Gujarati News

Gujarati News

News of Friday, 31st December 2021

જ્યુબીલી માર્કેટમાં નારિયેળ વેંચતા પાર્થએ સરાજાહેર છરાથી સ્કૂટરમાં પંચર પાડ્યાઃ પોલીસે નશો ઉતાર્યો

વાહન અડી જવા મામલે પિત્તો ગુમાવ્યો'તોઃ વિડીયો વાયરલ થતાં જ એ-ડિવીઝન પોલીસે દબોચ્યોઃ બે ગુના નોંધ્યા

રાજકોટ તા. ૩૧: ઢેબર રોડ બસ પોર્ટ સામેના રોડ પર રાતે એક શખ્સ સરાજાહેર એક ટુવ્હીલરને પછાડી દઇ તેના બંને ટાયરમાં છરા ભોંકી પંચર પાડતો હોય તેવો વિડીયો વાયરલ થતાં પોલીસમાં દોડધામ મચી ગઇ હતી. તપાસને અંતે આ રીતે સરજાહેર કાયદાને હાથમાં લેનારો શખ્સ બસ સ્ટેશન પાછળ ઉભો હોવાની માહિતી મળતાં તેને સકંજામાં લઇ લેવાયો હતો. આ શખ્સે પુછતાછમાં પોતાનું નામ પાર્થ પિયુષભાઇ મહેતા (ઉ.૨૫-રહે. કોઠારીયા કોલોની, ૮૦ ફુટ રોડ નવરંગ ડેરી સામે) જણાવ્યું હતું. તે નશો કરેલી હાલતમાં પણ હોઇ પોલીસે તેની સામે છરી સાથે રાખી જાહેરનામાનો ભંગ કરવાનો અને દારૂ પીને નીકળવાનો એમ બે ગુના નોંધી કાયદાનું ભાન કરાવતાં નશો ઉતરી ગયો હતો.

પાર્થ જ્યુબીલી જુની લોટરી બજારમાં લીલા નારિયેળ વેંચતો હોઇ નારિયેળ કાપવાનો છરો ભેગો જ હતો. લોધાવાડના યુવાનનું ટુવ્હીલર પાર્થના વાહનને સ્હેજ અડી જતાં તેણે ઝઘડો કર્યો હતો અને યુવાનનું વાહન પછાડી દેતાં તે ગભરાઇને વાહન મુકી દોટ મુકી દૂર ભાગી જતાં પાર્થએ છરો કાઢી આ વાહનનાં બંને ટાયર પંચર કરી નાંખ્યા હતાં.

પીઆઇ સી. જી. જોષી, પીએસઆઇ જે. એમ. ભટ્ટ, એએઅસાઇ એચ.આર. ચાનીયા, હેડકોન્સ. વી. ડી. ઝાલા, કોન્સ. કે. એસ. ઝાલા, હરપાલસિંહ જાડેજા, મેરૂભા ઝાલા, સાગરદાન દંતી, જયરાજસિંહ કોટીલા, હરવિજયસિંહ ગોહિલ સહિતે આરોપીને વિડીયો વાયરલ થયાના ગણતરીના સમયમાં પકડી લીધો હતો.

(3:21 pm IST)