રાજકોટ
News of Tuesday, 1st September 2020

અનેક નોંધપાત્ર કામગીરી કરનારા એ-ડિવીઝનના આસી. સબ ઇન્સપેકટર રણજીતસિંહ ઝાલા નિવૃત

આરોપીઓના ફોટા પાડવાની પ્રથા, દસથી વધુ હત્યાના કેસમાં સજાઓ, નારકોટીકસ, અનડિટેકટ મર્ડર સહિતના ગુનાઓમાં પ્રસંશનિય કામગીરી

રાજકોટ તા. ૧: એ-ડિવીઝનનમાં આસી. સબ ઇન્સપેકટર તીકે ફરજ બજાવતાં રણજીતસિંહ ઝાલા વય મર્યાદાને કારણે નિવૃત થતાં તેમનું નિવૃતી પછીનું જીવન સુખમય અને તંદુરસ્ત રહે તે માટે તમામ સાથી અધિકારીઓ, કર્મચારીઓએ (મો.૯૮૭૯૪ ૫૭૪૦૫) શુભેચ્છા પાઠવી હતી. રણજીતસિંહ ઝાલાએ ફરજકાળ દરમિયાન શહેરના લગભગ પોલીસ કર્મચારીઓ-રાઇટર માટે ગુરૂ સમાન ગણાય છે. તેઓ સચોટ અને સાચી સલાહ આપનાર તેમજ કર્મનિષ્ઠ, નિષ્ઠાવાન અધિકારી તરીકે ફરજ બજાવવા માટે પણ જાણીતા છે.

રણજીતસિંહ ઝાલા તા. ૧૩-૦૪-૮૨માં રાજકોટ પોલીસમાં ભરતી થયા હતાં. પ્રથમ પોસ્ટીંગ પ્ર.નગરમાં મળ્યું હતું. એ પછી બી-ડિવીઝન, પ્ર.નગર, તાલુકા પોલીસ સ્ટેશન અને ત્યાંથી એ-ડિવીઝનમાં ફરજ બજાવી હતી. રણજીતસિંહને છવ્વીસ વર્ષની ફરજ બાદ હેડકોન્સ્ટેબલનું અને એકત્રીસ વર્ષની ફરજ બાદ એએસઆઇ તરીકે પ્રમોશન કર્યા હતાં. કુલ ૩૮ વર્ષ અને ૪ મહિના તથા ૧૭ દિવસની પ્રસંશનીય નોકરીમાં તેમણે અનેક અનડિટેકટ ગુનાઓ મર્ડર, ધાડ, લૂંટ સહિતના ડિટેકટ કર્યા હતાં. વ્હાઇટ કોલર ક્રાઇમને ડામવામાં પોતાની રાઇટરીનો પરચો ગુનેગારોને આપ્યો હતો. તાલુકા પોલીસ મથકમાં ૨૦૦૩ થી ૨૦૧૨ દરમિયાન પીઆઇ રાઇટર તરીકેની ફરજ દરમિયાન હત્યાના ૧૦ જેટલા ગુનાઓ સાબિત થયા હતાં અને તમામ ગુનેગારોને આજીવન કેદની સજા પડી હતી. બી-ડિવીઝન અને એ-ડિવીઝનમાં પણ આવી જ કામગીરી તેમણે કરી હતી.

બી-ડિવીઝનમાં ફરજ વખતે નારકોટીકસનું દૂષણ નાબુદ કરવા સતત પંદર કેસ કર્યા હતાં. તેમાંના અમુક કેસ પણ કોર્ટમાં સાબિત થતાં ગુનેગારોને સજાઓ મળી હતી. ભાવનગર રોડ પર લોહીનો વેપલો બંધ કરાવવાની કામગીરીમાં પણ મહત્વનો ભાગ ભજવ્યો હતો. ભુકંપ વખતે પોલીસ લાઇનમાં પરિવારોને સાચવવા, ભોજન સહિતની સેવાકિય કામગીરી કરીને પણ અધિકારોના ઇનામો મેળવ્યા છે.

થોરાળા પોલીસ સ્ટેશન, આજીડેમ પોલીસ સ્ટેશન અને તાલુકા પોલીસ સ્ટેશનની જમીનની માંગણીની કાર્યવાહી રણજીતસિંહ ઝાલાએ કરી હતી અને તેનું રોજકામ પણ  તેના હસ્તક થયું હતું. વાંકાનેર બાઉન્ડ્રી પાસે ત્રણ એકર જેટલી પોલીસ સ્ટેશન માટેની જમીનનું રોજકામ પણ તેઓના હસ્તે થયું હતું.

આ ઉપરાંત પોલીસ કમિશનર સુધીર સિન્હાના કાળમાં હાઇકોર્ટની ઇન્કવાયરી સોંપી હતી. જેમાં બી-ડિવીઝનમાં એક મર્ડરની ઘટના બની હતી. એ આરોપીને વાંકાનેર પોલીસે પકડ્યો હતો. ત્યારે તેણે પોતાના ભાઇનું નામ આરોપી તરીકે આપી દીધું હતું. ૧૯૮૨માં પોલીસે એ આરોપીને અટક કરી ચાર્જશીટ કરી દીધું હતું. એ પછી તે નિર્દોષ છુટતાં સરકાર અપીલમાં ગઇ હતી. હાઇકોર્ટએ મહેશ નામના આરોપીનું વોરન્ટ કાઢ્યું હતું. એ પછી તપાસ થતાં મહેશે નહિ રવિએ મર્ડર કર્યાનું ખુલ્યું હતું. ૧૯૮૨ના બનાવમાં ૧૯૯૭માં હાઇકોર્ટમાંથી ઇન્કવાયરી સોંપાતા તપાસને અંતે એ સ્પષ્ટ થયું હતું કે મર્ડર મહેશે નહિ રવિએ જ કર્યુ હતું. ત્યારથી હાઇકોર્ટએ ૧૯૯૭માં હુકમ કર્યો હતો કે હવેથી આરોપી પકડાય ત્યારે ફોટા પાડવા. ત્યારથી આરોપીઓના ફોટા પાડવાની શરૂઆત થઇ હતી. આ કામગીરીમાં રણજીતસિંહ ઝાલાએ મહત્વની કામગીરી કરતાં સુધીરકુમાર સિન્હાએ તેમને ઇનામ આપ્યું હતું.

(11:37 am IST)