રાજકોટ
News of Tuesday, 1st September 2020

કોરોના અંગે ઉગ્ર રજુઆતો બાદ તંત્ર જાગ્યું : કોંગ્રેસ

શહેરોમાં કોરોનાના ઘોડા છૂટી ગયા પછી તબેલાને તાળા મરાવતા મુખ્યમંત્રી : સાગઠિયા, વાઘેલા, કાલરીયા તથા રાજાણીનો આક્ષેપ

રાજકોટ,તા. ૧: શહેરમાં કોરોના કેસનો વધારો થયા બાદ તંત્ર એકશનમાં આવતા મ્યુ.કોર્પોરેશનનાં વિપક્ષી નેતા વશરામભાઇ સાગઠિયા, ગાયત્રીબા વાઘેલા, મનસુખભાઇ કાલરીયા તથા અતુલ રાજાણીએ આક્ષેપ કર્યો હતો કે, ઘોડા છૂટી ગયા પછી તબેલાને તાળા માર્યાનો ઘાટ સર્જાયો છે અને તંત્ર કોંગ્રેસની રજૂઆત બાદ જાગ્યાનો આક્ષેપ કર્યો હતો. આ અંગે રાજકોટ મહાનગરપાલિકાના વિરોધપક્ષના નેતા વશરામભાઈ સાગઠીયા, ગુજરાત મહિલા કોંગ્રેસ પ્રમુખ ગાયત્રીબા વાઘેલા, ઉપનેતા મનસુખભાઈ કાલરીયા, દંડક અતુલભાઈ રાજાણીની સંયુકત યાદી જણાવે છે કે હાલ કોવીડ-૧૯ ની ગંભીર પરિસ્થિતિઓ દેશમાં પ્રવર્તી રહી છે ત્યારે ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખ સી.આર.પાટીલ દ્વારા જે રીતે ગેરકાયદેસર રીતે કોવીડ-૧૯ના તમામ નીતિ-નિયમોનો ખુલ્લેઆમ ઉલ્લંઘન કર્યું, કલમ ૧૪૪નો પણ સરાજાહેર ભંગ કર્યો, કોરોના નું સંક્રમણ પણ ફેલાવ્યું અને કોંગ્રેસ દ્વારા તા.૨૧ઓગસ્ટના રોજે જ અમારી લેખિતમાં ફરિયાદ રૂપી આવેદનપત્ર ગુજરાતના મુખ્યમંત્રીથી લઇ કલેકટરશ્રી, રાજકોટ, જુનાગઢ, ગીરસોમનાથ, તેમજ એસ.પી. રાજકોટ, જુનાગઢ, અને ગીર સોમનાથ, તેમજ પોલીસ કમિશ્નરઓ અને મ્યુનિસિપલ કમિશ્નર, રાજકોટ અને જુનાગઢનાઓને લેખિતમાં ફરિયાદ આપેલ હતી પરંતુ પ્રદેશ પ્રમુખ વિરુદ્ઘ આજદિન સુધી ફરિયાદ દાખલ કરવામાં આવેલ નથી કોંગ્રેસ ફરિયાદમાં જણાવવામાં આવેલ હતું કે સી.આર.પાટીલ દ્વારા જે સૌરાષ્ટ્રમાં શકિત પ્રદર્શન કરવામાં આવ્યું તેના અનુસંધાને આખા સૌરાષ્ટ્રમાં કોરોના મહામારીના કેસો વધશે અને તે છેલ્લા ૨૧ઓગસ્ટ થી આજદિન સુધીમાં રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં ખુબ જ વધી ગયો છે જેનું સમગ્ર રાજકોટ અને ગુજરાતની પ્રજા જાણે જ છે.

અંતમાં કોંગી આગેવાનો જણાવ્યું હતું કે, કોરોના મહામારીથી લોકોને બચાવ્યા રાજકોટના કલેકટર અને મ્યુનિસિપલ કમિશ્નર તેમજ પોલીસ કમિશ્નરને અને મુખ્યમંત્રીશ્રી તેમજ આરોગ્ય સચિવ આ મહામારી દરમ્યાન વારંવાર લેખિત રજુઆતો કરેલ છે. સહિતના અધિકારીઓને ઉપરોકત તમામ રજુઆતો બાદ ગુજરાતના મુખ્યમંત્રી એ રાજકોટને કોરોનાથી બચાવવા માટેનો એકશન પ્લાન ઘડ્યો તે બદલ મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીનો રાજકોટની જનતા વતી વશરામભાઈ સાગઠીયા એ આભાર માન્યો છે.

(2:43 pm IST)