Gujarati News

Gujarati News

News of Monday, 31st August 2020

ઓહોહો !આઇ-વે પ્રોજેકટથી પોલીસે ૧ અબજનો દંડ ફટકાર્યો

૨૨૧ લોકેશન પર ૯૬૩ આધુનિક કેમરાથી રખાય છે નજરઃ ૨૦૧૭થી આજ સુધીમાં-ત્રણ વર્ષમાં થયેલી કામગીરી : છેલ્લા કેટલાક સમયમાં વાહન ચાલકોમાં ટ્રાફિક સેન્સ વધી છેઃ રાજકોટ પોલીસનો ઇરાદો કદી પણ વાહન ચાલકોને દંડવાનો નથી હોતોઃ પણ નિયમોનું ઉલંઘન થાય એટલે દંડ ફટકારવો પડે છેઃ ટ્રાફિકના નિયમોનું ચુસ્ત પાલન કરવા પોલીસ કમિશનર મનોજ અગ્રવાલનો અનુરોધઃ

રાજકોટ તા. ૩૧: શહેર પોલીસ આધુનિક યુગમાં આધુનિકતા સાથે કદમ મીલવાી કામગીરી કરી રહી છે. સરકારે શહેરમાં આઇવે પ્રોજેકટને મંજુરી આપ્યા બાદ એટલે કે ૨૦૧૭ થી આજ સુધીમાં ત્રણ વર્ષમાં શહેર પોલીસે આ પ્રોજેકટ અંતર્ગતના હાઇફાઇ કેમેરાનો ઉપયોગ કરી ટ્રાફિક નિયમનો ભંગ કરનારા ચાલકોને ઇ-મેમો મોકલી ત્રણ વર્ષમાં અધધધ ૧૦૦ કરોડ (એક અબજ)નો દંડ વસુલ કર્યો છે. પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે આ અંગે માહિતી આપતાં કહ્યું હતું કે શહેર પોલીસ કદી પણ વાહન ચાલકોને દંડ કરવા ઇચ્છતી હોતી નથી. પરંતુ ટ્રાફિકના નિયમોનું સતત ઉલંઘન થતું હોઇ પોલીસ આ કાર્યવાહી કરે છે. દંડથી બચવા માટે વાહનચાલકોએ ટ્રાફિકના તમામ નિયમોનું ચુસ્ત પાલન કરવું અત્યંત જરૂરી છે.

શ્રી અગ્રવાલે જણાવ્યું હતું કે આઇવે પ્રોજેકટ અંતર્ગત શહેરના મહત્વના ચોક અને રોડ મળી કુલ ૨૨૧ લોકેશન પર ૯૬૩ આધુનિક કેમેરા ગોઠવાયા છે. જેમાં ૨૧૨-પીટીઝેડ કેમેરા, ૫૮૭-ફિકસ કેમેરા, ૧૧૦-એએનપીઆર કેમેરા, ૩૫-આર.એલ.ડી. કેમેરા, ૬૩૬૦-ડોમ કેમેરા અને ૧૩-મોડલ કેમેરાનો ઉપયોગ થાય છે.

જેમાંથી પીટીઝેડ અને ફિકસ કેમેરાથી મોનીટરીંગ થાય છે અને એએનપીઆર કેમેરા, આરએલવીડી કેમેરા દ્વારા ટ્રાફિક નિયમન કરવામાં આવે છે. આ આધુનિક કેમેરાના ઉપયોગથી ગુના આચરનારાઓની ઓળખ પણ થઇ શકે છે. તા. ૨૨-૦૯-૨૦૧૯ થી મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે આઇ-વે પ્રોજેકટનું અનાવરણ થયું હતું. ત્યારથી રાજકોટમાં કાર્યરત આઇ-વે પ્રોજેકટના કેમેરાથી આજ સુધીમાં ટ્રાફિક નિયમોનો ભંગ કરનારા વાહન ચાલકોને ઇ-મેમો મોકલી રૂ. ૧૦૦ કરોડનો દંડ ફટકારવામાં આવ્યો છે. શ્રી અગ્રવાલે વધુમાં કહ્યું હતું કે વાહન ચાલકોએ ટ્રાફિકના નિયમોનું સતત પાલન કરી દંડથી બચવું જોઇએ. જો કે કેટલાક સમયથી રાજકોટ શહરેના વાહન ચાલકોમાં ટ્રાફિક સેન્સ વધી છે. લોકો દંડથી બચે એ માટે નિયમોનું પાલન કરે તે જરૂરી છે.

દંડ વસુલવામાં અગ્રેસર પોલીસ અનેક ઠેકાણે વન-વે, રોંગ સાઇડના સુચના બોર્ડ મુકવામાં કેમ ઢીલી?

. પોલીસે વાહન ચાલકો ટ્રાફિકના નિયમોનું પાલન કરે તે માટે આઇ-વે પ્રોજેકટના અત્યાધુનિક કેમેરાઓનો ઉપયોગ કરી રાજકોટની પ્રજાને ત્રણ વર્ષમાં અધધધ ૧૦૦ કરોડનો દંડ ફટકાર્યો છે. નિયમોનું પાલન કરાવવા માટે પોલીસ આ કામ કરે છે તે સારી વાત છે. પરંતુ એવી ફરિયાદો પણ વાહન ચાલકોમાં સતત ઉઠી છે કે અનેક એવા રસ્તાઓ, પોઇન્ટ છે જ્યાં વન-વે કે રોંગ સાઇડ હોવાની વાહન ચાલકોને ખબર જ નથી. મોટી ટાંકી ચોક તેનો તાજો જ પુરાવો છે. આવા જેટલા પોઇન્ટ હોય ત્યાં મોટા અક્ષરે સુચના બોર્ડ મુકવા કે પછી વોર્ડન કે બીજા સ્ટાફને મુકી વાહન ચાલકોને સાચી દિશામાં વાળવાનું કામ પણ પોલીસે કરવું જોઇએ. દંડ ભરતી પ્રજાને ખબર જ ન હોય કે પોતે વર્ષોથી જ્યાંથી વાહન હંકારે છે એ રસ્તો હવે રોંગ સાઇડ કે વન-વે ગણાશે તો એ બીચારાઓનો શું વાંક?

(3:39 pm IST)