Gujarati News

Gujarati News

News of Monday, 31st August 2020

ઇન્સ્ટાગ્રામ પર ફેક આઇડી બનાવી સગીરાના બિભત્સ ફોટાઓ વાયરલ કરવાની ધમકી આપી તોડનો પ્રયાસ : બે પકડાયા

યશ અને મિહીર એન્જોય અને જબરજસ્તી રીલેશન રાખવાનું કહી બાળાને હેરાન-પરેશાન કરતા'તા : સાયબર સેલની ટીમે મુંજકાના મીહીર કાસુંન્દ્રા અને ચોટીલાના હોટેલ માલીકના પુત્ર યશ બાંભણીયાને દબોચ્યાઃ યશ છોકરીનો અવાજ કાઢીને બાળાને ફસાવતો

રાજકોટ, તા., ૩૧: સોશ્યલ મીડીયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર ફેક આઇડી બનાવી સગીરાને મીઠી વાતોની જાળમાં ફસાવી સગીરાના બીભત્સ ફોટાઓ વાયરલ કરવાની ધમકી આપી તોડ કરવાનો પ્રયાસ કરનારા ચોટીલા હોટલ માલીકના પુત્ર અને તેના મિત્રને સાયબર સેલની ટીમે પકડી લીધા છે.

મળતી વિગત મુજબ પોલીસ કમિશ્નર  કચેરી ખાતે કાર્યરત સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં એક અરજદારે અરજી આપી હતી તેમાં પોતાની સગીર વયની દીકરીના નામનું ફેક ઇન્સ્ટાગ્રામ આઇડી બનાવી કોઇ અજાણ્યો શખ્સ આ આઇડી ડીલીટ કરવા અને આ શખ્સ પાસે રહેલા પોતાની દીકરીના બીભત્સ ફોટાઓ ડીલીટ કરવા માટે પૈસાની માંગણી કરે છે. આ મામલે પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ, જોઇન્ટ પોલીસ કમિશનર ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા, મનોહરસિંહ જાડેજાની સુચનાથી સાયબર ક્રાઇમ વિભાગના એસીપી જે.એસ.ગેડમના માર્ગદર્શન હેઠળ પીઆઇ બી.એમ.કાતરીયા, એન.એન.ચુડાસમા, પીએસઆઇ જે.કે.ગઢવી, સી.એસ.પટેલ, કે.જે.રાણા, એએસઆઇ જે.કે.જાડેજા, પી.એન.ત્રિવેદી, એમ.એમ.ચાવડા, હેડ કોન્સ. દિપકભાઇ પંડીત, કોન્સ. યોગરાજસિંહ ગોહીલ, જયવીરસિંહ ઝાલા, પ્રવિણભાઇ મહીડા અને કોન્સ. ધારાબેન તેરૈયા સહીતની ટીમે  આ મામલે છટકુ ગોઠવી દોઢસો ફુટ રીંગ રોડ પર આવેલ આઝાદ હીંદ ગોલાની દુકાનવાળી શેરી પાસેથી પૈસા લેવા માટે આવલા મીહીર રમેશભાઇ કાસુંદ્રા (ઉ.વ.૧૯) (રહે. મુંજકા-ગામ, હિલટોપ એપાર્ટમેન્ટ ફલેટ નં. ર૦૧)ને પકડી લઇ પુછપરછ કરતા તેના મિત્ર યશ ભુપેન્દ્રભાઇ બાંભણીયા (ઉ.વ.૧૯) (રહે. ચોટીલા, જી. સુરેન્દ્રનગર)ને પણ ઝડપી લીધો હતો. પોલીસે બંન્ને વિરૂધ્ધ આઇપીસી પોકસો એકટ તથા આઇટી એકટ હેઠળ ગુનો દાખલ કરી બંન્નેની ધરપકડ કરી હતી. પકડાયેલા યશ અને મીહીર હોસ્ટેલમાં રહી સાથે અભ્યાસ કરતા હોઇ તેથી બંન્ને વચ્ચે મિત્રતા થઇ હતી. જેમાં યશ બાંભણીયા હોટેલ માલીકનો પુત્ર છે. બંન્નેનો અભ્યાસ પુર્ણ થતા બંન્ને છુટા પડયા બાદ પણ ફોનમાં કોન્ટેકટ રહેલો હતો. જેમાં યશને નવરાબેઠા કબુધ્ધી સુજી અને અલગ-અલગ નામે ઇન્સ્ટાગ્રામ આઇડી બનાવી યુવતીઓ સાથે મીઠી વાતો કરી મિત્રતા કેળવી બાદમાં યુવતીઓના નામથી ફેક ઇન્સ્ટાગ્રામ આઇડી બનાવી અને યુવતી અથવા સગીરાના બીભત્સ ફોટાઓ વાયરલ કરવાની ધમકી આપતો અને તે આઇડી ડીલીટ કરવા માટે પૈસાની માંગણી કરતો હતો અને મીહીર પૈસા લેવા માટે જતો હતો. કોઇ વખત યશ કોલીંગ કરતો ત્યારે સગીરા સાથે યુવતીનો અવાજ કાઢીને વાતો કરતો હતો. આ બંન્ને શખ્સો એન્જોય અને જબરજસ્તી રીલેશન રાખવા માટે સગીરાને હેરાન-પરેશાન પણ કરતા હતા.

