ કે પેરાગ્લાઇડર ચલાવનાર સંચાલકે કે જેઓ પોતાના અંગત વ્યવસાય માટે રાખતા હોય છે તેઓએ આ UAVની સંપુર્ણ માહિતી જેવી કે મોડલ નંબર, વજન, ક્ષમતાની વિગતો સાથે નજીકના પોલીસ સ્ટેશનમાં નોંધણી કરાવવાની રહેશે.

આ ઉપરાંત એરપોર્ટના ત્રણ કિલોમીટરના પરીઘમાં તેમજ વાઇટલ ઇન્સ્ટોલેશનના બે કિલોમીટરના પરીઘમા 'નો UAV ફલાય ઝોન' જાહેર કરવામાં આવેલ છે.  નેનો ડ્રોન એટલે કે ૨૫૦ ગ્રામ અથવા તેના કરતા ઓછા વજનના ડ્રોન સિવાયના UAV નો ઉપયોગ કરતા પહેલા ૨૪ કલાક અગાઉ જે વિસ્તારમાં ઉપયોગ કરવાનો છે તે વિસ્તારના પોલીસ સ્ટેશનના થાણા ઇન્ચાર્જને જાણ કરવાની રહેશે તેમજ જો ડ્રોન કે અન્ય UAV સંસાધન કોઇને ભાડે આપવામાં આવે તો તેની જાણ પણ ભાડે આપતા અગાઉ ૨૪ કલાક પહેલા નજીકના પોલીસ સ્ટેશનમાં કરવાની રહેશે. જાહેરનામાનું ઉલંઘન કરનાર સામે કાયદેસશરની કાર્યવાહી કરવામાં આવશે.

(1:05 pm IST)