Gujarati News

Gujarati News

News of Saturday, 31st July 2021

સોમવારે બે સ્થળે સેવા સેતુ કાર્યક્રમ : નવી ત્રણ સેવાઓનો થશે પ્રારંભ

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના જન્મદિનના શુભ અવસરે તા. ૨ ઓગસ્ટે રાજકોટ મહાનગરપાલિકા તથા જિલ્લા વહીવટી તંત્રના સંયુકત ઉપક્રમે સેવા સેતુ કાર્યક્રમ : સેન્ટ્રલ તથા વેસ્ટ ઝોન માટે સંયુકત રીતે સેવા સેતુ કાર્યક્રમ શ્રી ધર્મેન્દ્રસિંહજી કોલેજ મેદાન, ડો. યાજ્ઞિક રોડ ખાતે અને ઈસ્ટ ઝોન માટેનો સેવા સેતુ કાર્યક્રમ શ્રી અટલ બિહારી વાજપેયી ઓડિટોરિયમ ખાતે યોજાશે

રાજકોટ તા. ૩૧ : ગુજરાત રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના જન્મ દિવસની ઉજવણીના અનુસંધાને તા. ૨ના રોજ સવારે ૦૯.૦૦ વાગ્યાથી બે સ્થળોએ સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં શહેરના સેન્ટ્રલ તથા વેસ્ટ ઝોન માટે સંયુકતરીતે શ્રી ધર્મેન્દ્રસિંહજી કોલેજ મેદાન, ડો. યાજ્ઞિક રોડ ખાતે સેવા સેતુ કેમ્પ અને ઈસ્ટ ઝોન માટે પેડક રોડ પર શ્રી અટલ બિહારી વાજપેયી ઓડિટોરિયમ ખાતે સેવા સેતુ કેમ્પ યોજાશે. આ સેવા સેતુ કાર્યક્રમમાં  મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે વિવિધ યોજનાઓના લાભાર્થીઓને લાભો અર્પણ કરવામાં આવશે, ઉપરાંત રાજકોટ મહાનગરપાલિકાની ત્રણ નવી સેવાઓ (૧) પરિવહન સેવાઓ માટે અદ્યતન ફીચર્સ સાથેની મોબાઇલ એપ, (૨) જીઆઇએસ અને જી.પી.આર. એનેબલ્ડ સિટિઝન પોર્ટલ અને (૩) તમામ વોર્ડ ઓફિસેથી જન્મ મરણ નોંધણી પ્રમાણપત્ર આપવાની પ્રણાલીનો શુભારંભ પણ કરવામાં આવશે. આ અવસરે રાજયના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના માન. મંત્રી ઈશ્વરભાઈ પરમાર અને રાજકોટના મેયર ડો. પ્રદિપ ડવ, સાંસદશ્રી, ધારાસભ્યો અને રાજકોટ મહાનગરપાલિકાના પદાધિકારીઓ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે, તેમ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કરભાઇ પટેલ અને મ્યુનિ. કમિશનર અમિત અરોરાએ જણાવ્યું હતું.

સેવા સેતુ શ્રંખલાનો આ છઠ્ઠો તબક્કો છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આ સેવા સેતુ કાર્યક્રમમાં એન.યુ.એલ.એમ. હેઠળની સ્વસહાય જૂથ રચના, બેન્કેબલ યોજના, કૌશલ્ય તાલીમ પ્રમાણપત્ર, સ્વસહાય જૂથ રિવોલ્વિંગ ફંડ, એરિયા લેવલ ફેડરેશન ફંડ, રેગ પીકર્સ આર્થિક વિકાસ યોજના, ઈ-બાઈક પ્રમોશન, દીકરી યોજના, જનની સુરક્ષા યોજના, કસ્તુરબા પોષણ સહાય, સુકન્યા સમૃધ્ધિ યોજના, વગેરે સેવાઓ સ્થળ પર જ ઉપલબ્ધ બનાવાશે.

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરીજનોની સુખાકારી હેતુ તેઓના રોજબરોજના કાર્યને સ્પર્શતી બાબતને લગત સુવિધાઓમાં વધારો કરવા માટેના પ્રોજેકટનું તા. ૨ના રોજ રાજયના  મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે શુભારંભ કરવામાં આવશે.

