Gujarati News

Gujarati News

News of Monday, 31st August 2020

ડો.લોકેશ મુનીને ઈકોફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિ આપી અભિવાદન કરતા ડો.કથીરિયા

રાજકોટ,તા.૩૧: દિલ્હી ખાતે આચાર્ય ડો.લોકેશ મુનીજી સાથે ભારત સરકારનાં પૂર્વ કેન્દ્રીય મંત્રી અને રાષ્ટ્રીય કામધેનુ આયોગનાં અધ્યક્ષ ડો.વલ્લભભાઈ કથીરીયાએ શુભેચ્છા મુલાકાત કરી હતી. આ તકે ડો.કથીરીયાએ ગાયના ગોબરમાંથી બનાવેલ ઈકો- ફ્રેન્ડલી શ્રી ગણેશજીની પ્રતિમાથી આચાર્ય ડો.લોકેશ મુનીજીનું અભિવાદન કર્યું હતું. આ વર્ષે પર્યાવરણ રક્ષા અર્થે ઈકો ફ્રેન્ડલી ગણેશજીની પ્રતિમાનું ગણેશોત્સવ દરમ્યાન સ્થાપન કરવા મોદીજીનાં આહવાનને સ્વીકારી 'રાષ્ટ્રીય કામધેનુ આયોગે' ગોમય- ગોબરથી બનાવેલી ગણેશજીની પ્રતિમાના સ્થાપન, પૂજન માટે અભિયાનરૂપે જનતા જર્નાદન સમક્ષ અનુરોધ કર્યો હતો.

'ગોમય ગણેશ અભિયાન'ની પ્રચંડ, ગરીમામય સફળતાથી પ્રેરાઈને આગામી દિવસોમાં દેશીકુળના ગાયોના ગોબરમાંથી નિર્મિત ગોમય મૂર્તિઓ (દેવી- દેવતાઓ જેમ કે લક્ષ્મી, શારદા, દુર્ગા, શ્રીકૃષ્ણ, શ્રીરામ, મહાવીર, બુધ્ધ વિગેરે), કિચેન, ટેબલપીસ, કેલેનડર, ઘડીયાર, ફ્રેમ, ચંપલ, લાભ- શુભ, પ્લેટસ, જેવી અનેક વસ્તુઓનું નિર્માણ કરનારાઓને પ્રોત્સાહીત કરી તેમજ માર્ગદર્શન આપી ભારતના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના ગ્રામ વિકાસ, ખેડૂતોની આવક બમણી કરવાનું અભિયાન, મહિલા- યુવાનોને રોજગાર, આત્મનિર્ભર ભારત, વોકલ ફોર લોકલ, પર્યાવરણ રક્ષાના આહવાનમાં રાષ્ટ્રીય કામધેનુ આયોગ સહભાગી બનશે. આ નિરંતર રાષ્ટ્રવ્યાપી અભિયાન થકી ગૌશાળા- પાંજરાપોળો અને ખેડૂતોને છાણ સહીતની પંચગવ્ય પ્રોડકટસનું પુરતું મુલ્ય પણ મળતુ થશે તેમ ડો.લોકેશ મુનીને ડો.વલ્લભભાઈ કથીરિયાએ જણાવ્યું હતું.

આચાર્ય ડો.લોકેશ મુનીજીએ પર્યાવરણ રક્ષા અને ગૌરક્ષાનાં આ પરમ સત્કાર્ય અંગે પોતાનાં અંતરની પ્રસન્નતા વ્યકત કરી હતી

(2:53 pm IST)