મહિલાઓની સુરક્ષા માટે દુર્ગા શકિતની ટીમ પણ સક્રિય

રાજકોટઃ મહિલાઓની સુરક્ષા માટે ગુજરાત સરકાર તથા શહેર પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલે આવા સંજોગોમાં મહિલાઓની સુરક્ષા આપવા કટીબધ્ધ છે અને શહેર પોલીસ દ્વારા દુર્ગાશકિત નામની મહિલા પીએસઆઇ તથા પોલીસ  કોન્સ્ટેબલોની ચુનંદા ટીમો રાજકોટ શહેર પોલીસ કમિશ્નરના માર્ગદર્શન હેઠળ બનાવેલ છે તે ટીમ ગમે તે પરિસ્થિતિમાં ગુન્હેગારોને મ્હાત કરવામાં સક્ષમ છે અત્યાર સુધી મહિલાઓ સંબંધીત ઘણા ગુન્હાઓ અટકાવામાં આવેલ છે જે દુર્ગાશકિત ટીમના વોટસએપ નંબર ૭પ૭પ૦ ૩૩૭૪૭ના કાર્યરત છે.  જેમાં કોઇ પણ મહિલા દ્વારા તેઓને કોઇ સાયબર અપરાધો કે અન્ય કોઇ મહિલા સબંધી અપરાધોમાં ભોગ બનેલ હોય જે બાબતે તેઓની ફરીયાદ રજુ કરવા પણ અપીલ કરવામાં આવે છે જેમાં પણ મહિલાઓ દ્વારા તેઓની ફરીયાદ બાબતે યોગ્ય નીરાકરણ કરવા રાજકોટ શહેર પોલીસ કટીબધ્ધ છે તેમજ હાલના ગુન્હામાં પણ દુર્ગાશકિત ટીમ દ્વારા ભોગ બનનાર મહિલાનું કાઉન્સલીંગ કરી માનસીક આઘાતમાંથી બહાર લાવવા પ્રયાસ કરવામાં આવશે તેજ રીતે પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલના માર્ગદર્શન હેઠળ શહેરમાં મહિલા સુરક્ષા માટે સુરક્ષીતા એપ બનાવવામાં આવેલ છે જેમાં જરૂરી માહીતી અપલોડ કરવાથી તે સહેલાઇથી કાર્યરત થઇ શકે છે અને જેના મારફત ભોગ બનનાર મહિલા તાત્કાલીક પોલીસ મદદ મેળવી શકે છે.

