Gujarati News

Gujarati News

News of Monday, 31st August 2020

વન જૈન પ્રોગ્રામ અંતર્ગત એક સાથે એક મંચ પર અનેક સંતોએ મનાવ્યો સંવત્સરી ક્ષમાપના અવસર

ઓલ ઇન્ડિયા શ્વેતાંબર સ્થાનકવાસી જૈન કોન્ફરન્સ, દિલ્હી અને બૃહદ મુંબઈ વર્ધમાન સ્થાનકવાસી જૈન મહાસંઘના સંયુકત ઉપક્રમથી લાઈવના માધ્યમે : શ્રમણ સંઘીય આચાર્ય ભગવંત પૂજય શ્રી શિવમુનિજી મ. સા., અજરામર સંપ્રદાયના આચાર્ય ભગવંત પૂજય શ્રી ભાવચંદ્રજી મ સા., ગોંડલ ગચ્છશિરોમણી પૂજય શ્રી જશરાજજી મ. સા., યુવાચાર્ય પૂજય શ્રી મહેન્દ્રઋષિજી મ. સા., કચ્છ આઠકોટી પૂજય શ્રી નરેશમુનિજી મ. સા., ઉપાધ્યાય પૂજય શ્રી રવિન્દ્રમુનિજી મ. સા., રાષ્ટ્રસંત પરમ ગુરૂદેવ શ્રી નમ્રમુનિ મ. સા.એ આશીર્વચન પાઠવ્યા

રાજકોટ,તા. ૩૧: જે એક થઈ શકે છે તે જ જૈન હોય છે, કારણ કે, જૈન પોતાના વિચારો અને માન્યતાઓની પક્કડ કયારેય નથી રાખતો, આ ભાવો સાથે ‘One Jain’ કાર્યક્રમ અંતર્ગત, ઓલ ઈંડિયા શ્વેતામ્બર સ્થાનકવાસી જૈન કોંન્ફ્રન્સ, દિલ્હી અને બૃહદ મુંબઈ વર્ધમાન સ્થાનકવાસી જૈન મહાસંઘનાા સંયુકત કાર્યક્રમમાં લાઈવના માધ્યમથી એક સાથે એક મંચ પર અનેક સ્થાનકવાસી સંતોનું મિલન થયું સંવત્સરી સમૂહ ક્ષમાપના અવસરે.

આ અવસરે, શ્રમણ સંઘીય આચાર્ય ભગવંત પૂજય શ્રી શિવમુનિજી મહારાજ સાહેબ, અજરામર સંપ્રદાયના આચાર્ય ભગવંત પૂજય શ્રી ભાવચંદ્રજી મહારાજ સાહેબ, ગોંડલ ગચ્છશિરોમણી પૂજય શ્રી જશરાજજી મહારાજ સાહેબ, શ્રમણ સંઘીય યુવાચાર્ય પૂજય શ્રી મહેન્દ્રઋષિજી મહારાજ સાહેબ, લીંબડી ગોપાલ સંપ્રદાયના પૂજય શ્રી રામ ઉત્ત્।મકુમારમુનિજી મહારાજ સાહેબ, કચ્છ આઠકોટી પૂજય શ્રી નરેશમુનિજી મહારાજ સાહેબ, ઉપાધ્યાય પૂજય શ્રી રવિન્દ્રમુનિજી મહારાજ સાહેબ અને રાષ્ટ્રસંત પરમ ગુરૂદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબના અમૂલ્ય સાંનિધ્યે ઓલ ઈંડિયા શ્વેતામ્બર સ્થાનકવાસી જૈન કોંન્ફ્રન્સ, દિલ્હીના અધ્યક્ષ શ્રી પારસભાઈ મોદી, બૃહદ મુંબઈ વર્ધમાન સ્થાનકવાસી જૈન મહાસંઘના પ્રમુખઙ્ગ પરાગભાઈ શાહ, અવિનાશભાઈ ચોરડિયા,ઙ્ગ સુભાષભાઈ ઓસવાલ,ઙ્ગ અજયભાઈ શેઠ, મોહનલાલભાઈ ચોપડા,ઙ્ગ પ્રાણલાલભાઈ શેઠ,ઙ્ગ સંજયભાઈ સંઘવી આદિ અનેક મહાનુભવ ઉપસ્થિત રહ્યાં હતાં. એકતાનો નાદ ચારેય દિશાઓમાં ગુંજાવતા ઉપસ્થિત દેશ-વિદેશના હજારો ભાવિકો આ અવસરે અહોભાવિત થયાં હતાં.

