Gujarati News

Gujarati News

News of Monday, 31st August 2020

રાજકોટમાં ૨૪ કલાકમાં ૭.૬ ઇંચઃ મોસમનો ૪૭ ઇંચ

ગઇકાલે સવારે ત્રણ કલાકમાં પાંચ ઇંચ ખાબકી ગયો, બપોરથી આજ સવાર સુધીમાં વધુ અઢી ઇંચ: આજે પણ શેરીઓથી માંડી જાહેરમાર્ગો ઉપર પાણીની રેલમ છેલ : અમુક માર્ગો ઉપર તો રીતસરની નદીઓ વહે છે

રાજકોટઃ તા.૩૧, સૌરાષ્ટ્ર સહિત સમગ્ર રાજયભરમાં મેઘરાજાએ બહબહાટી બોલાવી છે. ચોમેર સાંબેલાધાર વરસ્યો છે. દરમિયાન રાજકોટ શહેરમાં પણ વરસાદે ગઇકાલે ડૂચા કાઢયા હતા. માત્ર ૨૪ કલાકમાં ૭.૬ ઇંચ ખાબકી ગયો છે. અને મોસમનો આંકડો ૪૭ ઇચે પહોંચી ગયો છે. ભારે વરસાદના લીધે આજે પણ પાણી ઓસર્યા નથી. શેરીઓ સહિત રાજમાર્ગો ઉપર પાણીની નદીઓ જોવા મળી રહી છે.

રાજકોટ શહેરમાં ગઇકાલે વ્હેલી સવારથી જ વાતાવરણ એકદમ ગોરંભાયેલુ હતુ. વ્હેલી સવારથી ૯ વાગ્યા સુધી હળવા-ભારે ઝાપટાનો દોર જારી રહયો હતો. ત્યારબાદ લગભગ ૯:૩૦ આસપાસ મેઘરાજાએ એકદમ જોર પકડયું હતુ. વિજળીયના  કડાકા-ભડાકા સાથે જોરદાર ચાલુ થઇ ગયો હતો, એકરસ બની ગયો હતો.  ત્રણેક કલાક સુધી તો એકધારો વરસાદ ચાલુ રહયો હતો. થોડીવારમાં તો પાણીની રેલમ છેલ જોવા મળી હતી.

માત્ર ત્રણ કલાકમાં પાંચ ઇંચ વરસાદમાં આખુ શહેર જળબંબોળ બની ગયુ હતુ. ચોમેર પાણી-પાણી જ જોવા મળતા હતા. નિચાણવાળા સ્થળોએ તો ગોઠણડૂબ પાણી ભરાઇ ગયા હતા. આશરે ૧૨:૩૦ સુધી વરસાદનું મેધતાંડવ જોવા મળ્યુ હતુ. સમગ્ર શહેરમાં બેફામ ખાબકયો હતો. સવારથી બપોર સુધીમાં માત્ર ત્રણ કલાકમાં પાંચ ઇંચ ઝીંકી દીધો હતો. ત્યારબાદ મેઘરાજાએ વિરામ લીધો હતો.

ત્યારબાદ સાંજથી ફરી હળવો ચાલુ થઇ ગયો હતો. મોડીરાત સુધી ધીમીધારે વરસાદ ચાલુ જ રહયો હતો. આજે વ્હેલી સવારે પણ બે-ત્રણ હળવા-ભારે ઝાપટા ઝીંકી દીધા હતા. આમ ગઇકાલ સવારથી આજે સવાર સુધીમાં રાજકોટ શહેરમાં ૭.૬ ઇંચ પાણી પડી ગયું છે અને મોસમનો કુલ ૪૭ ઇંચ વરસી ગયો છે.

રાજકોટ શહેરમાં આજે સવારે પણ ઠેકઠેકાણે પાણી જોવા મળે છે. પાણી હજુ ઓસર્યા નથી. રાજમાર્ગો સહિત શેરી ગલીઓમાં પાણી ભરાયેલા છે.

(2:55 pm IST)
  • દેશમાં કોરોના વધતો કહેર : રાત્રે 12 વાગ્યા સુધીમાં વધુ 79,457 પોઝિટિવ કેસ નોંધાયા : કુલ કેસનો આંકડો 36,19,169 થયો : 7,81,030 એક્ટિવ કેસ : વધુ 60,408 દર્દીઓ સાજા થતા કુલ 27,72,928 દર્દીઓ રિકવર થયા : વધુ 960 લોકોના મોત સાથે મૃત્યુઆંક 64,617 થયો access_time 8:28 am IST

  • ખંભાળિયામાં છેલ્લા ૧ કલાક થી ધોધમાર વરસાદ ચાલુ : ૨ થી ૩ ઇંચ વરસાદ નું અનુમાન : ગ્રામ્ય વિસ્તારો માં પણ એકધારો વરસાદ : ઠેર ઠેર જળબંબાકાર ની સ્થિતિ access_time 11:20 pm IST

  • જીઓ ફાયબરની ધમાકેદાર જાહેરાત : જીઓ ફાયબરે તમામ નવા ગ્રાહકો માટે ''નો-કન્ડીશન ૩૦ દિવસ ફ્રી ટ્રાયલ''ની જાહેરાત કરીઃ તમામ હોમ પ્લાનમાં ડાઉનલોડ અને અપલોડ માટેની એક સરખી સ્પીડ રહેશેઃ દર મહિને ૩૯૯ રૂ.ના ભાડા સાથે વિવિધ પ્લાન શરૂ થશેઃ જીઓ ફાયબર તમામ નવા ગ્રાહકોને ૧૫૦ એમબીપીએસ ઇન્ટરનેટ, ફોરકે સેટ ટોપ બોક્ષ (૧૦ ઓટીટી એપ્સના સબ્સક્રિપશન સાથે) નો-કન્ડીશન ફ્રી ટાયલ આપશે access_time 4:09 pm IST