રાજકોટ
News of Monday, 1st March 2021

રાજકોટમાં સેસન્સ, સિવિલ, ફોજદારી કોર્ટોમાં કાર્યવાહી શરૃઃ પક્ષકારોને સમન્સ નોટીસ ઇસ્યુ

બાર એસો. ના પ્રમુખ બકુલ રાજાણી દ્વારા કોર્ટ પ્રાંગણમાં પુજનવિધી કરાઇઃ વકીલોએ મોઢા મીઠા કર્યાઃ ૧૧થી૬ સુધી કોર્ટ ખુલ્લી રહેશેઃ કોરોનાના ચુસ્ત : નિયમોના પાલન સાથે કોર્ટમાં કેસોની સુનાવણીઃ તમામ કોર્ટોમાં જવા માત્ર એક જ દરવાજાો ખોલાયોઃ કોર્ટો શરૂ થતા વકીલોએ ભાવ-પ્રતિભાવ વ્યકત કર્યો

રાજકોટઃ આજે રાજકોટમાં ફીઝીકલ (પ્રત્યક્ષ) સુનાવણી સાથે કોર્ટો શરૂ થતાં બાર એસો.ના પ્રમુખ બકુલભાઇ રાજાણી અને તેમની ટીમ દ્વારા કોર્ટ પ્રાંગણમાં પુજનવિધી કરવામાં આવી હતી. તસ્વીરમાં પ્રમુખ બકુલ રાજાણી એક પગે ઉભા રહીને તેમજ રાજકોટના મુખ્ય પ્રિન્સીપાલ એન્ડ સેસન્સ જજશ્રી ઉત્કર્ષ દેસાઇ સહીતના ન્યાયાધીશો સંકલ્પ કરતા પુજન વિધિમાં દર્શાય છે. પ્રસ્તૃત તસ્વીરમાં મુખ્ય સેસન્સ જજ શ્રી યુ.ટી.દેસાઇ  પુજનવિધિ કરતાં મહારાજ તેમજ પ્રમુખ રાજાણી સાથે દર્શાય છે. નીચેની તસ્વીરોમાં પ્રમુખ રાજાણીને કાંડુ બાંધી રહેલા મહારાજ તેમજ બાજુમાં મહિલા ન્યાયાધીશો દર્શાય છે. ફોજદારી-સિવિલ કોર્ટ બિલ્ડીંગમાં જવા માટે માત્ર પાર્કીગ સાઇડનો દરવાજો જ ખોલવામાં આવેલ હોય દરવાજા ઉપર આવતા-જતા લોકો, વકીલોનો થર્મલ ગન દ્વારા તાપમાન લેવામાં આવી રહયાનું દર્શાય છે. નીચેની તસ્વીરમાં પ્રમુખ રાજાણી તેમજ એડવોકેટશ્રી સિધ્ધરાજસિંહ જાડેજા, જીતેન્દ્ર પારેખ, ચિમન સાંકળીયા, જયેશભાઇ બોઘરા, બાર કાઉ.ના પુર્વ પ્રમુખ દિલીપભાઇ પટેલ, મહિલા જજો, ધારાશાસ્ત્રી તેમજ જયુડીશ્યલ ઓફીસરો દર્શાય છે. (તસ્વીરોઃ સંદીપ બગથરીયા)

રાજકોટ, તા., ૧ :  આજથી ગુજરાતના ચારેય મહાનગરો રાજકોટ-અમદાવાદ-સુરત અને વડોદરા શહેરની અદાલતોમાં ફીઝીકલ (પ્રત્યક્ષ) સુનાવણી શરૂ થયેલ છે. કોર્ટો ખુલતાં વકીલોમાં ખુશીનો માહોલ છવાયો છે. સાથોસાથ કોરોનાના નિયમોનું ચુસ્તપાલન કરવાની કડક ગાઇડ લાઇન પણ હાઇકોર્ટ દ્વારા આપવામાં આવેલ છે. આજે કોર્ટો શરૂ થતાં બાર એસો.  દ્વારા પુજનવિધિ પણ કરવામાં આવી હતી.

રાજકોટ કોર્ટમાં સિવિલ ફોજદારી કોર્ટમાં પાર્કિંગ સાઇડનો દરવાજો સેસન્સ કોર્ટનો મુખ્ય પ્રવેશ દ્વારા અને ફેમેલી ફાસ્ટટ્રેક કોર્ટ બિલ્ડીંગનો મુખ્ય દરવાજો તેમજ સિવિલ કોર્ટ સંકુલ બિલ્ડીંગનું મુખ્ય પ્રવેશ દ્વારા જે બંધ હતું તે આજથી ખુલ્લુ કરવામાં આવ્યું છે. કોર્ટો ૧૧ થી ૬ ખુલ્લી રહેશે અને જજો એ પણ ડાયસ ઉપર સુનાવણી શરૂ કરી હતી.