સાયબર અપરાધોથી મહિલાઓને બચવા માટેના સૂચનો

રાજકોટઃ ફોટાઓ અને વિડીયો કે જે તમે તમારા મિત્રો કે સગા વ્હાલાઓ, ઓળખીતાઓ સાથે યાદગાર સમયે લીધા છે તે અજાણતા કયારેક તમને તેઓની સાથેના સંબંધમાં કડવાસ આવતા તેમજ કયારેક કુટુંબી ઝઘડાઓ થવાથી ભવિષ્યમાં તમને મુશ્કેલીમાં મુકી શકે છે જેથી મિત્રો કે ઓળખીતા સાથે ઓછા ફોટા લેવા તથા શેર કરવા તેમજ અજાણી વ્યકિતને કયારેય પોતાના ફોટા શેર કરવા નહી.અજાણ્યા  વ્યકિત સાથે વાતચીત કરવાનું ટાળવુ. તેમની વાતોને સમર્થન પણ ન આપો. તેમજ તેઓની સાથે અણછાજતુ વર્તન પણ ના કરો કારણ કે ઘણા કિસ્સાઓ જોવા મળ્યા છે કે જેના અહમના ટકરાવને લીધે સાયબર પીછો કરવામાં આવતો હોય છે. વ્યકિતઓનો માનસીક ત્રાસ આપવા માટે તેમજ હેરાન કરે તેવા મેસેજ મોકલવાથી ધમકી ભર્યા લખાણથી ધમકીઓ મળતી હોય જે બાબતે તમારા વડીલો, શિક્ષકો કે માતા-પિતા કે જેઓ સમજી શકે અને તેના વિશે યોગ્ય નિર્ણય લઇ શકે તેઓને વાત કરવી અને આ પ્રકારની તકલીફ કયારેક સહન કરતા રહેવું જોઇએ. સોશ્યલ મીડીયામાં માહીતી શેર કરતા પહેલા કાળજી રાખવી યાદ રાખો કે ઓફલઇાન ભવિષ્ય હિંમત દ્વારા બનાવવામાં આવે છે પરંતુ ઓનલાઇન ભવિષ્ય શેરી઼ગથી બને છે. તમારી ઓફલાઇન અને ઓનલાઇન માહીતી એક બીજા સાથે સુસંગત હોવી જોઇએ તમે તમારા મિત્રો સાથે આનંદ પણ કરો પરંતુ નારાજ કરનારને અટકાવો પણ ઓછા ફોટા અને વિડિયો શેર કરો અજાણી લીંક પર ન જાઓ. એ પ્રકારની ફાઇલાઇન ખોલો કે જે પ્રોગ્રામને અનુરૂપ ન હોય ફ્રી ડાઉનલોડ વાળી વસ્તુ પર કલીક કરવાનું ઓછુ રાખવું. અંગત માહિતીઓ ન મુકવી, જે વસ્તુઓ ઉપયોગ ન હોય તેવી વસ્તુ ડાઉનલોડ કરવાનું ટાળવું. અજાણી વેબસાઇટ તેમજ શંકાસ્પદ વસ્તુઓ પર જવાનું ટાળો, ડીસ્કાઉન્ટ આપતી વસ્તુઓ પર કલીક કરાવાને ઓછું રાખો. દેખીતી રીતે આ બધા પ્રકારની વસ્તુઓની જાણ તેમને હોવી જરૂરી છે તથા તેના પર કલીક કરવાથી તમારે દૂર રહેવું જોઇએ. સાયબર ક્રાઇમને લગત કોઇ ગુન્હાનો ભોગ બનનારે તુરત જ નજીકના પોલીસ સ્ટેશન કે સાયબર સેલ રાજકોટ શહેરનો સંપર્ક કરવો જેથી કરી આરોપીઓને ભોગ બનનારને વધુ પજવણી કે નુકશાન કરતા અટકાવી શકાય.

(3:40 pm IST)