Gujarati News

Gujarati News

News of Monday, 31st August 2020

વધુ ૧૦૦ વેન્ટીલેટર ફાળવાયાઃ ૧૫ ડોકટરોની ટીમ કરશે કામગીરી

રાજકોટમાં કોરોનાને નિયંત્રણમાં લેવા સરકાર એકશન મોડમાં

વધુ પડતો ચાર્જ લેતી કોવિડ હોસ્પિટલો સામે કડક પગલા : સુરત - અમદાવાદની પધ્ધતિ અપનાવી કોરોના પર કાબુ મેળવ્યા બાદ જ નિષ્ણાંત ડોકટરોને પરત બોલાવાશે : રાજ્યનાં આરોગ્ય સચિવ જયંતિ રવીએ પત્રકાર પરિષદમાં રજૂ કરી વિગતો

રાજકોટ,તા.૩૧: શહેરમાં કોરોના કહેર વધ્યો છે. રોજબરોજ કોરોના પોઝિટિવ કેસની સંખ્યામાં વધારો થઇ રહયો છે ત્યારે આરોગ્ય સચિવ ડો.જયંતી રવિ આજે વધુ એક વખત રાજકોટ આવી રહ્યા છે. આ વખતે એક અઠવાડીયા સુધી રોકાણ કરી તબક્કા વાઇઝ અલગ અલગ તંત્રવાહકો સાથે કોરોના સંદર્ભે બેઠકો યોજી વિવિધ મુદ્દે ચર્ચા કરશે અને અત્યાર સુધી કેવી અને કેટલી કામગીરી થઇ તેની સમિક્ષા કરશે. અગાઉ પણ બે વખત રાજકોટની મુલાકાત લઇ ચુકેલા આરોગ્ય સચીવ આ વખતે લાંબુ રોકાણ કરી શહેર-જીલ્લા અને ગ્રામ્ય વિસ્તારની કોરોનાની સ્થિતિનો સંપુર્ણ તાગ મેળવશે. 

દરમિયાન તેઓએ આજે બપોરે કલેકટર કચેરી ખાતે પત્રકાર પરિષદ યોજી અને રાજકોટવાસીઓને હૈયાધારણા આપી હતી કે રાજકોટમાં કોરોનાનો મૃત્યુદર ઘટાડવા વધુ ૧૦૦ વેન્ટીલેટર ફાળવાશે અને ૧૫ નિષ્ણાંત ડોકટરોની ટીમ ફાળવાશે. આ ટીમ સુરત - અમદાવાદની પધ્ધતિ મુજબ કોરોના પર કાબુ મેળવ્યા બાદ જ પરત બોલાવવામાં આવશે.

આ અંગેની પ્રાપ્ત માહિતી મુજબ રાજયનાં આરોગ્ય સચીવ આજથી અઠવાડીયા સુધી સૌરાષ્ટ્ર આવી રહ્યાની શકયતાઓ દર્શાય રહી છે.આજે બપોરે ૧૨:૩૦ વાગ્યા આસપાસ રાજકોટત્રીજી વખત મુલાકાતે આવી રહયા છે. ડો.જયંતી રવિ અગાઉ બે વખત રાજકોટ આવી ગયા છે. પહેલી વખત ટેસ્ટીંગ વધારવાની સૂચના આપી ગયા હતા અને બીજી વખત કોરોના સંક્રમણની સમીક્ષા કરી હતી.

રાજકોટમાં છેલ્લા એક મહિનામાં ૭૦ થી ૯૦ ની સરેરાશથી કેસ આવ્યા છે. આવતીકાલથી અનલોક-૪ પણ શરૂ થઇ રહ્યુ છે ત્યારે આ બાબતે ધ્યાને રાખી ડો.જયંતી રવિ કલેકટર, મ્યુે.કમિશ્નર તથા સિવિલનાં સતાધીશો, જીલ્લા આરોગ્ય તંત્ર સાથે તબક્કા વાઇઝ કોરોનાના વધતા કેસ, ખાનગી કોવીડ હોસ્પિટલો, ધનવંતરી રથ, દવાઓ સહિતની બાબતો અંગે સમીક્ષ કરશે.

  આરોગ્ય સચીવ ડો.જયંતી રવિ એક સપ્તાહમાં રાજકોટ સહિત જામનગર, સુરેન્દ્રનગર સહિતનાં શહેરોની મુલકાત લઇ પરિસ્થિતી અંગે નવી રણનીતી બનાવાની શકયતાઓ દર્શાય રહી છે.

પત્રકાર પરિષદમાં આરોગ્ય સચિવશ્રી જયંતિ રવીએ જાહેર કર્યું હતું કે, રાજકોટ હાલમાં રાજ્યમાં સૌથી વધુ કોરોના સંક્રમણ ફેલાવતુ શહેર બન્યું છે. ત્યારે સરકારે તેની ગંભીર નોંધ લઇ અને ગમે તે ભોગે અહીં કોરોના પર કાબુ મેળવવા નિર્ણય લીધો છે. તેઓએ જણાવેલ કે, મૃત્યુદર ઘટાડવા ૧૦૦ વેન્ટીલેટર ફાળવી દેવાશે તેમજ અમદાવાદ સિવિલના ૧૫ નિષ્ણાંત ડોકટરોની ટીમ રાજકોટમાં જ રોકાણ કરે અને કોરોનાને કાબુમાં લઇને જ પરત ફરશે.

આ તકે આરોગ્ય સચિવશ્રીએ વિશ્વાસ વ્યકત કર્યો હતો કે થોડા દિવસોમાં જ કોરોના કેસ સ્ટેબલ થઇ જશે અને પછી કેસ ઘટવા લાગશે. તેઓએ જણાવેલ નિષ્ણાંત ડોકટરો સાથે સર્વેલન્સની ટીમ પણ ફાળવી દેવાઇ છે.

કોરોના કેસનો વધારો જોતા ૧૫૦ બેડ અનામત છે, દોશી હોસ્પિટલ, રેલવે હોસ્પિટલ તેમજ સમરસ હોસ્ટેલને પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવેલ છે. કોરોના કેસ અને મોતનું સતત મોનિટરીંગ કરવામાં આવશે.

આ તકે અગ્રસચિવશ્રીએ ખાનગી કોવિડ હોસ્પિટલોને તાકિદ કરી હતી કે જો કોઇ કોરોનામાં વધુ ચાર્જ પડાવતી ઝડપાશે તો કડક પગલા લેવાશે તેમજ આ અંગેની ફરિયાદ માટે સરકાર હેલ્પલાઇન ફોન નંબર પણ જાહેર કરશે.

આ પત્રકાર પરિષદમાં આરોગ્ય વિભાગના એડી. ડાયરેકટર શ્રી દિક્ષીત, કલેકટર રેમ્યા મોહન, રાજકોટના પ્રભારી ડો. રાહુલ ગુપ્તા, એડીશ્નલ કલેકટર પરિમલ પંડયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

(3:09 pm IST)