આજે પક્ષકારોની હાજરી હજુ જણાઇ નહોતી પરંતુ આજથી જે કામગીરી શરૂ થયેલ છે તેમાં હવે નોટીસ-સમન્સ ઇસ્યુ કરવાનું શરૂ થતાં હવે ફોજદારી, સિવિલ કોર્ટ, ફેમેલી કોર્ટમાં કામગીરી શરૂ થતાં હવે કલેઇમ કેસો સહિતની કામગીરી શરૂ થશે. પક્ષકારોને નોટીસ બજવાનું શરૂ થયાં બાદ ધીમે ધીમે કોર્ટો પહેલાની જેમ કાર્યરત થઇ જશે. આજે કોર્ટ પ્રાંગણમાં વાહનોની કતારો જોવા મળતાં પાર્કિંગમાં ગાડીઓ, સ્કુટરોના થપ્પા જોવા મળ્યા હતા.

આજે કોર્ટોમાં ફકત એક જ દરવાજો ખોલવામાં આવેલ હોય હજુ પણ નોટરી વકીલોને રસ્તા ઉપર ટેબલ નાખીને નોટરી વ્યવસાય કરવો પડેલ છે. જલ્દી તમામ કોર્ટ બિલ્ડીંગોના દરવાજાઓ ખોલવામાં આવે તે અંગે બાર. એસો. દ્વારા રજુઆત થનાર છે. તેમ જાણવા મળે છે.

આજે કોર્ટો ખુલતાં બાર એસો.ના પ્રમુખ બકુલભાઇ રાજાણી અને તેમની ટીમ દ્વારા કોર્ટ પ્રાંગણમાં ધાર્મિક પુજનવિધિ કરવામાં આવી હતી.

આજથી કોર્ટો ખુલતાં રાજકોટના કેટલાંક વકીલોએ પોતાના મંતવ્ય વ્યકત કર્યા હતાં જેનો ટુંકસાર નીચે મુજબ છે.

અનિલ દેસાઇ

જાણીતા ધારાશાસ્ત્રી અનિલભાઇ દેસાઇએ જણાવ્યું હતું કે, કોર્ટો ખોલવાનો નિર્ણય આવકારદાયક છે. છેલ્લા એક વર્ષથી કોર્ટોમાં કામગીરી નહિ થતી હોવાના કારણે કેસોનું ભારણ પણ વધ્યુ છે. ખાસ કરીને જુનિયર વકીલોની આજીવિકાનો પ્રશ્ન પણ મહત્વનો હતો કોર્ટો ખુલતાં આ બંને મહત્વના પ્રશ્નો હળવા થશે. કોર્ટો શરૂ થતાં કેસોનું ભારણ ઘટશેે અને વકીલોની આજીવિકાનો પ્રશ્ન પણ ધીમે ધીમે હલ થતો  જશે.

કમલેશ શાહ

છેલ્લા એક વર્ષની કોર્ટો બંધ હોવાના કારણે વકીલો સાથે લોકોને પણ ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડયો છે. અરજન્ટ અને મહત્વની કામગીરી પણ શરૂઆત તબક્કામાં ખોરવાઇ ગયેલ હતી. કોર્ટોમાં હવે ઝડપી કામગીરી શરૂ થાય તો લોકોને ત્વરિત ન્યાય મળી રહેશે.

મનિષભાઇ ખખ્ખર

કોર્ટો બંધ હોવાના કારણે વકીલોના વ્યવસાય ઉપર માઠી અસર જોવા મળી હતી, નોટરી, રેવન્યુ સિવિલ, વળતરના કેસો સહિતની કામગીરી ઠપ્પ હોવાનો કારણે વકીલોના વ્યવસાય ઉપર ખુબ જ મોટી અસર થઇ હતી.

