Gujarati News

Gujarati News

News of Friday, 31st December 2021

આરએમસીના ઇજનેર પરેશભાઇ જોષીના આપઘાતમાં કયા અધિકારી ત્રાસરૂપ બન્યા'તા?: તપાસનો ધમધમાટ

ગંગોત્રી પાર્કમાં રહેતાં પી. સી. જોષીએ સાંજે ફોન પર મોટે મોટેથી વાત કર્યા બાદ ન્યારી ડેમમાં ઝંપલાવી દીધું'તું: એક ઇજનેરને મેસેજ પણ કર્યો'તો : એજન્સીના બીલમાં રીકવરી મામલે ઉપરી હેરાન કરતાં હોવાની ચર્ચાઃ પોલીસ કોલ ડિટેઇલ કઢાવી તપાસ કરશે : કામનું ભારણ હોવાનું પરિવારજનોનું પ્રાથમિક કથનઃ અંતિમવિધી બાદ પોલીસ વિસ્તૃત નિવેદન નોંધશે : બે સંતાને પિતાની છત્રછાંયા ગુમાવતાં પરિવારમાં કલ્પાંતઃ પરેશભાઇ જોષી સારા ગાયક પણ હતાં

રાજકોટ તા. ૩૧: મ્યુનિસિપલ કોર્પોરેશનના આસિસ્ટન્ટ એન્જિનીયર સાધુ વાસવાણી રોડ પરના ગંગોત્રી પાર્કમાં આવેલા એપાર્ટમેન્ટમાં રહેતાં પરેશભાઇ ચંદ્રકાંતભાઇ (પી.સી.) જોષી (ઉ.વ.૫૦)એ ગઇકાલે સાંજે પાંચેક વાગ્ય ન્યારી ડેમ ખાત પોતાની કાર લઇને પહોંચી કારમાં બઠા બેઠા મોટે મોટેથી ફોનમાં કોઇ સાથે વાત કર્યા બાદ આજીડેમમાં કૂદી જઇ આપઘાત કરી લેતાં અરેરાટી વ્યાપી ગઇ છે. પોલીસની તપાસમાં હાલ કોઇ સ્પષ્ટ કારણ બહાર આવ્યું નથી. પણ કોર્પોરેશન વર્તુળો અને અંગત વર્તુળોમાં થઇ રહેલી ચર્ચા મુજબ એક એજન્સીના બીલમાં કવેરી કાઢવા મામલે કોઇ ઉપરી અધિકારી દ્વારા પી. સી. જોષીને ખુબ જ હેરાન કરવામાં આવી રહ્યા હતાં. આ આક્ષેપોમાં કેટલું તથ્ય? કોણ ઉપરી અધિકારી છે જેનો ત્રાસ ઇજનેરને મરવા મજબૂર કરી ગયો? આ સહિતના મુદ્દે પોલીસે તપાસનો ધમધમાટ શરૂકર્યો છે.

ન્યારી ડેમના ચોકીદાર કાળુભાઇએ એક ભાઇ સાંજે પાંચેક વાગ્યે ફોનમાં મોટે મોટેથી વાત કર્યા બાદ ડેમમાં કૂદી ગયા છે તેવી જાણ કરતાં ફાયર બ્રિગેડની ટીમ પહોંચી હતી અને મૃતદેહ બહાર કાઢી પોલીસને જાણ કરતાં તાલુકા પોલીસ મથકના હેડકોન્સ. હરદેવસિંહ રાઠોડ સહિતની ટીમે પહોંચી તપાસ કરતાં આપઘાત કરનાર વ્યકિત મ્યુ. કોર્પોરેશનના આસિસ્ટન્ટ ઇજનેર પરેશભાઇ ચંદ્રકાંતભાઇ જોષી હોવાનું ખુલતાં તેમના સ્વજનોને જાણ કરવામાં આવી હતી. આપઘાત કરનાર પરેશભાઇ વ્યાસ બે ભાઇ અને બે બહેનમાં નાના હતાં. તેમના મૃત્યુથી એક પુત્ર અને એક પુત્રીએ પિતાની છત્રછાંયા ગુમાવતાં પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો.

પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતકના સ્વજનોએ નોકરીમાં કામનું ભારણ હોઇ શકે છે તેવી વાત કરી છે. જો કે પોલીસ અંતિમવિધી બાદ સ્વજનોના વિસ્તૃત નિવેદન નોંધશે. બનાવની જાણ થતાં પી.સી. જોષીના સાથી કર્મચારીઓ તથા બીજા ઇજનેરો બનાવ સ્થળે અને હોસ્પિટલે દોડી ગયા હતાં.

કોર્પોરેશનના વર્તુળોમાં થઇ રહેલી ચર્ચા મુજબ આપઘાત પુવે ઇજનેર પરેશભાઇ જોષીએ કન્ટ્રકશન એજન્સીના ઇજનેરને મોબાઇલમાં મેસેજ કરી 'કઇ ભુલ થઇ હોય તો માફ કરજો' એવું લખ્યું હતું. એ પછી ડેમમાં ઝંપલાવ્યું હતું. કોર્પોરેશનના વર્તુળોમાં થઇ રહેલી ચર્ચાઓ મુજબ નવાગામમાં હાલમાં સીસી રોડનું કામ ચાલે છે. તેના લેવલીંગના સેમ્પલ પરેશભાઇ જોષી દ્વારા લેવડાવવામાં આવતાં ત્યારે ગામલોકો પાસે માર ખવડાવાવની ધમકી મળતી હતી. ગયા બુધવારે પરેશભાઇ સાઇટ પર સેમ્પલ માટે ગયેલા ત્યારે પણ કોઇનો ફોન આવ્યો હતો અને ધમકી મળી હતી. એજન્સીના બીલમાં કવેરી કાઢતાં તો પણ કોઇ અધિકારી તેમને ખખડાવતા હોવાની ચર્ચાઓ ખુબ થઇ રહી છે. ત્યારે પરેશભાઇના આપઘાત પાછળ કોઇ અધિકારીની હેરાનગતિ, ધમકી કારણભુત છે કે કેમ? જો આ જ કારણે તેઓ મરવા મજબૂર થયા હોય તો એ અધિકારી કે અન્ય કોઇ વ્યકિત કોણ? એ સહિતના મુદ્દે પોલીસ તપાસ કરશે.

પરેશભાઇનો મોબાઇલ ફોન ન્યારી ડેમના પાણીમાં ગરક થઇ ગયો હોઇ તે મળ્યો નથી. પોલીસ કોલ ડિટેઇલ કઢાવવા તજવીજ કરશે. આજે સવારે પરેશભાઇ જોષીની અંતિમયાત્રા નીકળી ત્યારે ગમગીનીના દ્રશ્યો સર્જાયા હતાં. તેઓ ખુબ સરળ, મળતાવડા સ્વભાવના હતાં અને સારા ગાયક પણ હતાં. તેમની અચાનક આવી અંતિમવિદાય અનેકની આંખો ભીની કરી ગઇ છે.

(12:42 pm IST)