રાજકોટ
News of Tuesday, 1st September 2020

૧૦ વર્ષની સગીર બાળકી સાથે અડપલા કરવાના ગુનામાં આરોપીના જામીન મંજુર

રાજકોટ તા. ૧: રાજકોટ શહેરના રૈયા ગામ વિસ્તારમાં રહેતા આ કામના ફરીયાદીએ પોતાની સગીર વયના પુત્રીને બદકામ કરવાના ઇરાદે શારીરીક અડપલા કરવા અંગેની ફરીયાદ મહિલા પોલીસ સ્ટેશનમાં આઇપીસી કલમ ૪પર, પ૦૪, ૩પ૪(એ) તથા પોકસો એકટની કલમ ૮ મુજબની ફરીયાદ મહિલા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી હતી. જે કામે આ કામના આરોપી અશોક કેશુભાઇ સોલંકીની પોલીસ દ્વારા તા. ૧૧/૦૬/ર૦ર૦ના રોજ ધરપકડ કરવામાં આવેલ અને કોર્ટ સમક્ષ રજુ કરતા તેને તે દિવસથી જેલ હવાલે કરવામાં આવેલો જેને સેશન્સ કોર્ટ દ્વારા જામીન ઉપર મુકત કરવાનો હુકમ ફરમાવેલ છે.

આ કેસની ટુંકમાં હકીકત એવી છે કે આ કામના રાજકોટના રૈયા ગામ વિસ્તારના રહેવાસી એવા ભોગ બનનાર સગીર પુત્રીને ગત તા. ૧૦/૦૬/ર૦ર૦ના રોજ ઘર પાસે પાણી ભરીને જઇ રહી હતી તેની સગીર બહેન પણ સાથે હોય આમ બન્ને બહેનો પાણી ભરીને ઘરે જતી હતી ત્યારે આ કામના આરોપી અશોક કેશુ સોલંકીએ રસ્તામાં બાઇક ઉભું રાખીને ફરીયાદીની સગીર વયની પુત્રીને આંતરીને ઘરે મુકી જવાના બહાને બન્ને બાળકીઓનો પીછો કર્યો હતો જેથી બન્ને બાળકીઓ ઘરમાં જઇ સંતાઇ ગઇ હતી ત્યારે ઘરમાં અન્ય કોઇ સભ્યો હાજર ન હોય જેનો લાભ લઇ આ કામના આરોપી અશોક કેશુભાઇ સોલંકીએ ઘરમાં ગેરકાયદેસર પ્રવેશ કરી ઘરમાં સશ્રંતાઇ ગયેલી બાળકી સાથે શારીરીક અડપલા કરવાની શરૂઆત કરેલી જે અંગેની વાત સગીર બાળકીઓએ પોતાની માતા ઘરે આવતા જાણ કરેલી જેથી ભોગ બનનાર સગીર વયના બાળકીની માતાએ મહિલા પોલીસ સ્ટેશનમાં આઇપીસી કલમ ૪પર, પ૦૪, ૩પ૪(એ) તથા પોકસો એકટની કલમ ૮ મુજબની ફરીયાદ આપેલ.

આ ગુન્હાના કામ સબબ આ કામના આરોપી ભગવતીપરા વિસ્તારમાં રહેતા અશોક કેશુભાઇ સોલંકી નામના પ્રૌઢ વ્યકિતની ધરપકડ કરતા રાજકોટ સેશન્સ જજ સાહેબે ન્યાયીક હીરાસતમાં મોકલવાનો હુકમ ફરમાવેલ હતો. ત્યારબાદ આરોપીએ ઉપરોકત કામ સબબ જામીન પર મુકત થવા માટે જામીન અરજી સેશન્સ કોર્ટમાં ગુજારેલ હતી જે અન્વયે સેશન્સ કોર્ટમાં આરોપી વતી રોકાયેલા એડવોકેટ દ્વારા કરવામાં આવેલી રજુઆતો તેમજ વડી અદાલતના રજુ રાખેલ ચુકાદાઓને ધ્યાનમાં લઇ રાજકોટના સેશન્સ જજ શ્રી યુ. ટી. દેસાઇએ આ કામના આરોપીને જામીન ઉપર મુકત કરવાનો હુકમ ફરમાવેલ છે.

આ કામમાં આરોપી વતી યુવા એડવોકેટ જીજ્ઞેશ એમ. સભાડ, રણજીત બી. મકવાણા તથા એમ. એન. સિંધવ રોકાયેલા હતા.

(2:41 pm IST)