દિલીપભાઇ પટેલ

ગુજરાત બાર કાઉન્સીલના પૂર્વ ચેરમેન અને બી.સી.આઇ.ના મેમ્બર દિલીપભાઇ પટેલે જણાવ્યું હતું. છેલ્લા એક વર્ષમાં જો વધુ પડતી અસર થઇ હોય તો તે વકીલોના વ્યવસાયને થઇ છે. મે વારંવાર ગુજરાત હાઇકોર્ટ અને સુપ્રિમ કોર્ટમાં પત્રો લખીને કોર્ટો ખોલવાની રજુઆત કરી છે. બાર કાઉન્સીલ દ્વારા પણ વારંવાર કોર્ટો ખોલવાની રજૂઆત કરાઇ હતી. જે લાગણીનો પડઘો પડયો હોય તેમ જણાય છે, આજથી કોર્ટો શરૂ થયેલ હોય હવે ઝડપી કેસો ચલાવીને કામગીરી કરવામાં આવશે તો લોકોને ન્યાય મળી રહેશે.

સંજયભાઇ વોરા

સરકારી વકીલ શ્રી સંજયભાઇ વોરાએ જણાવ્યું હતું કોર્ટો આજથી શરૂ થયેલ છે. તે ખુશીની વાત છે. છેલ્લા એક વર્ષથી અમને સરકારી વકીલોની પણ અરજન્ટ કેસો ચલાવવામાં ઘણી મુશ્કેલીઓ પડી છે. ઓનલાઇન સુનાવણી, પ્રત્યક્ષ સુનાવણીનો સંભાવના કારણે ખાનગી વકીલો સાથે સરકારી વકીલોને  પણ જે તે સંલગ્ન ખાતાઓ સાથે વિચાર-વિમર્સ કરવામાં મુશ્કેલીઓ ઉભી થયેલ હતી. કોર્ટોમાં પ્રત્યક્ષ સુનાવણી કરવાનો નિર્ણય આવકાર દાયક છે.

બકુલભાઇ રાજાણી

રાજકોટ બાર એસો.ના પ્રમુખ બકુલભાઇ રાજાણીએ જણાવ્યું હતું કે, કોર્ટોમાં ફીઝીકલ સુનાવણી શરૂ થઇ છે તે નિર્ણય ખુબ જ આવકારદાયક છે. રાજકોટ બાર એસો. દ્વારા પ્રમુખ દરજજે મે પણ અવાર-નવાર ડીસ્ટ્રીકટ જજ તેમજ હાઇકોર્ટને લેખિત રજુઆત કરીને કોર્ટોમાં પ્રત્યક્ષ કાર્યવાહી કરવાની રજુઆતો કરી હતી. ખાસ કરીને ર૦ર૦ના વર્ષ દરમ્યાન જુનિયર વકીલોને ખુબ જ સહન કરવું પડયું છે. તેમની આજીવિકાનો પ્રશ્ન ખુબ જ મહત્વનો હતો. આજથી કોર્ટો ખુલતા વકીલોમાં હવે ખુશાલી સર્જાઇ છે.

જીજ્ઞેશભાઇ જોષી

રાજકોટ બાર એસો.ના સેક્રેટરી જીજ્ઞેશભાઇ જોષીએ જણાવેલ કે કોર્ટો ચાલુ કરવા અને વકીલોની મુશ્કેલીઓ નિવારવા મે વારંવાર ઉચ્ચકક્ષાએ રજુઆતો કરી છે. આજથી કોર્ટોમાં પ્રત્યક્ષ સુનાવણી થતા હવે વકીલોની રોજીરોટી આજીવિકાનો પ્રશ્ન પણ હલ થશે અને ખાસ કરીને લોકો જે ન્યાયથી વંચિત રહેતા હતા. તેઓને હવે ન્યાય મળતો થઇ જશે.

અર્જૂનભાઇ પટેલ

આજથી કોર્ટો ખુલતા ફોજદારી કોર્ટો સાથે સિવિલ અદાલતોની કામગીરી પણ શરૂ થતા લોકોને ન્યાય મળવાનું ચાલુ થશે છેલ્લા એક વર્ષથી કોર્ટોની કામગીરી બંધ હોવાના કારણે વકીલો, સાથે લોકોને પણ ખુબ જ મુશ્કેલીઓ પડી છે. હવે ઝડપી કામગીરી શરૂ કરાતા જ ત્વરીત કેસોનો નિકાલ કરીને નિર્ણય અપાશે તો લોકો ઝડપી ન્યાય મળવાની અનુભુતી થશે.

લલીતસિંહ શાહી

સીનીયર ધારાશાસ્ત્રી શ્રી લલીતસિંહ શાહીએ પણ કોર્ટોમાં પ્રત્યક્ષ સુનાવણીના નિર્ણયને આવકારેલ છે. પરંતુ સાથોસાથ કોરોનાની જે ગાઇડ લાઇન ફોલો કરવાની સુચના છે. તેનું વકીલો તેમજ લોકોને પણ ચુસ્તપણે પાલન કરવા જણાવ્યું હતું. કોર્ટોમાં ફીઝીકલ કામગીરી શરૂ થતા હવે કોર્ટોનું ભારણ હળવુ થશે તેમ શાહીએ જણાવ્યું હતું.

