Gujarati News

Gujarati News

News of Monday, 31st August 2020

શહેરીજનોને ૧૦૪૭ કરોડના કામો પ્રજાને અર્પણ કરતા વિજયભાઇ

રાજકોટ પ્રેમાળ અને રહેવા લાયક શહેર બને તે માટે તંત્ર કટીબધ્ધ :મ્યુ. કોર્પોરેશન અને શહેરી વિકાસ સત્તા મંડળના વિવિધ પ્રોજેકટનું ઇ-ખાતમુર્હુત, ઇ-લોકાર્પણ તથા ઇ-આવાસ ડ્રો યોજાયો :કોરોના કાબુમાં લેવા પાંચ સીનીયર ડોકટરોની ટુકડીનો મુકામ : ૧૫૦ બેડ પણ તૈયાર રખાયા : રાજકોટ માટે સરકાર સતત ચિંતીત : મુખ્યમંત્રીની હૈયા ધારણા

રાજકોટ તા. ૩૧ : રાજકોટ મ્યુ. કોર્પોરેશન અને શહેરી વિકાસ સત્તા મંડળના વિવિધ ૧૦૪૭.૬૬૧ કરોડના જુદા જુદા પ્રોજેકટોનું ઇ-ખાતમુહુર્ત, ઇ-લોકાર્પણ તથા ઇ-આવાસોના ડ્રો પ્રસંગે મુખ્યમંત્રી વિજયભાઇએ જણાવ્યું હતું કે, રાજકોટ શહેર લવેબલ અને લીવેબલ સિટી બને તે માટે પ્રશાસન કટીબધ્ધ છે. રાજ્યમાં જુદા જુદા કાયદા વધુ કડક બનાવવામાં આવી રહ્યા છે, જેમાં લેન્ડ ગ્રેબિંગ એકટ તેમજ અસામાજિક તત્વો ગુંડાગીરી ન કરે તે માટેના કાયદાનો સમાવેશ થાય છે. ગુંડાઓ કા તો ગુજરાત છોડે અથવા ગુંડાગીરી છોડીને સુધીર જાય.

આ પ્રસંગે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જણાવેલ કે, આજે ૧૦૪૮.૬૭ કરોડ રૂપિયાના જુદા જુદા કામોનું ખાતમુહૂર્ત - લોકાર્પણ અને આવાસનો ડ્રો કરવામાં આવેલ છે તે બદલ મનપાને અભિનંદન પાઠવ્યા હતા. પ્રધાનમંત્રીશ્રીએ 'જાન હે તો, જહાન હે' મંત્ર આપેલ છે અને આપણે સૌએ મહામારી સામે લડી રાજયને ઝૂકવા દીધું નથી. કોરોના સામે લડવા સરકાર સતત પ્રયત્નશીલ છે જેના પરિણામે રિકવરી રેઈટ વધે છે અને મૃત્યુદરમાં ઘટાડો થઇ રહ્યો છે. કોરોના સામે રાજકોટમાં કેસ થોડા વધી રહ્યા છે તેને ધ્યાનમાં રાખી રાજય સરકારે આજ સિનીયર પાંચ ડોકટરો અને આરોગ્ય સચિવ જયંતિ રવિને રાજકોટમાં પાંચ દિવસ મુકામ રાખી કોરોના ઉપર ફોકસ કરવા જણાવેલ છે. રાજકોટમાં ૧૫૦ બેડ વધારવા, તથા ટેસ્ટીંગ વધારવા અને સર્વેલન્સ વધારવાની સુચના આપી છે.

રાજય સરકાર ચાર સ્થંભ ઉપર કામ કરી રહી છે. અને સરકારના ૧૪૦૦ દિવસોના શાસન દરમ્યાન ૧૫૦૦થી વધુ નિર્ણયો કરવામાં આવેલ છે. હજુ પણ જુદા જુદા કાયદા વધુ કડક બનાવવામાં આવી રહ્યા છે, જેમાં લેન્ડ ગ્રેબિંગ એકટ, તેમજ અસામાજિક તત્વો ગુંડાગીરી ન કરે તે માટેના કાયદાનો સમાવેશ થાય છે. ગુંડાઓ કા તો ગુજરાત છોડે અથવા ગુંડાગીરી છોડીને સુધરી જાય.

