Gujarati News

Gujarati News

News of Friday, 31st December 2021

રાજકોટમાં ગુજરાતની પ્રથમ પાર્ટેબલ હેલ્થ કેર હોસ્પિટલનું લોકાર્પણ કરતાં ભૂપેન્દ્રભાઇ પટેલ

આઈ.સી.યુ. સુવિધા સાથેની ૧૦૦ બેડનું ફાયર અને વોટરપ્રૂફ હેલ્થકેર યુનિટ કોરોના ઇમરજન્સી ટ્રીટમેન્ટ માટે અતિ ઉપયોગી હોવાનું જણાવતા મુખ્યમંત્રી

રાજકોટ તા. ૩૧ ડિસેમ્બર - મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલે આજરોજ કોરોનાની સંભવિત ત્રીજી લહેરનો સામનો કરવા માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ પાસે  યુધ્ધના ધોરણે કાર્યરત કરવામાં આવેલ ૧૦૦ બેડના પોર્ટેબલ હેલ્થ કેર યુનિટને રીબીન કાપી ખુલ્લું મૂક્યું હતું.

જિલ્લા વહીવટીતંત્ર દ્વારા રાજકોટ ખાતે સિવિલ હોસ્પિટલ કેમ્પસ પાસે ચૌધરી હાઈસ્કૂલ મેદાનમાં વિશેષરૂપે કાર્યરત કરવામાં આવેલી ઇન્ડો અમેરિકન પોર્ટેબલ હેલ્થ કેર યુનિટ (હોસ્પિટલ) ની જિલ્લા કલેકટર શ્રી અરુણ મહેશ બાબુ અને સિવિલ સુપ્રિટેન્ડેન્ટ ડો. આર.એસ. ત્રિવેદીએ મુખ્યમંત્રીશ્રી ને માહિતી પુરી પાડતા જણાવ્યું હતું કે, ગુજરાતની પ્રથમ ફાયર અને વોટરપ્રુફ પોર્ટબેલ હોસ્પિટલમાં ચાર ડોમમાં ૧૬ આઇ.સી.યુ. બેડ, ૩૦ ઓકિસજનની સુવિધાવાળા બેડ અને ૫૪ જનરલ બેડનો સમાવેશ થાય છે.

આ ડોમ યુનિટમાં જેને એમ જી.પી.એસ. સિસ્ટમ અને તમામ એરકન્ડીશન વોર્ડઝ, પી.વી.સી.નું સ્ટ્રકચર, રીસેપ્શન અને લોન્જ એરીયા ઉપરાંત ૧૨૦ કિલોમીટરના પવન સામે ટકી શકે તેવી ફુલપ્રુફ સીસ્ટમથી સજ્જ કરવામાં આવેલ છે.

મુખ્યમંત્રીશ્રીએ હોસ્પિટલ ખાતે ઉપલબ્ધ સાધન સહાય અને વ્યવસ્થાપનની માહિતી મેળવી હતી અને પ્રસાશન દ્વારા ઉભી કરાયેલી હોસ્પિટલ રૂપી વ્યવસ્થાની સરાહના કરી હતી.

આ પ્રસંગે મંત્રી સર્વેશ્રી જીતુભાઈ વાઘાણી, બ્રિજેશભાઈ મેરજા, અર્જુનસિંહ ચૌહાણ, હર્ષ સંઘવી, અરવિંદભાઈ રૈયાણી, સાંસદશ્રી મોહનભાઈ કુંડારીયા, રામભાઈ મોકરીયા,  ધારાસભ્યો ગોવિંદભાઈ પટેલ, લાખાભાઇ સાગઠીયા, મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડના ચેરમેન ડો. ધનસુખભાઈ ભંડેરી, શહેર ભાજપ પ્રમુખશ્રી કમલેશભાઈ મીરાણી, રાજુભાઈ ધ્રુવ, મેડિકલ સ્ટાફ સહીત લોકો ઉપસ્થિત રહ્યા હતાં.(

(4:07 pm IST)