જાહેર પરિવહન સેવાઓમાં મુસાફરોની સગવડતા માટેની મોબાઈલ – એપ

રાજકોટ શહેર માટેની જાહેર પરિવહન સેવાઓમાં મુસાફરોની સગવડતા માટે અદ્યતન ફીચર્સ સાથેની મોબાઇલ એપ, કે જે મોબાઇલ એપ થકી મુસાફરોને પરિવહન સેવાઓ હેઠળની તમામ બસના રૂટ તથા સમય પત્રકની માહિતી તેઓના મોબાઇલ પર સરળતાથી મળી શકશે તેમજ શહેરના એક સ્થળેથી બીજા સ્થળે પહોંચવા માટે ઉપલબ્ધ બસની ટીકીટ મોબાઇલ એપ થકી મેળવી શકાશે.

GIS ઈનેબલ્ડ સિટિઝન પોર્ટલ – ( gis.rmc.gov.in )

રાજકોટ સ્માર્ટ સીટી ડેવ. લી. દ્વારા પાન સિટી ડેવલપમેન્ટ પ્રોજેકટ અંતર્ગત GIS (Geographic Information System) પ્રોજેકટ હેઠળ સિટીઝન પોર્ટલ (gis.rmc.gov.in) બનાવવામાં આવેલ છે. આ સિટિઝન પોર્ટલમાં હાઈ રીઝોલ્યુશન સેટેલાઈટ ઈમેજનો ઉપયોગ કરીને શહેરનો ડિજિટાઇઝ કરેલ બેઝમેપ ઉપલબ્ધ કરાવવામાં આવેલ છે. આ પ્રોજેકટ અંતર્ગત GPR (Ground Penitration Radar) ટેકનોલોજી નાં ઉપયોગ વડે શહેરના ૪,૦૦૦ (ચાર હજાર) કલોમીટર રસ્તાઓની નીચે રહેલ વિવિધ પ્રકાર ની યુટિલિટી જેવી કે પાણી ની પાઈપ લાઈન, ડ્રેનેજ પાઈપ લાઈન , જુદા જુદા કેબલ નેટવર્ક વિગેરેનો સર્વે કરી મેપ પર પ્લોટ કરવામાં આવેલ છે. આ ઉપરાંત પોર્ટલ પરથી નીચે મુજબની વિવિધ પ્રકારની માહિતીઓ જેવી કે ઝોન બાઉન્ડ્રી, વોર્ડ બાઉન્ડ્રી, વોર્ડ ઓફિસ, શાળાઓ, હોકર્સઝોન, શહેરી આરોગ્ય કેન્દ્રો, હોસ્પિટલો, ઉદ્યાનો અને બગીચાઓ, geo-tagged કરેલા મિલકત, રસ્તાઓ, રોડ નેટવર્ક, પાણી પુરવઠા નેટવર્ક, ડ્રેનેજ ભૂગર્ભ નેટવર્ક, સ્ટોર્મ વોટર, અંડર ગ્રાઉન્ડ નેટવર્ક, ટી.પી.સ્કીમ્સ, સિટી સર્વે બાઉન્ડ્રી અને સિટી સર્વે નંબર, રેવન્યુ સર્વે બાઉન્ડ્રી અને નંબર, અસલ પ્લોટ વિગતો, અંતિમ પ્લોટ વિગતો, એફ-ફોર્મ વિગતો વિગેરે મેળવી શકાશે.

જન્મ મરણનાં દાખલાઓ વોર્ડ કક્ષાએથી મળવાનો શુભારંભ

રાજકોટના નાગરિકોને જન્મ-મરણના પ્રમાણપત્રો હાલમાં ઝોનલ કચેરી પર આપવામાં આવે છે. શહેરીજનોને પોતાના ઘરની નજીક વોર્ડ પરથીજ જન્મ-મરણના પ્રમાણ પત્ર મળી રહે તેમાટે રાજકોટ મહાનાગરપાલીકાની ઝોનલ કચેરી ઉપરાંત તમામ ૧૮ વોર્ડ ઓફીસેથી જ જન્મ-મરણના દાખલા તથા તેમાં સુધારા અને આં ઉપરાંત જન્મ પ્રમાણપત્રમાં બાળકનું નામ દાખલ કરવાની કામગીરીનો શુભારંભ કરવામાં આવેલ છે.

  • શ્રી રૂપાણીના હસ્તે ત્રણ સેવાઓનો થશે શુભારંભ

.   પરિવહન સેવાઓ માટે અદ્યતન ફીચર્સ સાથેની મોબાઇલ એપ

.   જીઆઇએસ અને જી.પી.આર. એનેબલ્ડ સિટિઝન પોર્ટલ

.       તમામ વોર્ડ ઓફિસેથી જન્મ મરણ નોંધણી પ્રમાણપત્ર 

(3:48 pm IST)