Gujarati News

Gujarati News

News of Saturday, 31st July 2021

પોલીસ સ્ટેશન પાસેના ભવાની પસ્તી ભંડારમાં ભકિતનગર પોલીસનો દરોડોઃ ચંદુ ઉર્ફ ચનો દારૂ સાથે પકડાયો

મહત્વની બ્રાંચના એક પોલીસમેનનો દારૂ હોવાની વાતે શહેરભરમાં ચર્ચા જાગીઃ જો કે ઓનપેપર આવી વિગતો ખુલી નથીઃ ૧૪૯૫૦નો દારૂ, બીયર, ચપલા કબ્જેઃ કયાંથી લાવ્યો? તે અંગે તપાસનો ધમધમાટ : એએસઆઇ ફિરોઝભાઇ શેખ અને સલિમભાઇ મકરાણીની બાતમીઃ એક બેરલમાં પસ્તી ભરી'તીઃ પસ્તી હટાવતાં દારૂ-બીયર મળ્યો

રાજકોટ તા. ૩૧: શહેરના કોઠારીયા રોડ પર ભકિતનગર પોલીસ સ્ટેશન નજીક આવેલા ભવાની પસ્તી ભંડાર નામના ડેલાનો સંચાલક પસ્તીની આડમાં દારૂનો ધંધો કરતો હોવાની અને ડેલામાં દારૂ-બીયરનો જથ્થો હોવાની બાતમી પરથી ભકિતનગર પોલીસે દરોડો પાડતાં અંદરથી દારૂની ૧૦ બોટલ, બીયરના ૧૦ ટીન અને દારૂના ૩ પાઉચ મળી રૂ. ૧૪૯૫૦નો જથ્થો મળતાં ડેલાના માલિક ચંદુ ઉર્ફ ચનો ગાંડુભાઇ રાઠોડ (ઉ.વ.૪૯-રહે. રિધ્ધી સિધ્ધી ગુ. હા. બોર્ડ સોસાયટી, દૂધ સાગર રોડ શેરી નં. ૧૧ કવાર્ટર નં. ૧૨૪૧)ની સામે ગુનો નોંધી ધરપકડ કરવામાં આવી હતી.

આ ગુનામાં એએસઆઇ ફિરોઝભાઇ ઇકબાલભાઇ શેખની ફરિયાદ પરથી ભવાની પસ્તી ભંડારવાળા ચંદુ ઉર્ફ ચના રાઠોડ (કોળી) સામે પ્રોહીબીશન એકટ હેઠળ ગુનો દાખલ કરી તેની ધરપકડ કરી દારૂ-બીયરનો જથ્થો તેમજ રૂ. ૫૦૦૦નો મોબાઇલ ફોન પણ કબ્જે કરાયો છે. આગળની તપાસ હેડકોન્સ. રણજીતસિંહ પઢારીયાને સોંપવામાં આવી છે.

પીઆઇ જે. ડી. ઝાલાની સુચના મુજબ એએસઆઇ ફિરોઝભાઇ શેખ, સલિમભાઇ મકરાણી સહિતનો સ્ટાફ પોલીસ સ્ટેશને હતો ત્યારે ખાનગી રાહે બાતમી મળી હતી કે પોલીસ સ્ટેશનની બાજુમાં આવેલા ભવાની પસ્તી ભંડાર નામે ડેલો ધરાવતાં ચંદુ રાઠોડે ડેલામાં દારૂ રાખ્યો છે અને વેંચાણ થાય છે. તેના આધારે ત્યાં જઇ તપાસ કરતાં પસ્તીના ઢગલા પાસે બ્લુ કલરનું ઉપરથી ખુલ્લું બેરલ પડ્યું હોઇ તેમાં ઉપર છાપાની પસ્તી ઢાંકેલી હતી. તે પસ્તી હટાવી જોતાં અંદરથી અલગ અલગ બ્રાન્ડની દારૂની બોટલો અને બીયરના ટીન તથા દારૂના પાઉચ મળતાં પંચને બોલાવી કાર્યવાહી કરી હતી.

બેરલમાંથી બકાર્ડી બ્લેક વ્હીસ્કીની ૦૧ બોટલ, જોની વોકર રેડ લેબલ સ્કોચની ૦૫ બોટલ, બ્લેન્ડર્સ પ્રાઇડની ૦૩ બોટલ, તથા રોયલ ચેલેન્જની ૦૧ બોટલ તેમજ હેવર્ડસ ફાઇવ થાઉઝન્ડના બીયરના ટીન ૧૦ તથા ૮પીએમ વ્હીસ્કીના રૂ. ૩૦૦ના ૦૩ પાઉચ મળી આવતાં તે તથા એક મોબાઇલ ફોન કબ્જે રીતેની ધરપકડની તજવીજ કરવામાં આવી હતી.

આ દરોડાને પગલે સોશિયલ મિડીયામાં ભારે ચર્ચા વહેતી થઇ ગઇ હતી. પકડાયેલો દારૂ મહત્વની એક બ્રાન્ચના પોલીસમેન અને એક પીસીઆરના ડ્રાઇવરનો હોવાની વાતો વહેતી થઇ ગઇ હતી. જો કે પોલીસ ફરિયાદમાં ઓનપેપર આવી કોઇ વિગતો બહાર આવી નથી. પોલીસ સ્ટાફ વચ્ચે અંદરોઅંદરની હુંસાતુંસીને કારણે આવી વાતો વહેતી થઇ ગઇ હોવાનું કહેવાય છે. જો કે ચનો ઉર્ફ ચંદુ દારૂ કયાંથી લાવ્યો? વેંચતો હતો તો કેટલા સમયથી વેંચતો હતો? એ સહિતના મુદ્દે આગળની તપાસ હેડકોન્સ. રણજીતસિંહ પઢારીયાને સોંપાઇ છે.

પીએસઆઇ આર. જે. કામળીયા, ફિરોઝભાઇ શેખ, સલિમભાઇ મકરાણી, રણજીતસિંહ, વાલજીભાઇ જાડા, દિવ્યરાજસિંહ, રણજીતસિંહ જાડેજા, મનિષભાઇ, મૈસુરભાઇ સહિતે આ કામગીરી કરી હતી.

(1:05 pm IST)