રાજકોટ
News of Tuesday, 1st September 2020

૧૦ કરોડના જી.એસ.ટી. કૌભાંડમાં આરોપી રાયધન ડાંગરની જામીન અરજીને સેસન્સ કોર્ટે ફગાવી દીધી

સરકારી નાણાંની ઉચાપતને સહજતાથી લઇ શકાય નહિં: સેસન્સ અદાલત

રાજકોટ તા. ૧: રાજકોટના એડી. સેશન્સ જજ પ્રશાંત જૈને જીએસટીની રૂ. ૧૦-કરોડની રકમની ઉચાપતના આરોપી રાયધન ડાંગરની જામીન અરજી રદ કરતા ઠરાવેલ છે કે, નવા અમલમાં આવેલ આ કાયદા હેઠળ સરકારી નાણાંની આ પ્રકારની ઉચાપતને સહજતાથી લઇ શકાય નહીં. જયારે વધુ આરોપીઓ સંડોવણી સ્પષ્ટ થતી હોય અને તપાસ ચાલુ હોય જામીન અરજી મંજુર કરી શકાય નહિં.

આ કેની હકિકત એવા પ્રકારની છે કે, મુળ સામખીયાળીના રહીશ રાયધન ડાંગરે જી.એસ.ટી.ના કાયદા હેઠળ રજીસ્ટ્રેશન કરાવવા માટે ઓનલાઇન અરજી કરેલ જે સાથે દસ્તાવેજો પણ અપલોડ કરેલ હતા. આ રીતે જુદા જુદા નામથી રજીસ્ટ્રેશન મેળવ્યા બાદ રાયધન ડાંગરે વિવિધ બીલો બનાવી રૂ. ૧૦-કરોડના ટેક્ષની રકમ ઇ-વે બીલ હેઠળ દર્શાવેલ હતી. કાયદાની જોગવાઇ મુજબ આ મુજબ ઇ-વે બીલ અપલોડ થયા બાદ માસના અંતે દરેક વેપારીએ જી.એસ.ટી. રીટર્ન ભરવું ફરજીયાત છે. રૂ. ૧૦-કરોડની રકમના જી.એસ.ટી.ના ઇ-વે બીલ અપલોડ થયેલ હોવા છતાં વેપારી તરફથી માસના અંતે આવી કોઇ રકમ જમા કરવામાં ન આવતા જી.એસ.ટી. વિભાગે રજીસ્ટર્ડ વેપારીની તપાસ કરતા આ વેપારીઓ ખરેખર ચાની રેકડી ચલાવતા લોકો જણાયેલ. અધિકારી દ્વારા આ લોકોની પુછપરછ કરતા ખ્યાલમાં આવેલ કે, આ તમામ નાના વેપારીઓ પાસેથી રાયધન ડાંગરે લોન અપાવી દેવાના બહાને આધાર કાર્ડ, પાન કાર્ડ જેવા દસ્તાવેજો મેળવેલા હતા જે દસ્તાવેજોના આધારે તેઓના નામે જી.એસ.ટી. હેઠળ રજીસ્ટ્રેશન કરાવી મોટી રકમનો વેપાર દર્શાવેલ હતો.

આ રકમમાંથી રૂ. ૧૦-કરોડ જી.એસ.ટી.ના ટેક્ષની રકમ થતી હતી જે અંગે આ નાના વેપારીઓને કોઇ જ માહિતી ન હતી. પરંતુ આરોપી રાયધન ડાંગર આ લોકોના નામે વેપાર કરી જી.એસ.ટી.ની રકમ ઓળવી જતો હતો. તપાસ દરમ્યાન આ મુજબની માહિતી મળતા જી.એસ.ટી. અધિકારીઓએ રાયધન ડાંગરને સમન્સ પાઠવી ખુલાસો કરવાની તક આપેલ જે દરમ્યાન રાયધન ડાંગરે કઇ રીતે કૌભાંડ કરેલ તે અંગેની વિગતો આપેલ હતી. આ મુજબની વિગતો મળતા જી.એસ.ટી. અધિકારીએ રાયધન ડાંગરની ધરપકડ કરી કોર્ટમાં રજુ કરેલ. મેજીસ્ટ્રેટેટ રાયધન ડાંગરની જામીન અરજી નામંજુર કરતા આરોપીએ સેશન્સ અદાલતમાં જામીન અરજી રજુ કરેલ હતી.

સેશનસ જજશ્રી જૈન સમક્ષ જી.એસ.ટી. વિભાગ વતી રજુઆત કરતા જિલ્લા સરકારી વકિલશ્રી સંજયભાઇ કે. વોરાએ જણાવેલ હતું કે, વર્ષ-ર૦૧૯માં અમલમાં આવેલ આ કાયદા હેઠળ જુજ ફરીયાદો થયેલ છે અને ધરપકડ કરી કોર્ટમાં રજુ કરેલા ખુબ જ ઓછા દાખલા હોવાથી સામાન્ય કાયદાની ત્રુટીઓ હોવી સ્વાભાવિક છે. પરંતુ આરોપી રાયધન ડાંગરના ઘરની રેઇડ દરમ્યાન અલગ અલગ વ્યકિતઓના નામના દસ્તાવેજો મળી આવવાથી તે હકિકત સાબિત થાય છે કે, આ આરોપી ઓનલાઇન અરજીની પ્રોસીજરનો ગેરલાભ ઉઠાવી જુદા જુદા નામના જી.એસ.ટી. રજીસ્ટ્રેશન મેળવે છે અને ખરીદનાર વેપારીઓ પાસેથી જી.એસ.ટી.ની મોટી રકમ વસુલ કરી આવી રકમોની ઉચાપત કરેલ છે ત્યારે સરકારશ્રીએ ઘણી મોટી રકમનું નુકશાન ભોગવવું પડે છે.

આ ઉપરાંત જે પ્રક્રિયા વેપારી વર્ગની સહુલીયત અને સગવડતા માટે ઘડવામાં આવેલી છે તેવી પ્રક્રિયાનો આ પ્રકારના આરોપી જયારે ગેરલાભ ઉઠાવતા હોય ત્યારે અર્થવ્યવસ્થા ઉપર સમયાંતરે ખુબ જ મોટી અવળી અસર પડે છે. આ ઉપરાંત આ કૌભાંડમાં આરોપી રાયધન ડાંગર સિવાય અન્ય કોઇ વ્યકિતઓ સંડોવાયેલ છે કે કેમ તે અંગેની તપાસ જયારે વિભાગીય રીતે પ્રક્રિયામાં હોય ત્યારે આરોપીને જામીન મુકત કરી પુરાવા સાથે ચેડા કરવાની તક આપવા સમાન લાભ આપી શકાય નહીં. શ્રી સરકાર તરફેની આ તમામ રજુઆતો ધ્યાનમાં લઇ ના. સેશન્સ કોર્ટે આરોપી રાયધન ડાંગરની જામીન અરજી રદ કરેલ છે.

આ કેસમાં જી.એસ.ટી. વિભાગ વતી જિલ્લા સરકારી વકિલશ્રી સંજયભાઇ કે. વોરા રોકાયેલ હતા.

(2:39 pm IST)