રાજકોટ
News of Monday, 1st March 2021

સિવિલ હોસ્પિટલની કેથ લેબ બંધઃ એન્જિયોગ્રાફી, એન્જિયોપ્લાસ્ટી માટે ખાનગી હોસ્પિટલ પર આધાર

કોવિડ હોસ્પિટલ જે બિલ્ડીંગમાં ચાલે છે ત્યાં જ આ લેબ શરૂ થઇ હતીઃ હવે દર્દીઓ ઘટ્યા હોઇ ફરી લેબ શરૂ કરવી દર્દીઓના હિતમાં

રાજકોટ તા. ૧: સિવિલ હોસ્પિટલમાં શહેર ઉપરાંત સોૈરાષ્ટ્રભરમાંથી દર્દીઓ સારવાર-નિદાન-ઓપરેશન માટે આવતાં રહે છે. દર્દીઓની ખાસ સુવિધા માટે સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં અતિ આધુનીક કેથ લેબ શરૂ કરવામાં આવી હતી. પરંતુ કોરોનાને કારણે આ સુપર સ્પેશિયાલીટી  બિલ્ડીંગમાં કોવિડ સેન્ટર શરૂ થયું હોઇ જેથી કેથ લેબ બંધ કરવી પડી છે. આ કારણે એન્જિયોગ્રાફી, એન્જિયોપ્લાસ્ટી સહિતના મહત્વના રિપોર્ટ કરાવવા માટે દર્દીઓને ખાનગી લેબમાં જવું પડે છે.

મલ્ટીસ્પેશિયાલીટી હોસ્પિટલનું લોકાર્પણ થયું ત્યારે જ અહિ બીજા વિભાગોની જેમ અતિ આધુનિક સુવિધાઓથી સંપન્ન કેથ લેબ પણ શરૂ કરવામાં આવી હતી. આ લેબમાં એન્જિયોગ્રાફી, એન્જિયોપ્લાસ્ટી સહિતના રિપોર્ટ થઇ શકે છે. પરંતુ કોવિડ સેન્ટર આ નવા બિલ્ડીંગમાં શરૂ થઇ જતાં નવ મહિનાથી કેથ લેબ પણ બંધ રાખવામાં આવી છે. કોરોના કાળમાં જો કે અહિ કોવિડ સિવાયના દર્દીઓને પ્રાથમિક સારવાર અપાતી હતી અને જરૂર હોય તો જ દાખલ કરવામાં આવતાં હોઇ ત્યારે કેથ લેબની ખાસ જરૂરીયાત નહોતી.

પરંતુ હવે કોરોના ઘટી ગયો છે અને સિવિલમાં ફરીથી મોટા પ્રમાણમાં દર્દીઓ આવવા માંડ્યા છે ત્યારે નવ મહિનાથી બંધ પડેલી કેથ લેબ ફરી શરૂ થાય તે માટે સત્તાધીશોએ યોગ્ય પગલા લેવા દર્દીઓના હિતમાં ગણાશે. સુપર સ્પેશિયાલીટી હોસ્પિટલ દોઢસો કરોડના ખર્ચથી બની છે અને બસ્સોથી વધુ બેડની સુવિધા ધરાવે છે. સીએમ સેતુ યોજના હેઠળ ખાનગી હોસ્પિટલના તબિબો ન્યુરો સર્જન, કાર્ડિયોલોજીસ્ટ, યુરોલોજીસ્ટ સહિતના અહિ રોટેશન મુજબ સેવા આપી રહ્યા છે. અમુક દર્દીઓને એન્જિયોગ્રાફી, એન્જિયોપ્લાસ્ટીની જરૂર પણ રહે છે. પરંતુ કેથ લેબ જ બંધ રહેતી હોઇ આ કારણે મોંઘાદાટ રિપોર્ટ કરાવવા માટે ફરજીયાત બહાર જવું પડે છે. સિવિલ હોસ્પિટલન સત્તાધીશો આ પરત્વે ધ્યાન આપી દર્દીઓની હાલાકી દૂર કરે તે જરૂરી જણાય છે.

(5:07 pm IST)