રાજકોટ
News of Monday, 1st March 2021

રાત દિવસ જોયા વગર લોકોની સેવામાં કામે લાગી જાવ : અજીત લોખીલ દરેક કાર્યકર્તા રાજનીતિ બદલવાની ક્ષમતા ધરાવે છે : રાજભા ઝાલા

રાજકોટમાં આમ આદમી પાર્ટીની સંકલ્પ સભામાં હજારો કાર્યકર્તા ઉમટી પડયા : લોક સેવા માટે સંકલ્પ બધ્ધ

રાજકોટ : મહાનગરપાલીકાના ચુંટણી પરિણામો બાદ રાજકોટમાં આમ આદમી પાર્ટી દ્વારા સેવા સંકલ્પ સભા યોજવામાં આવી હતી. દોઢ હજારથી વધુ સંખ્યામાં ઉમટી પડેલ કાર્યકરો લોકસેવા માટે સંકલપબધ્ધ થયા હતા. સભાને સંબોધતા પ્રદેશ સંગઠનમંત્રી અજીત લોખીલે જણાવ્યુ હતુ કે આમ આદમી પાર્ટીના ઉમેદવારો અને કાર્યકર્તાઓ લોકોના દિલ જીત્યા છે અને કેવી રીતે મજબુતીથી ચુંટણી લડી શકાય તે શીખ્યા છે. હવે લોકોનું ઋણ ચુકવવા તમામ કાર્યકર્તાઓએ ખુબ કામ કરી બતાવવું પડશે. લોકહિતના પ્રશ્નો ઉકેલવા રાત દિવસ લોકોની સેવામાં લાગી જવાનું છે. જે કઇ ક્ષતિઓ રહી ગઇ છે તે સુધારવા પ્રયાસ કરીશું તેમ ભાવુક બની ગયેલ અજીત લોખીલે જણાવ્યુ હતુ. આમ આદમી પાર્ટી શહેર પ્રમુખ રાજભા ઝાલાએ કવિ દુષ્યંતજીની કવિતા 'કોશિશ કરને વાલો કી હાર નહીં હોતી' દોહરાવી જણાવ્યુ હતુ કે જનતાના હીતો માટે અત્યાચારી શાસકો સામે લડતા રહીશું. હતાશ નથી થવાનું. આમ આદમી પાર્ટીનો દરેક કાર્યકર્તા સાચા અર્થમાં રાજનીતિને બદલવાવાળો કાર્યકર્તા છે. આ તકે શહેર ઉપપ્રમુખ શિવલાલભાઇ પટેલે લાક્ષણિક અદામાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ કોઇપણ ચમરબંધીથી ડર્યા વગર પાર્ટીના નેજા હેઠળ પ્રજાના પ્રશ્નો ઉકેલવા લડતા રહેવા હાકલ કરી હતી. આટલી જંગી સંખ્યામાં રાજકોટમાં કાર્યકર્તાઓ ઉમટી પડતા સૌનો ઉત્સાહ વધ્યો હતો. પ્રદેશ પ્રમુખ ગોપાલભાઇ ઇટાલીયા, રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ, ગુજરાત પ્રભારી ગુલાબસિંહ યાદવજી, નેશનલ ટીમ મેમ્બર્સ પ્રત્યે અજીત લોખીલ રાજભા ઝાલા અને શિવલાલભાઇ પટેલે અભારની લાગણી વ્યકત કરી હતી.

આ સંકલ્પ સભામાં સહ સંગઠન મંત્રી નૈમીષ પાટડીયા, શહેર મહામંત્રી દિવ્યકાંતભાઇ, વિપુલભાઇ તેરૈયા, મહિલા પ્રમુખ ઝુલી લોઢીયા, સૌરાષ્ટ્ર ઝોન કોઓર્ડીનેટર દીલીપસિંહ વાઘેલા, શહેર મંત્રીઓ પરેશભાઇ શીંગાળા, રાજેશ પાંસુરીયા, ચેતન કમાણી, ઝોન ઇન્ચાર્જ ઇન્દુભા રાઓલ, અનિલભાઇ પટેલ, લઘુમતી મોરચાના અલ્તાફ રાઉમાં, ઝોન પ્રવકતા મનીષભાઇ ગઢવી, યુવા પ્રમુખ દેવાંગ ગજજર, કે. કે. પરમાર, ચુંટણી લડેલા ૭૨ ઉમેદવારો અને વિશાળ સંખ્યામાં આગેવાનો કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર સંચાલન દિવ્યકાંતભાઇ કગરાણાએ અને વ્યવસ્થા દીલીપસિંહ વાઘેલાના નેતૃત્વમાં અહમદભાઇ સાંઘ અને તેમની ટીમે સંભાળેલ.

(4:58 pm IST)