નોટરી એડવોકેટ

ધીમંત જોષી

નોટરી એડવોકેટ ધીમંતભાઇ જોષીએ જણાવેલ કે, હાઇકોર્ટના આદેશ મુજબ કોર્ટના સમયમાં કોઇપણ જાતનો ફેરફાર થયેલ નથી તેમજ માત્ર પાર્કીંગનો એક જ દરવાજો ખોલવામાં આવેલ છે. સીવીલ અને ક્રિમીનલ કોર્ટ તરફના દરવાજા બંધ છે. વકીલો તથા નોટરીઓને આજે પણ રસ્તા ઉપર બેસીને કામગીરી કરવી પડે છે. જેથી હાલના સંજોગોમાં વકીલો કે નોટરીની હાલતમાં ફાયદો થયો એવું જણાતું નથી. અત્યારના સંજોગોમાં વેકસીન પણ આવી ગયેલ છે. તમામ શૈક્ષણીક સંકુલો, બેંકો પણ શરૂ થઇ ગયેલ હોય ત્યારે કોર્ટોના બધા જ દરવાજાઓ ખોલવામાં આવે તો જ વકીલો-નોટરીને ફાયદારૂપ થઇ શકે.

સુરેશ ફળદુ

એડવોકેટ સુરેશ ફળદુએ જણાવેલ કે, યોગ્ય તકેદારી સાથે આજે કોર્ટો શરૂ થયેલ છે. તેમાં શરૂઆતમાં જે જજમેન્ટો પેન્ડીંગ છે. તેનો નિર્ણય ત્વરિત કરવો જોઇએ. દલીલો માટે જે મેટરો પેન્ડીંગ છે. તે મેટરોમાં દલીલો સાંભળી તેનો ન્યાયીક નિકાલ કરી બાદ પુરાવા વાળી મેટરો ચાલુ કરવાથી કોરોના વાયરસના સંક્રમણથી બચી પણ શકાશે. અને કોર્ટ કેસોમાં પક્ષકારોને ન્યાય પણ મળી શકશે અને વકીલોની રોજીરોટીનો પ્રશ્ન પણ હલ થઇ શકશે.

અંશ ભારદ્વાજ અમૃતા ભારદ્વાજ

સ્વ. એડવોકેટ તેમજ સાંસદ અભયભાઇ ભારદ્વાજના એડવોકેટ પુત્ર અંશ ભારદ્વાજ અને પુત્રી અમૃતા ભારદ્વાજે જણાવેલ કે, એક વર્ષના સમય બાદ કોર્ટોમાં કામગીરી આજથી શરૂ થયેલ છે. તે આવકારદાયક છે. કોવીડ મહામારીમાં કોર્ટો બંધ હોવાના કારણે ખાસ કરીને જુનીયર વકીલો તેમજ આમ જનતાને ઘણી જ તકલીફો પડી હતી તે હવે ધીમેધીમે દુર થશે. કોર્ટો પુર્ણ સમય માટે ખુલતા હવે ન્યાયની ઝડપી કામગીરી ચાલશે. તેનો આનંદ છે.

તરૂણ કોઠારી

આજથી કોર્ટો ખુલતાં એડવોકેટ તરૂણ કોઠારીએ જણાવેલ કે, કોર્ટો શરૂ થતા વકીલો હવે કેસો ચલાવવા તત્પર બન્યા છે. બીજી બાજુ જજીસ પણ આજથી કેસો ઝડપી ચાલે તેવું ઇચ્છી રહ્યા હોય હવે કોર્ટોનું ભારણ ઓછુ થશે. અને લોકોને ઝડપી ન્યાય મળવાનું શરૂ થશે.

મુકેશભાઇ દેસાઇ

એડવોકેટ મુકેશભાઇ દેસાઇએ જણાવેલ કે, છેલ્લા એકાદ વર્ષ દરમ્યાન અસીલોના સતત ફોન આવતા હતાં કે, સાહેબ કોર્ટો કયારે શરૂ થશે ? તમે કોર્ટે જાવ છો ? આજે આ પ્રશ્નનો નિવેડો આવતા હવે લોકોની મુશ્કેલીઓ દુર થઇ છે. પુર્ણ સમય માટે કોર્ટો ખુલતા વકીલોને પણ રાહત થઇ છે. લોકોને પણ હવે ન્યાય મળતો રહેશે.

(4:51 pm IST)