Gujarati News

Gujarati News

News of Monday, 31st August 2020

લવમેરેજ કરનાર દિકરીનું અપહરણ કરી તેના તેના પતિ રાહુલની હત્યા કરનાર ૧૪ની ધરપકડ

અમરનગરના રાહુલ સોલંકીને કુવાડવા રોડની દિવ્યા ઉર્ફ તારા સાથે લવમેરેજ કર્યા હોઇ તેનો ખાર રાખી શનિવારે રાહુલ પર હિચકારો હુમલો કરી દિવ્યાનું તેના માતા, ભાઇ, બહેન સહિતના કુટુંબીજીનો અપહરણ કરી ગયા'તાઃ રાહુલે સારવારમાં દમ તોડ્યો હતો : પોલીસે અપહૃતને બેડી પાસેથી છોડાવી મહિલા આરોપીઓને પકડીઃ બાકીના મોરબી ત્રાજપર ચોકડી પાસે છુપાયા હોઇ મોરબી જીલ્લાની નંબર પ્લેટવાળા વાહનોનો ઉપયોગ કરી વેશપલ્ટો કરી ત્યાંથી શોધી કાઢ્યાઃ માલવીયાનગર પીઆઇ કે.એન. ભુકણ, પીએસઆઇ વી.કે.ઝાલા, મશરીભાઇ ભેટારીયા અને ટીમની કાર્યવાહી

વિગતો આપી રહેલા પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા, ડીસીપી મનોહરસિંહ જાડેજા, માલવીયાનગર પીઆઇ કે. એન. ભુકણ, પીએસઆઇ વી. કે. ઝાલા અને ટીમ તથા પકડાયેલા ૧૪ આરોપીઓ (છ મહિલા સહિત) નજરે પડે છે (ફોટોઃ સંદિપ બગથરીયા)

રાજકોટ તા. ૩૧: ચંદ્રશનગર પાસે અમરનગર-૧માં રહેતાં અને કુવાડવા રોડ પર શિવનગરમાં રહેતી દિવ્યા ઉર્ફ તારા સાથે લવમેરેજ કરનાર રાહુલ પ્રદિપભાઇ સોલંકી (ઉ.વ.૨૨) નામના રજપૂત યુવાન પર શનિવારે સવારે દિવ્યાના માતવર પક્ષના લોકોએ હીચકારો હુમલો કર્યો હતો અને અને વચ્ચે પડેલા રાહુલના માતા અંજુબેન પ્રદિપભાઇ સોલંકીને પણ ઘાયલ કર્યા હતાં.  એ પછી દિવ્યાનું અપહરણ કરી બધા ભાગી ગયા હતાં. સારવાર દરમિયાન રાહુલનું મોત નિપજતાં બનાવ હત્યામાં પરિણમ્યો હતો. અપહરણ-હત્યાના ગુનામાં આરોપીઓને શોધી કાઢવા પોલીસે ટીમો રચી દોડધામ આદરી હતી અને અપહૃત દિવ્યાને બેડી ચોકડી નજીકથી વેશપલ્ટો કરી મુકત કરાવાઇ હતી. તેમજ હત્યાના ગુના સબબ અલગ-અલગ જગ્યાએથી ૧૪ને પકડી લેવાયા હતાં.

પોલીસ કમિશનર કચેરી ખાતે આ અંગે માહિતી આપવામાં આવી હતી. પોલીસે જે ૧૪ આરોપીઓને ધરપકડ કરી છે તેમાં દેવજી મોહનભાઇ પોરડીયા (ઉ.વ.૫૨), હેમીબેન દેવજીભાઇ પોરડીયા (ઉ.વ.૪૭), જયેશ દેવજીભાઇ પોરડીયા (ઉ.વ.૨૮-રહે. ત્રણેય ઉમાકાંત પંડિત ઉદ્યોગનગર-૪), ઇલાબેન દિનેશભાઇ બોહકીયા (ઉ.વ.૪૫), સંધ્યા દિનેશભાઇ બોહકીયા (ઉ.વ.૨૨), રવિ દિનેશભાઇ બોહકીયા (ઉ.વ.૨૨), શુભમ્ ઉર્ફ સુભાષ દિનેશભાઇ બોહકીયા (ઉ.વ.૨૦-રહે. ચારેય શિવનગર-૩, કુવાડવા રોડ), સુરેશ ભાયાભાઇ શિયાળીયા (ઉ.વ.૨૬-રહે. બંસીધર પાર્ક-૨, રામાપીર ચોકડી), કમલેશ નિતીનભાઇ ડાભી (ઉ.વ.૩૦-રહે. સાધુ વાસવાણી રોડ, ઇન્ડિયન પાર્ક આવાસ કવાર્ટર), જીતેન્દ્ર પ્રતાપભાઇ પોરડીયા (ઉ.વ.૩૨-મોરબી રોડ સિતારામ સોસોયટી-૧), વિજય ઉર્ફ હકો ગંગદાસભાઇ રીબડીયા (ઉ.વ.૩૨-રહે. બેડી ગામ, ગેલકૃપા સોસાયટી), ભાવનાબેન ઉર્ફ ભાવુ મનોજ ઝંઝવાડીયા (ઉ.વ.૩૦-રહે. બેડીપરા, ફાયર બ્રિગેડ પાસે), અનિતા મયુર પીપળીયા (ઉ.વ.૩૪-રહે. મોરબી રોડ શકિત પાર્ક-૧) અને હંસાબેન રાજેશભાઇ પીપળીયા (ઉ.વ.૫૦-રહે. અમરનગર-૧)ની ધરપકડ કરી છે. આરોપીઓમાં ઇલાબેન દિવ્યા ઉર્ફ તારાના માતા, રવિ ભાઇ અને સંધ્યા બહેન છે. બાકીના કુટુંબી કાકા, કાકી સહિતના સગાઓ છે. દિવ્યા ઉર્ફ તારાના પિતા હયાત નથી.

