Gujarati News

Gujarati News

News of Friday, 31st December 2021

કાલે મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ તથા ખાતમુર્હુતોની હારમાળાઃ વિકાસના નવા દ્વાર ખુલશે

સમરસ થયેલ ૧૩૦ ગ્રામ પંચાયતોના સરપંચોનું સન્માનઃ આવાસ યોજના સહિતના કામો અંગે ચેક તથા સનદો અપાશે : પાંચ પ્રધાનો-મુખ્ય સચિવ-અન્ય સચિવો હાજર રહેશેઃ જ્ઞાતિવાઇઝ નિમંત્રણોઃ કલેકટર-પોલીસ તંત્રની સતત દોડધામઃ ઠેર-ઠેર સ્વાગત મંચ

રાજકોટ તા. ૩૦ :.. ગુડ-ગવર્નન્સની ચાલી રહેલ ઉજવણી અંતર્ગત આવતીકાલે રાજયના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલ અને અન્ય પાંચ પ્રધાનોની ઉપસ્થિતિમાં રાજકોટમાં જબરો કાર્યક્રમ ડીએચ કોલેજ ખાતે યોજાયો છે.

કાલે સવારે ૧૧-૩૦ વાગ્યે ડીએચ કોલેજ ખાતે યોજાનારા કાર્યક્રમ સંદર્ભે કલેકટર-કોર્પોરેશન-પંચાયત-પોલીસ તંત્ર ઉંધે માથે થઇ ગયા છે.

મુખ્ય કાર્યક્રમ પહેલા મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઇ પટેલનો એરપોર્ટથી ડીએચ કોલેજ સુધી જાજરમાન રોડ-શો યોજાશે, સવારે ૧૦ વાગ્યે સીએમ આવી પહોંચ્યા બાદ પાંચ પ્રધાનો સાથે રોડ શો શરૂ થશે, રોડ-શોના રૂટ ઉપર ઠેરઠેર સ્વાગત મંચ ઉભા કરાયા છે, જડબેસલાક-પોલીસ બંદોબસ્ત રહેશે.

આ રોડ શોમાં પાંચ પ્રધાનો અર્જુનભાઇ ચૌહાણ, બ્રીજેશ મેરજા, હર્ષ સંઘવી, અરવિંદભાઇ રૈયાણી, ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત મુખ્ય સચિવ, અન્ય સચિવો, સાંસદ -ધારાસભ્યો, અધિકારીઓ-પદાધિકારીઓ-મેયર-સહિતના આગેવાનો હાજરી આપશે.

કાર્યક્રમમાં મુખ્યમંત્રીના હસ્તે રાજકોટ જીલ્લાની સમરસ થયેલ ૧૩૦ ગ્રામ પંચાયતોના સરપંચો, તથા પ વર્ષથી સમરસ થતી ગ્રામ પંચાયતોના સરપંચોનું બહુમાન થશે, આ ઉપરાંત પંચાયતના તમામ કામોનું લોકાર્પણ થશે, આવાસ યોજનાની સનદો, અને ચેકોનું - સહાયનું વિતરણ થશે.

મુખ્યમંત્રીના  કાર્યક્રમમાં જ્ઞાતિવાઇઝ  નિમંત્રણો તથા મુખ્ય સ્ટેજ અને અન્ય બનાવાયેલ મંચો ઉપર આગેવાનોને સ્થાન અપાશે.

(3:22 pm IST)