રાજકોટ
News of Tuesday, 1st September 2020

સિવિલ હોસ્પિટલમાં જયંતિ રવિના આગમન સાથે પીપીઇ કીટ પહેરેલા લોકોની સંખ્યા વધી!

રોજે રોજ કોવિડના તમામ સ્ટાફને પીપીઇ કીટ પહેરાવવી જરૂરી

રાજકોટ તા. ૧: આરોગ્ય સચિવ ડો. જયંતિ રવિએ બે દિવસથી રાજકોટમાં મુકામ કર્યો છે ત્યારે કલેકટર તંત્ર, મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર અને સિવિલ હોસ્પિટલ તંત્રના સત્તાધીશો દોડધામમાં પડી ગયા છે. મોટે ભાગે આરોગ્ય સચિવ કે બીજા અધિકારીઓ મુલાકાતે આવવાના હોય ત્યારે હોસ્પિટલ, કલેકટર કચેરી અને મ્યુનિસિપલ કચેરીના દેખાવ રાતોરાત બદલી જતાં હોય છે. સ્વચ્છતા તો અહિયા જેવી બીજે કયાંય હોય જ નહિ એ પ્રકારની વધારાની તૈયારીઓ કરવામાં આવે છે. સિવિલ હોસ્પિટલ કોવિડ કેર સેન્ટરમાં બે દિવસથી પીપીઇ કીટ પહેરેલા કર્મચારીઓની સંખ્યા વધુ દેખાવા માંડી હોવાનું જાણકારોએ કહ્યું હતું.

સામાન્ય રીતે કોવિડ કેર સેન્ટરમાં ફરજ બજાવતાં તબિબો, નર્સિંગ સ્ટાફ અને બીજા સ્ટાફને વોર્ડ અંદર ડ્યુટી હોય ત્યારે પીપીઇ કીટ પહેરાવવામાં આવે છે. પરંતુ બે દિવસથી કોવિડ કેરમાં લગભગ બધા જ સ્ટાફને પીપીઇ કીટ પહેરાવવામાં આવી રહી છે. આરોગ્ય સચિવના આગમને પગલે આમ થયું કે પછી ફરજ બજાવતાં કોરોના વોરિયર્સની સુરક્ષાને વધુ કડક બનાવવામાં આવી? તેવી ચર્ચા દાખલ દર્દીઓના સગાઓમાં થઇ રહી છે. એવી પણ ચર્ચા છે કે દરરોજ આ રીતે તમામ કર્મચારીઓની સુવિધા માટે પીપીઇ કીટ ફરજીયાત રાખવી જોઇએ.

(1:08 pm IST)