Gujarati News

Gujarati News

News of Saturday, 31st July 2021

શિક્ષણ સમિતિ દ્વારા વિવિધ કાર્યક્રમો

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના તા. ૨ ઓગષ્ટના જન્મ દિન સરકારના પાંચ વર્ષ પૂર્ણ અંતર્ગત : સોમવારે કરણપરા ખાતે શિક્ષણ સમિતિ કચેરીએ બ્લડ ડોનેશન કેમ્પ તથા વિધાનસભા-૬૯માં આવેલ ૧૭ શાળાઓમાં રોપા વિતરણનું આયોજનઃ સમિતિ ચેરમેન અતુલ પંડિતના માર્ગદર્શન હેઠળ સભ્યો, આચાર્ય અને શિક્ષકો દ્વારા તડામાર તૈયારી

રાજકોટ, તા. ૩૧ :. વિધાનસભા-૬૯ના ધારાસભ્ય અને ગુજરાત રાજ્યના સંવેદનશીલ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનો જન્મ દિવસ તા. ૨ ઓગષ્ટના રોજ છે. તેમજ વિજયભાઈની રાહબરી હેઠળ સરકારના પાંચ વર્ષ પુરા કર્યા છે. મહાનગરપાલિકા, ગુજરાત સરકાર તથા વિવિધ સંસ્થાઓ દ્વારા આ નિમિતે સુશાસનની સરાહના સાથે ઉજવણીના કાર્યક્રમોનું આયોજન થઈ રહ્યુ છે. જે અન્વયે રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા પણ કેટલાક કાર્યક્રમોનું આયોજન થયેલ છે.

શિક્ષણ સમિતિ કાર્યાલય પર મુખ્યમંત્રીશ્રીના જન્મદિનની શુભેચ્છા અને શુભકામના માટે સમિતિ દ્વારા એક બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન થયેલ છે. મુખ્યમંત્રીશ્રીના ૬૫માં જન્મ દિવસને ધ્યાને લઈ ૬૫ બોટલથી વધુ બોટલ ડોનેટ થશે.

મુખ્યમંત્રીશ્રીની વિધાનસભા-૬૯માં આવેલ ૧૭ સરકારી શાળામાં વિવિધ સંસ્થા અને સંગઠન સાથે શાળા દીઠ ૬૫ રોપા વિતરણનો કાર્યક્રમ શિક્ષણ સમિતિ દ્વારા ગોઠવવામાં આવેલ છે.

આ કાર્યક્રમને સફળ બનાવવા ચેરમેન અતુલ પંડિત, વા. ચેરમેન સંગિતાબેન છાયા, શાસનાધિકારી કિરીટસિંહના માર્ગદર્શન હેઠળ અને શિક્ષણ સમિતિના સભ્ય કિશોરભાઈ, ધૈર્યભાઈ, પીનાબેન, તેજસભાઈ, કીરીટભાઈ, ફારૂકભાઈ, જાગૃતિબેન, મેઘાવીબેન, રવિભાઈ, અશ્વિનભાઈ, જેન્તીભાઈ, શરદભાઈ, વિજયભાઈ તથા આચાર્યો, સીઆરસી-યુઆરસી, શિક્ષક સંઘ અને ક્રેડીટ સોસાયટીના સભ્યો જહેમત ઉઠાવી રહ્યા છે.

(2:51 pm IST)