વિશેષમાં મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, રાજયના તમામ લોકોને પીવાનું શુદ્ઘ પાણી મળી રહે તે માટે નલ સે જલ યોજના અમલમાં મુકેલ છે. રાજકોટ શહેરમાં પણ આ યોજનાનો વહેલાસર અમલ કરે તેવું મારૂ સૂચન છે. રાજકોટ શહેરે તાજેતરમાં સ્વચ્છતા સર્વેક્ષણમાં ૧ થી ૧૦ માં સ્થાન પ્રાપ્ત કરેલ છે તે બદલ હું મનપાને તથા સમગ્ર શહેરને અભિનંદન પાઠવું છું. રાજકોટ મહાનગરપાલિકા દુનિયાના સૌથી વધુ ઝડપથી વિકસતા શહેરોમાં સ્થાન ધરાવે છે તેને આગળ ધપાવવા સતત પ્રયત્નશીલ રહે તેવું સૂચન કરૂ છું. રાજકોટ શહેરમાં લોકોને રહેવું ગમે એટલે કે રાજકોટ શહેર લવેબલ અને લીવેબલ સિટી બને તે માટે પ્રસાશન કટીબદ્ઘ રહે.

કાર્યક્રમના અધ્યક્ષ સ્થાનેથી મેયર બીનાબેન આચાર્યએ જણાવેલ કે, આજરોજ રાજકોટ મહાનગરપાલિકા અને રૂડા દ્વારા રૂ.૧૦૪૮.૬૭ કરોડના વિવિધ કામોનું ઈ-ખાતમુહૂર્ત અને ઈ-લોકાર્પણ તથા પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ બની રહેલ આવાસોનો ડ્રો મુખ્યમંત્રીશ્રીના હસ્તે થનાર છે. કોરોના મહામારીમાં પણ રાજયની વિકાસની ગતિ અવિરત ચાલુ રહે તે માટે મુખ્યમંત્રી સતત પ્રયત્નશીલ છે.  આમ રાજ્યના તમામ લોકોને સ્પર્શે તેવા અનેક નિર્ણયો કરવામાં આવેલ છે.

આ કાર્યક્રમનું સ્વાગત પ્રવચન કરતા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ઉદયભાઈ કાનગડએ જણાવેલ હતું કે, કેન્દ્ર, રાજય અને કોર્પોરેશનના સહયોગથી રાજકોટ મહાનગરપાલિકાએ અત્યાર સુધીમાં ૨૦ હજારથી વધુ આવાસો બનાવી ગરીબ લોકોને સુપરત કરેલ છે. આજરોજ મહાનગરપાલિકાના ૧૬૪૦ આવાસ તથા રૂડા દ્વારા બની રહેલ ૨૧૭૬ આવાસોનો ડ્રો મુખ્યમંત્રીશ્રીના હસ્તે થયા છે. તેમજ કુલ રૂ. ૧૦૪૮.૬૭ કરોડના ખર્ચે જુદાજુદા લોકાર્પણ અને ખાતમુહૂર્ત થયા હતા.

આ પ્રસંગે સાંસદ મોહનભાઈ કુંડારીયા, શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, પ્રદેશ અગ્રણી નીતિનભાઈ ભારદ્વાજ, ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, શહેર ભાજપ મહિલા મોરચાના પ્રભારી અંજલીબેન રૂપાણી, રાજકોટ શહેર ભાજપ મહિલા મોરચા પ્રમુખ નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર અશ્વિનભાઈ મોલીયા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ઉદયભાઈ કાનગડ, પૂર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરીયા, શાસક પક્ષ નેતા દલસુખભાઈ જાગાણી, દંડક અજયભાઈ પરમાર, મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલ, રાજકોટ શહેર ભાજપ મહામંત્રી જીતુભાઈ કોઠારી, કિશોરભાઈ રાઠોડ, રાજકોટ શહેર ભાજપ મંત્રી વિક્રમભાઈ પૂજારા, બાંધકામ સમિતિ ચેરમેન મનીષભાઈ રાડીયા, હાઉસિંગ કમિટી ચેરમેન જયાબેન ડાંગર, વોટર વર્કસ કમિટી ચેરમેન બાબુભાઈ આહીર, આરોગ્ય સમિતિ ચેરમેન જયમીનભાઈ ઠાકર, હાઉસિંગ કમિટી ચેરમેન જયાબેન ડાંગર, શિશુ કલ્યાણ ખાસ ગ્રાન્ટ સંચાલિત યોજનાઓ અને અગ્નિશામક દળ સમિતિના ચેરમેન રૂપાબેન શીલુ, તેમજ જુદી જુદી કમિટીના ચેરમેનશ્રીઓ, કોર્પોરેટરશ્રીઓ, શહેર સંગઠનના હોદેદારીશ્રીઓ, વોર્ડના પ્રભારી, પ્રમુખ, મહામંત્રીશ્રીઓ તેમજ અધિકારીઓ વિગેરે ઉપસ્થિત રહેલ.

