Gujarati News

Gujarati News

News of Monday, 31st August 2020

કોરોનાના ૧ હજારથી વધુ દર્દીઓની સફળ સારવાર કરનાર ડો. જયેશ ડોબરીયાની બે માસ બાદ ઘરવાપસી

સ્ટાર હોસ્પિટલમાં ૩૦૦, હોમ કેરમાં ૫૦૦ અને કોવિડ કેરમાં ૨૦૦થી દર્દીઓને તપાસ્યા : જેમ સરહદે સૈનિક ફરજ બજાવે છે તેવી જ રીતે હોસ્પિટલમાં કોરોના દર્દીઓની એક સૈનિક તરીકે સારવાર કરી

રાજકોટ : કોરોના કાળમાં કોરોના પીડતોની સતત બે માસ સુધી સારવાર કર્યા બાદ આજે સિનર્જી હોસ્પિટલના ક્રીટીકલ કેર નિષ્ણાંત ડો.જયેશ ડોબરીયા તેમની ઘરવાપસી થઈ હતી તે સમયની તસ્વીર.

 

રાજકોટ, તા. ૩૧ : કોરોનાનો કહેર સમગ્ર વિશ્વમાં છે. મેડીકલ, પેરામેડીકલ સ્ટાફ સહિત સરકારી તંત્ર કોરોના સામે એક યૌદ્ધા તરીકે લડી રહ્યા છે ત્યારે રાજકોટના એક નામાંકિત તબીબ અને સચોટ નિદાનથી સૌરાષ્ટ્ર - ગુજરાતમાં ભારે નામના મેળવનાર ક્રિટીકલ કેર નિષ્ણાંત ડો.જયેશ ડોબરીયા અને તેની સ્ટાર સિનર્જી કોવિડ હોસ્પિટલની ટીમે ૧ હજારથી વધુ દર્દીઓની સફળ સારવાર કર્યા બાદ બે માસ બાદ ઘર વાપસી કરી રહ્યા છે ત્યારે તબીબો અને પરીવારજનોમાં ખુશી છવાઈ છે.

સૌરાષ્ટ્રમાં ખાનગી હોસ્પિટલમાં સૌપ્રથમ કોરોના પોઝીટીવ દર્દીઓની સામે ચાલીને હિંમત દાખવનાર સિનર્જી હોસ્પિટલના ક્રીટીકલ કેર નિષ્ણાંત ડો.જયેશ ડોબરીયાએ પ્રથમ ટંૂકાગાળામાં ૬ પોઝીટીવ કોરોના દર્દીઓને સ્વસ્થ કર્યા હતા.

સ્વાઈન ફલુ, ચિકનગુનિયા સહિત અનેક રોગોમાં સફળ સારવાર કરી ભારે નામના મેળવનાર ડો.જયેશ ડોબરીયાએ રાજકોટમાં સૌપ્રથમ મવડી રોડ ઉપર ખાસ કોવિડના દર્દીઓ માટે ૪૦ બેડની સ્ટાર હોસ્પિટલ શરૂ કરી.

મવડી રોડ ઉપર સ્ટાર હોસ્પિટલ શરૂ કરતા જ હાઉસફુલ થઈ ગઈ હતી. સ્ટાર સિનર્જી હોસ્પિટલના ડો.જયેશ ડોબરીયા, ડો.મિલાપ મશરૂ, ડો.જીગર પાડલીયા, ડો.દર્શન જાની, ડો.વિરલ મોરી, ડો.જય પટેલ, ડો.રાજ વ્યાસ, ડો.પિયુષ પટેલ સાથે તાલીમબદ્ધ નર્સીંગ સ્ટાફ કોરોના દર્દીઓની સારવાર કરે છે.

સ્ટાર કોવિડ હોસ્પિટલ કોરોનાની સારવાર માટે સૌરાષ્ટ્રમાં પાયોનિયર તરીકે ઉભરી આવ્યા બાદ સ્ટાર હોસ્પિટલમાંથી જ હળવા લક્ષણો ધરાવતા દર્દીઓ માટે હોમ કેર સારવાર ચાલુ કરી છે.

ડો.જયેશ ડોબરીયા અને ડો.મિલાપ મશરૂના નેતૃત્વવાળી મેડીકલ ટીમ પ્રથમ સ્ટાર હોસ્પિટલ બાદ હોમ કેર બાદ રાજકોટ- સૌરાષ્ટ્રમાં કોરોનાના કેસ વધતા દર્દીઓ પેટ્રીયા સ્યુટ્સ ખાતે સ્ટાર સિનર્જી કોવિડ કેર સેન્ટર શરૂ કરવામાં આવ્યુ હતું.

સ્ટાર સિનર્જી કોવિડ હોસ્પિટલના સૂત્રોના જણાવ્યા મુજબ સ્ટાર કોવિડ હોસ્પિટલમાં ૩૦૦, હોમ કેરમાં ૫૦૦ અને સ્ટાર કોવિડ કેર સેન્ટર હોટલ પેટ્રીયા સ્યુટ્સ ખાતે ૨૦૦ દર્દીઓને સવા બે મહિનામાં સારવાર આપવામાં આવી છે.  જેમાં મોટાભાગના દર્દીઓ સ્વસ્થ થતા ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.  અન્ય સારવાર હેઠળ છે.

જયારે ૭ દર્દીઓ કોરોના ઉપરાંત અન્ય બિમારી હોય તેના સામે જંગ હારી જતાં તેઓને બચાવી શકયા ન હતા.

હું તો એક માત્ર સૈનિકની રીતે કોરોના દર્દીઓની સારવાર કરૂ છું. દર્દી અને મેડીકલ પેરામેડીકલ સ્ટાફના સહકારથી સારવાર સફળ બની રહી છે.

આ ઉચ્ચારો સૌરાષ્ટ્રના જાણીતા ક્રિટીકલ કેર નિષ્ણાંત સિનર્જી હોસ્પિટલના ડો.જયેશ ડોબરીયાના છે. ડો. જયેશ ડોબરીયાએ જણાવ્યુ હતું કે જેમ દેશની સુરક્ષા માટે સૈનિકો રાત - દિવસ સતર્ક બની ફરજ બજાવે છે તેવી રીતે હું અને અમારી સમગ્ર ટીમ કોરોનાના દર્દીઓની સારવાર કરી રહ્યા છે.

(3:48 pm IST)