Gujarati News

Gujarati News

News of Friday, 31st December 2021

વાલ્વમેનોની દયનીય સ્થીતીઃ કોન્ટ્રાકટરો દ્વારા શોષણ

દિવસ-રાત-ઋતુ-તહેવારો જોયા વગર લોકોના ઘર સુધી પાણી પહોંચાડનારા... : રજા અપાતી નથી-ઓછો પગારઃ ડ્રેસ-રેઇનકોટ અપાતા નથી-વિમો નથીઃ મેયરને આવેદન પત્ર આપી રજુઆત કરાઇ

રાજકોટ, તા., ૩૧: લોકોના ઘર સુધી પાણી પહોંચાડવા માટે દિવસ-રાત-ઋતુ અને તહેવારો જોયા વગર પાણી વિતરણની મહત્વની જવાબદારી સંભાળનારા મનપાના વાલ્વમેનોની હાલત દયનીય હોવાની રજુઆત વાલ્વ (પેટ્રોલર) ઓપરેટર એસો.એ મેયરશ્રીને આવેદનપત્ર પાઠવીને કરી છે.

આ આવેદનમાં જણાવાયું છે કે લોકડાઉનમાં પણ વાલ્મેનોએ કામગીરી કરેલ છે અને ઘણા માણસોને કોરોના પોઝીટીવ પણ આવેલ છે છતાં કોર્પોરેશન કે કોન્ટ્રાકટરો દ્વારા કોઇ પણ જાતની મદદ કરવામાં આવી નથી અને કવોરન્ટાઇનનો પગાર પણ આપેલ નથી. કોરોના વોરીયર્સમાં પણ સામેલ કરેલ નથી. જે નવા કોન્ટ્રાકટર આવેલ છે તે બધા માણસોને જે જુના પગાર કરતા પણ ત્રણ હજાર ઓછો પગાર આપવાનું કહે છે અને છુટા કરી દેવાની ચિમકી પણ આપે છે. ટેન્ડર નીચા ભાવમાં રાખેલ છે તેથી કામદારોને પગાર ઓછા આપીને હેરાન કરે છે. સરકારના નિયમ મુજબ રજા મળતી નથી. કોઇ પણ જાતના અન્ય લાભો મળતા નથી જેમ કે પીએફ, ડ્રેસ, આઇકાર્ડ અને ઋતુ પ્રમાણે કપડા જેમ કે રેઇનકોટ વગેરે.એટલુ જ નહી હાલ સરકારના નિયમ મુજબ વેતન પણ આપતા નથી. અત્યારે દરેક વોર્ડમાં અલગ-અલગ પગાર આપવામાં આવે છે જેમ કે પ થી ૭ હજાર રૂપીયા. માણસોને પગાર પણ  રોકડા આપવામાં આવે છે અને તેની ફિકસ તારીખ પણ હોતી નથી. બોનસ કે કોઇ પણ તહેવારોના લાભ મળતા જ નથી.

આથી કોર્પોરેશનને એવી રજુઆત છે કે વાલ્મેનોને  વ્યકિતગત કોન્ટ્રાકટ કોર્પોરેશન આપે જેમ અન્ય જગ્યામાં હાલ ચાલુ છે. તે રીતે માણસોને વિમો પણ આપવામાં આવતો નથી.

આ બધી બાબતો ધ્યાને લઇ વાલ્વમેનોને ન્યાય અપાવવા માંગ ઉઠાવાઇ છે. 

(3:22 pm IST)