આભારવિધિ બાંધકામ સમિતિના ચેરમેન શ્રી મનીષભાઈ રાડીયાએ કરી હતી.

મ.ન.પા. - રૂડાના ૫૨૫૪ ફલેટ ખુલ્લા મુકાયાઃ કુલ ૧૦૪૭ કરોડના કામોને આપી લીલીઝંડી

મ્યુ. કોર્પોરેશનના વિવિધ પ્રોજેકટોના ઇ-લોકાર્પણ અને ઇ-ખાતમુર્હૂત કરાયા

રાજકોટ : આજે મુખ્યમંત્રી વિજયભાઇ દ્વારા મ.ન.પા. અને રૂડાના રૂ. ૧૦૪૭ કરોડના વિવિધ પ્રોજેકટોને ઇ-લોકાર્પણ અને ઇ-ખાતમુર્હુત કરાયું હતું. જેમાં ૪૮૬.૨૯ કરોડની વિવિધ આવાસ યોજનાનો કોમ્પ્યુટરાઇઝડ ડ્રો તેમજ રૈયાધાર એસ.ટી.પી. ખાતે ૧.૬ કરોડની પાવર ગ્રીડ સોલાર પેનલનું ઇ-લોકાર્પણ અને ૩૨૧.૨૪ કરોડના આવાસો બનાવવાનું ખાતમુહુર્ત તેમજ રૂડાના ૨૪૦ કરોડના આવાસોનો કોમ્પ્યુટરાઇઝડ ડ્રો અને વિજય પ્લોટમાં નવા આરોગ્ય કેન્દ્રનું ખાતમુહુર્ત, વોર્ડ નં. ૭માં સંત તુલસીદાસ શાળાના નવા બિલ્ડીંગનું ખાતમુહુર્ત સહિત કુલ ૧૦૪૭ કરોડના વિકાસકામોને મુખ્યમંત્રીશ્રીએ લીલીઝંડી આપી હતી.

આ ઉપરાંત ફાયર સ્ટેશન, સ્ટાફ કવાર્ટર, ડી.આઈ. પાઈપ લાઈન, નવા સ્કુલ બિલ્ડીંગ, સ્ટ્રોમ વોટર પાઈપ લાઈન વિગેરેના ખાતમુહૂર્ત કરવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત રૈયા ધાર સુએઝ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ ખાતે ૨૫૦ kv વોટ કેપેસીટીના સોલાર પ્લાન્ટ ઇન્સ્ટોલ કરવામાં આવેલ છે. જેના કારણે આશરે દૈનિક ૧૦૦૦ યુનીટ વીજળી મળી રહેશે અને વાર્ષિક રૂ.૩.૬૦ લાખની વીજ બચત થશે. અગાઉ રાજકોટ મહાનગરપાલિકાની જુદી જુદી ૧૯ જેટલી ઓફીસ બિલ્ડીંગોમાં સોલાર પાવર પ્લાન્ટ બેસાડેલ છે. જેના કારણે વાર્ષિક રૂ.૬૬.૨૪ લાખની નાણાકીય બચત થાય છે અને વાર્ષિક આશરે ૭૨૦ ટન જેટલો ગ્રીન હાઉસ ગેસ એમીશનમાં ઘટાડો થઇ રહ્યો છે.

(3:45 pm IST)