રાજકોટ
News of Thursday, 1st June 2023

લોઠડા ગામે કારખાનાના શેડમાં આજીડેમ પોલીસનો દરોડોઃ ૧૮ લાખનો દારૂ ઝડપાયો

રાજસથાનના દલપતસિંહ રજપૂતે શેડ ભાડે રાખી જથ્‍થો ઉતાર્યો હતોઃ ‘કટીંગ' થાય એ પહેલા કાર્યવાહી :દારૂ, બોલેરો પીકઅપ મળી ૨૩.૨૬ લાખનો મુદ્દામાલ કબ્‍જેઃ ડીસીપી સજ્જનસિંહ પરમાર, એસીપી બી.વી. જાદવની સુચના અનુસાર પીઆઇ એલ. એલ. ચાવડા, પીએસઆઇ એચ. બી. ગઢવી અને ટીમની કાર્યવાહીઃ એએસઆઇ આર. જે. જાડેજા તથા કોન્‍સ. વિરેન્‍દ્રસિંહ જાડેજાની બાતમી

રાજકોટ તા. ૧: શહેરના આજીડેમ પોલીસ સ્‍ટેશન હેઠળના લોઠડા ગામમાં કોટડાસાંગાણી રોડ પર આવેલા કારખાનાના શેડમાં દારૂનો મોટો જથ્‍થો ઉતર્યો છે અને કટીંગ થવાનું છે તેવી બાતમી મળતાં આજીડેમ પોલીસની ટીમે દરોડો પાડતાં રૂા. ૧૮,૦૬,૬૦૦નો દારૂ ઝડપાઇ ગયો છે. દારૂ તેમજ એક બોલેરો પીકઅપ વાહન મળી કુલ રૂા. ૨૩,૨૬,૬૦૦નો મુદ્દામાલ કબ્‍જે કરાયો છે. આ શેડ રાજસ્‍થાની શખ્‍સે ભાડે રાખી દારૂનો જથ્‍થો ઉતાર્યો હોવાનું ખુલતાં આ શખ્‍સ તથા બોલેરોના ચાલક, માલિક સહિતની સામે ગુનો નોંધી શોધખોળ હાથ ધરવામાં આવી છે.

આજીડેમ પોલીસની ટીમે દારૂ-જૂગારની પ્રવૃતિઓ ડામવા માટે પેટ્રોલીંગમાં હતી ત્‍યારે એએસઆઇ આર. જે. જાડેજા અને હેડકોન્‍સ. વિરેન્‍દ્રસિંહ પી. જાડેજાને ચોક્કસ બાતમી મળી હતી કે લોઠડા ગામમાં કોટડા સાંગાણી રોડ પર જયનાથ ઇન્‍ડસ્‍ટ્રીઝ શેરી નં.૪માં ઇલેક્‍ટ્રીક સબ સ્‍ટેશન પાસે આવેલા કારખાનાના શેડમાં દારૂનો જથ્‍થો ઉતર્યો છે અને કટીંગ થવાનું છે. આ બાતમી પરથી દરોડો પાડવામાં આવતાં વ્‍હીસ્‍કી અને વોડકાની કુલ ૭૫૦૦ બોટલો રૂા. ૧૮,૦૬,૬૦૦ની મળી આવતાં તે તથા જીજે૨૩એટી-૫૭૧૧ નંબરની બોલેરો પીકઅપ મળી કુલ રૂા. ૨૩,૨૬,૬૦૦નો મુદ્દામાલ કબ્‍જે કરાયો હતો.

પોલીસે તપાસ કરતાં આ કારખાનાનો શેડ રાજસ્‍થાનના દલપતસિંહ હડવતસિંહ રજપૂતે ભાડે રાખ્‍યો હોવાનું ખુલ્‍યું હતું. જો કે દરોડો પડયો ત્‍યારે દલપતસિંહ કે બોલેરોનો ચાલક, માલિક કોઇ મળ્‍યા નહોતાં. પોલીસે આ તમામ સામે ગુનો નોંધી શોધખોળ શરૂ કરી છે.

પોલીસ કમિશનરશ્રી રાજુ ભાર્ગવ, ડીસીપીશ્રી સજ્જનસિંહ પરમાર, એસીપી બી. વી. જાદવની સુચનાથી પીઆઇ એલ. એલ. ચાવડા, પીએસઆઇ એચ. બી. ગઢવી, એએસઆઇ આર. જે. જાડેજા, હેડકોન્‍સ. પિયુષભાઇ ચિરોડીયા, કોન્‍સ. વિરેન્‍દ્રસિંહ જાડેજા, કોન્‍સ. મેહુલભાઇ પંડયા સહિતે આ કામગીરી કરી હતી.

(4:47 pm IST)