રાજકોટ
News of Monday, 1st March 2021

ગેરકાયદેસર હથિયાર સાથે પોલીસ કર્મીનો પુત્ર ઝડપાયો

દેશી પિસ્તોલ અને કારતૂસ જપ્ત કરાયા : પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે પીએસઆઇ રીઝવીએ વિછીયા મામલતદાર કચેરી નજીક વોચ ગોઠવી

રાજકોટ,તા. : રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા પોલીસ પુત્ર સહિત ત્રણ શખ્સોને દેશી બનાવટની પિસ્તોલ તેમજ ચાર કારતુસ સાથે ઝડપી પાડવામાં આવ્યા છેરાજકોટ સહિત સમગ્ર ગુજરાતભરમાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકા માટે મતદાનની પ્રક્રિયા પૂર્ણ થવા પામી છે. ત્યારે ચૂંટણી સંદર્ભે કોઇ અનિચ્છનીય ઘટના બને તે માટે જિલ્લા પોલીસ વડા બલરામ મીણાં દ્વારા પોતાના તાબા હેઠળ આવતા તમામ થાણા અમલદારોને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર રોક લગાવવાનો આદેશ કરવામાં આવ્યો હતો. તો સાથેસાથ વાહન ચેકિંગ સહિતની ગતિવિધિ તેજ બનાવવાના આદેશ પણ આપવામાં આવ્યા હતા. ત્યારે વિંછીયા પોલીસના પીએસઆઇ ટીએસ રીઝવી સહિતનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતા.

જે દરમિયાન બાતમી મળી હતી કે, ત્રિપલ સવારીમાં બાઇક દ્વારા મોઢુકાથી વિંછીયા તરફ ત્રણ જેટલા શખ્સો આવી રહ્યા છે. જેમની પાસે ગેરકાયદેસર હથિયાર તેમજ કારતૂસ રહેલા છે. ત્યારે પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે પીએસઆઇ રીઝવીએ વિછીયા મામલતદાર કચેરી નજીક વોચ ગોઠવી હતી. ત્યારે ત્રિપલ સવારીમાં બાઇક પર નીકળેલા યુવાનોને અટકાવવામાં આવ્યા હતા. ત્યારબાદ તેમની અંગજડતી કરવામાં આવતા ભાવેશ વિનુભાઈ રાજપરા નામના સખ્સના પેન્ટના નેફામાંથી દેશી બનાવટની પિસ્તોલ મળી આવી હતી. તેમજ હથિયાર ચેક કરતાં તેમાંથી ચાર જેટલા જીવતા કારતૂસ પણ મળી આવ્યા હતા. ત્યારબાદ ત્રણેય શખ્સોને લઇ પોલીસ મથક લઈ જવામાં આવ્યા હતા.

પૂછપરછ દરમિયાન ભરત ભોળા માલકીયા અને વિજય પોપટ ચાવડાએ ચોટીલાના વતની હોવાનું તેમ ખેતી કામ કરતા હોવાનું જણાવ્યું હતું. જ્યારે કે મુખ્ય આરોપી ભાવેશે પોતે અભ્યાસ કરતો હોવાનું જણાવ્યું હતું. તો સાથે તેના પિતા સુરેન્દ્રનગર જિલ્લામાં પોલીસમાં ફરજ બજાવતા હોવાનું પણ જણાવ્યું હતું. ત્યારે સમગ્ર મામલે તમામ આરોપીઓને કોર્ટમાં રજૂ કર્યા બાદ રિમાન્ડ માંગવામાં આવશેરિમાન્ડ દરમિયાન આરોપીઓ હથિયાર ક્યાંથી લાવ્યા હતા હથિયારનો ઉપયોગ કઈ જગ્યાએ કરવાના હતા તેમ ભૂતકાળમાં કોઈ જગ્યાએ ઝડપી પાડવામાં આવેલા હથિયારનો ગુનાહિત પ્રવૃત્તિમાં ઉપયોગ કરવામાં આવ્યો છે કે કેમ તે સહિતની બાબતો અંગે પૂછપરછ કરવામાં આવશે.

(9:07 pm IST)