દિવ્યા ઉર્ફ તારાએ પરિવારજનોની ઇચ્છા વિરૂધ્ધ છએક મહિના પહેલા રાહુલ પ્રદિપભાઇ સોલંકી સાથે લવમેરેજ કર્યા હોઇ જેના કારણે તેણીના માવતર પક્ષને પોતાની સમાજમાં બદનામી થયાનું લાગતાં મનમાં લાગી આવતાં બધાએ એકસંપ કરી રાહુલના ઘરે જઇ તેના અને તેના માતા પર હુમલો કર્યો હતો અને દિવ્યા ઉર્ફ તારાનું અપહરણ કરી ભાગી ગયા હતાં. રાહુલે સારવારમાં દમ તોડતાં બનાવ હત્યામાં પલ્ટાયો હતો.

પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ અને ડીસીપી મનોહરસિંહ જાડેજા તથા એસીપી જે. એસ. ગેડમે અપહૃતને તાકીદે શોધી કાઢવા અને આરોપીઓને પકડી લેવા સુચના આપતાં માલવીયાનગર પીઆઇ કે. એન. ભુકણે અલગ-અલગ ટીમો બનાવી બાતમીદારોને  કામે લગાડ્યા હતાં. ટેકનીકલ સોર્સીસ મારફત તેમજ ઉપયોગમાં લેવાયેલા વાહનો અને મોબાઇલના ટાવર લોકેશનનો ઉપયોગ કરી પીએસઆઇ વી. કે. ઝાલા અને ટીમોએ દોડધામ શરૂ કરી હતી. દરમિયાન અપહૃત  દિવ્યા સાથે કપડાના વર્ણનવાળી મહિલાઓ બેડી ગામ નજીક ઉભી હોઇ અને ત્યાંથી ભાગી જવાની વેતરણમાં છે તે બાતમી મળતાં ટીમ ત્યાં પહોંચી હતી અને દિવ્યાને મુકત કરાવી મહિલા આરોપીઓને પકડ્યા હતાં.

બાકીના આરોપીઓ મોરબી ત્રાજપર ચોકડી પાસે અવાવરૂ જગ્યાએ છુપાયા હોવાની માહિતી મળતાં પોલીસ વેશપલ્ટોક રી મોરબી જીલ્લાની નંબર પ્લેટવાળા ટુવ્હીલર સાથે ત્યાં પ્હોંચી હતી અને તપાસ કરી આરોપીઓને દબોચ્યા હતાં. હેડકોન્સ. મશરીભાઇ ભેટારીયા, કોન્સ. મહેશભાઇ ચાવડાને કપડાના વર્ણનવાળા આરોપીઓ નજરે પડતાં  સકંજામાં લીધા હતાં. આ રીતે પીએસઆઇ વી. કે. ઝાલા અને ટીમના હરપાલસિંહ જાડેજા, ભાવેશભાઇ ગઢવીની બાતમી પરથી બીજા આરોપીઓને કોર્ડન કરી દબોચી લેવાયા હતાં. ગુનામાં વપરાયેલા હથીયાર, વાહનો કબ્જે કરવા અને આરોપીઓના કોરોના ટેસ્ટ કરાવવા તજવીજ થઇ રહી છે. પીઆઇ કે. એન. ભુકણ, પીએસઆઇ વી. કે. ઝાલા, હેડકોન્સ. મશરીભાઇ ભેટારીયા, યુવરાજસિંહ જાડેજા, ભાવીનભાઇ ગઢવી, દિગ્પાલસિંહ જાડેજા, અરૂણભાઇ બાંભણીયા, મયુરભાઇ મિંયાત્રા, કોન્સ. ભાવેશભાઇ ગઢવી, હરપાલસિંહ જાડેજા, મહેશભાઇ ચાવડા, રોહિતભાઇ કછોટ, મયુરભાઇ મિંયાત્રા સહિતે કામગીરી કરી હતી.

(3:51 pm IST)