ક્ષમાનો ગુણએ વ્યકિત માટે આભૂષણ સમાન હોય છે, એવા ભાવોને દર્શાવતાં શ્રમણ સંઘીય આચાર્ય ભગવંત પૂજય શ્રી શિવમુનિજી મહારાજ સાહેબે ફરમાવ્યું કે, મહાવીરને સર્વ પ્રત્યે મૈત્રીભાવ હતો, મોટી પથ્થરની શિલાઓ સાથે, વૃક્ષો સાથે, પર્વતો સાથે, પશુ સાથે, પક્ષીઓ સાથે સર્વ સાથે, એવી મિત્રતા આપણે પણ કરવી જોઈએ. અજરામર સંપ્રદાયના આચાર્ય ભગવંત પૂજય શ્રી ભાવચંદ્રમુનિજી મહારાજ સાહેબે પોતાના ભાવ વ્યકત કરતાં કહ્યું હતું કે, ક્ષમા માંગનારા વિજેતા બની જાય છે. ભૂલ થવી પ્રકૃતિ છે, પણ ભૂલનો સ્વીકાર કરી લેવો સંસ્કૃતિ છે. ક્ષમા જ ધર્મ છે. જે ક્ષમા આપી શકે છે તે તપસ્વી હોય છે. ક્ષમા એ જ પ્રેમનું અંતિમ રૂપ છે.

ક્ષમાનું એક ફળ છે, પ્રતિક્રિયા રહિત થવું. ક્ષમા આપણી તાકત છે, જે વ્યકિત ક્ષમા માંગતા અને આપતા જાણે છે તે આ દુનિયાનો સહુથી સામર્થ્યવાન વ્યકિત હોય છે. ચંદન જયારે સ્વયં ઘસાય છે, ત્યારે જ પોતાની મહેક ચારે બાજુ ફેલાવી શકે છે. જે સહન કરી શકે છે એ જ સર્વોચ્ચ સ્થાને પહુંચી શકે છે. સહનશીલતાની ક્ષમતા જેનામાં હોય છે એમની જ ક્ષમાપના સાર્થક થઇ જાય છે. પૂજય શ્રી નરેશમુનિજી મહારાજ સાહેબએ આ ભાવો વ્યકત કર્યાં બાદ, 'અનેકતામાં એકતા'- આ સિધ્ધાંતને આપણે આપણા જીવનના આચાર વિચારમાં અપનાવવો જોઈએ, આ પ્રેરણા આપતા ઉપાધ્યાય પૂજય શ્રી રવિન્દ્રમુનિજી મહારાજ સાહેબ એ પોતાના ભાવોની અભિવ્યકિત કરતાં દેશ-વિદેશના હજારો ભાવિકો સંતોની આવી એકતા જોઈને જિનશાસન પ્રત્યે વંદિત, અભિવંદિત થયાં હતાં.

 જેમના જીવનમાં ક્ષમા હોય છે, એમના ચહેરા પર મુસ્કાન હોય છે, આ ભાવોને વ્યકત કરતાં રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબે ફરમાવ્યું કે, આપણે આપણા જીવનનો એક મંત્ર બનાવી લેવો જોઈએ,ઇસ કાન સે ઉસ કાન, ચહેરે પર મુસકાન. જયારે આપણે બીજાને આપણા દુઃખનું કારણ માનીએ છીએ, ત્યારે આપણને એમના પર ક્રોધ આવે છે, પણ જો આપણે તેઓને ઉપકારી માનીએ ત્યારે તેમના પ્રતિ ક્ષમાભાવ રાખવો સહજ થઈ જાય છે. આવી સહજ ક્ષમા જ આપણા આત્મિક વિકાસનું કારણ બની જાય છે.

લાઈવ પ્રસારણના માધ્યમથી દરેક ઉપસ્થિત ગુરુભગવંતો દ્વારા, વી જૈન વન જૈન અંતર્ગત આયોજિત કરવામાં આવેલ આ સંવત્સરી સમૂહ ક્ષમાપના કાર્યક્રમના અંતે ઓલ ઈંડિયા શ્વેતામ્બર સ્થાનકવાસી જૈન કોન્ફ્રરન્સ, દિલ્હી અને બૃહદ મુંબઈ વર્ધમાન સ્થાનકવાસી જૈન મહાસંદ્યના દરેક સભ્યોના એકતાનું દર્શન કરાવનારા આ પુરુષાર્થની પ્રશસ્તિ કરવામાં આવી હતી.

(3:49 pm IST)