Gujarati News

Gujarati News

News of Friday, 31st December 2021

ઈ- વ્હીકલ્સ કૂરીયર અને લોજિસ્ટિકસ સેકટર માટે ગેમ ચેન્જર સાબિત થશેઃ અજય મોકરીયા

ઈલેકટ્રીક વ્હીકલ્સ અપનાવવા મામલે લોજિસ્ટિકસ સેકટર બીજા ક્ષેત્રો કરતાં અગ્રેસર રહેશે

રાજકોટઃ ફ્યુઅલના રેટ્સ કુરિયર અને લોજિસ્ટિકસ જેવા ક્ષેત્રોને સીધી અસર કરે છે કારણ કે તેમની પડતરમાં ફ્યુઅલનો હિસ્સો નોંધપાત્ર હોય છે. આ સ્થિતિમાં ઈલેકટ્રીક વ્હીકલ્સનો વધી રહેલો વ્યાપ એક મોટી આશાનો સંચાર કરી રહ્યો છે. શ્રી મારૂતિ કુરિયર સર્વિસીઝ પ્રાઈવેટ લિમિટેડના મેનેજિંગ ડિરેકટર શ્રી અજય મોકરિયાના મતે લોજિસ્ટિકસ સેકટર ઈ-વ્હીકલ્સ પર મોટો મદાર રાખી રહ્યું છે અને તે સાચા અર્થમાં આ ક્ષેત્ર માટે ગેમ-ચેન્જર સાબિત થશે.

એક અંદાજ મુજબ વર્ષ ૨૦૩૦ સુધીમાં દેશના ૩૦-૫૦ ટકા વાહનો ઈલેકટ્રીક વાહનોમાં તબદીલ થઈ જશે. ઈલેકટ્રીક વાહનોના કોમર્શિયલ ઉપયોગને લોજિસ્ટિકસ સેકટરે હંમેશા આવકાર્યો છે. મોટી લોજિસ્ટિકસ કંપનીઓએ આગામી પાંચ-દસ વર્ષમાં ગ્રીન સપ્લાય ચેઈન ઊભી કરવા માટે સક્રિય પ્રયાસો કરી રહી છે. વધુને વધુ કંપનીઓ ઈલેકિટ્રક વાહનો ઉમેરી રહી છે જેથી ટ્રાન્સપોર્ટેશનને પોલ્યુશન ફ્રી બનાવી શકાય. ઈલેકટ્રીક વાહનો અપનાવવા બાબતે લોજિસ્ટિકસ સેકટર બીજા ક્ષેત્રો કરતાં સૌથી અગ્રેસર રહેશે. તેમ યાદીમાં જણાવાયું છે.

છેલ્લા કેટલાક વર્ષોમાં ઈ-કોમર્સના બિઝનેસમાં આવેલી અભૂતપૂર્વ તેજીએ લોજિસ્ટિક સેકટર માટે વિશાળ તકો ઊભી કરી છે. ઈ-રિટેલર્સની વધતી જતી લોકપ્રિયતાના લીધે લોજિસ્ટિક સેકટરની કામગીરીમાં ધરમૂળથી પરિવર્તનો આવ્યા છે. ભારતનું ઈ-કોમર્સ માર્કેટ વર્ષ ૨૦૨૦માં ૪૬.૨ અબજ ડોલરનું હતું જે વધીને વર્ષ ૨૦૨૫ સુધીમાં ૧૧૧.૪૦ અબજ ડોલરનું થાય તેવી સંભાવના છે. તેમાં પણ હાઈપરલોકલ ડિલિવરીનો કન્સેપ્ટ ઈન્ડસ્ટ્રીમાં ઝડપથી લોકપ્રિય થઈ રહ્યો છે. સેલર પાસેથી પ્રોડકટ્સ મેળવીને તેને સીધા જ કસ્ટમરના ઘરે ડિલિવરી કરવાનો હાઈપરલોકલ ડિલિવરી બિઝનેસ લોજિસ્ટિકસ સેકટર માટે વિકાસનું નવું ગ્રોથ એન્જિન બનશે, એમ શ્રી મોકરિયાએ જણાવ્યું હતું.

સ્માર્ટ સિટીમાં ઈલેકટ્રીક આધારિત વાહનો માટે રિચાર્જ સ્ટેશનો ઊભા કરવાની જરૂર છે. આ સ્ટેશનોની સંખ્યા, ચોક્કસ જગ્યાએ ઈન્સ્ટોલેશન અને ક્ષમતા સંદર્ભે મોટાપાયે ઈન્વેસ્ટમેન્ટ્સ થવા જોઈએ. પર્યાવરણ અને ઊર્જા બંનેના દ્રષ્ટિકોણથી ઈલેકટ્રીક વ્હીકલ્સ હાલ ઈન્ડસ્ટ્રીઝ માટે પ્રાયોરિટી હોવી જોઈએ પરંતુ તેની કાર્યક્ષમતા સામે કેટલીક ચેલેન્જીસરહેલી છે. આ વાહનોમાં વપરાતી બેટરીની એનર્જી ડેન્સિટી હાલના પેટ્રોલ-ડીઝલથી ચાલતા વાહનોની એવરેજ કરતાં ઓછી છે. આ પ્રકારની બેટરીના રિચાર્જ માટે લાગતો સમય ઘણો વધારે છે. આ ઉપરાંત જાહેર સ્થળોએ અને ખાનગી જગ્યાઓ પર ઈલેકટ્રીક બેટરીના ચાર્જિંગ પોઈન્ટ્સ હજુ પૂરતા પ્રમાણમાં હોવાનું યાદીમાં અંતમાં જણાવાયું છે.

(4:15 pm IST)