રાજકોટ
News of Tuesday, 1st September 2020

કોરોના પેશન્ટની ઓળખ છુપાવતા મ્યુનિ.કમિશ્નરના હુકમ સામે હાઇકોર્ટમાં PIL

કોરોના પોઝીટીવ દર્દીઓના નામો છુપાવતા કોંગ્રેસના કોર્પોરેટર અતુલ રાજાણી દ્વારા હાઇકોર્ટમાં પીટીશન દાખલ કરાઇઃ મ્યુનિ. કમિશ્નરને જવાબ રજુ કરવા હાઇકોર્ટે નોટીસ ફટકારીઃ મ્યુનિ. કમિશ્નરનો આદેશ પ્રજાના આરોગ્યને જોખમમાં મુકનારો હોવાની પીટીશનમાં રજુઆત

રાજકોટ તા. ૧ : રાજકોટ મ્યુ. કોર્પોરેશનના કમીશ્નરશ્રીએ તા.ર૭/૭/ર૦ ના રોજ કોરોના દર્દીની ઓળખ જાહેર ન કરવા બાબતે કરેલ મૌખિક આદેશ સામે ગુજરાત હાઇકોર્ટમાં પબ્લીક ઇન્ટરેસ્ટ લીટીગેશન (પી.આઇ.એલ.) પીટીસન દાખલ કરવામાં આવેલ છે.

પી.આઇ.એલ. પીટીશનની વિગત મુજબ.. રાજકોટ મ.ન.પા.ના કમીશ્નરે કોરોના પોઝીટીવ દર્દીની પ્રાઇવસી જોખમાતી હોય, તેમજ સામાજીક રીતે હેરાનગતી થતી હોય, તે બાબતે અનેક પત્રો અને ફોનથી મ્યુ.કમિશ્નરને ફરીયાદ થતા, મ્યુ.કમીશ્નરશ્રી ઉદીત અગ્રવાલએ સંબંધીત વિભાગના અધિકારીને આદેશ કરેલ કે, કોરોના પોઝીટીવ દર્દીઓના નામ સરનામા સતાવાર રીતે જાહેર ન કરવા અત્રે ઉલ્લેખનીય છે કે, રાજકોટની બહોળી સંખ્યામાં પ્રજાજનોને સ્પર્શતી વિગત હોવા છતા મ.ન.પા.કમીશ્નરએ ઉપરોકત આદેશ મૌખિક રીતે આપેલો છે. અને જે તે હુકમ લેખિત સ્વરૂપમાં કરવામાં આવેલ નથી.

આ મૌખિક આદેશ થયા બાદ રાજકોટના જાગૃત પ્રહારી સમાન અખબારોએ ગંભીર નોંધ લઇ ઉપરોકત ઉલ્લેખેલ આદેશનો સખત વિરોધ કરેલ. પરંતુ અગમ્ય કારણોસર જેતે કાર્યરીતી મ.ન.પા. દ્વારા આજદીન સુધી ચાલુ રખાતા, રાજકોટ સ્થીત કોંગી અગ્રણી અને કોર્પોરેટર અતુલભાઇ રાજાણી તેમજ કોંગી આગેવાનો ગાયત્રીબા વાઘેલા, વશરામભાઇ સાગઠીયા, મનસુખભાઇ કાલરીયા અને વિશાળ સંખ્યામાં જાગૃત નાગરીકોએ મ્યુ. કમીશ્નરને આવેદન આપેલ અને મ્યુ.કમીશ્નરને એકથી વિશેષવાર રજુઆતો કરેલ અને ધરણા સહીતના કાર્યક્રમ આપેલ છે પરંતુ મ્યુ.કમીશ્નરએ તેનો તુઘલખી નિર્ણય ચાલુ રાખતા ગુજરાત હાઇકોર્ટમાં અતુલભાઇ રાજાણીએ પબ્લીક ઇન્ટરેસ્ટ લીટીગેશન (પી.આઇ.એલ.) ગુજરાત હાઇકોર્ટના એડવોકેટ-બ્રિજ વિ.શેઠ મારફત દાખલ કરેલ છે.

ઉપરોકત ઉલ્લેખેલ પીટીશનમાં જણાવ્યા મુજબ મ્યુ.કમીશ્નરનો સદરહું હુકમ અવિચારી, મહત્વહિન, ગેરકાયદેસર અને વાસ્તવિક પરીસ્થિતિથી વિરૂદ્ધનો અને પ્રજાના હિતમાં નથી. ઓથોરીટીએ પ્રજાના આરોગ્ય અને સ્વતંત્રતાનું રક્ષણ કરવાની જવાબદારી માટે શરમાવવાનું નથી કે પીછેહઠ કરવાની નથી. જયારે વ્યકિતના જીવનને સ્પર્શતા બંધારણીય મુળભુત અધિકારો અને પ્રાઇવસીના અધિકારોનો ટકરાવ થતો હોય ત્યારે વ્યકિતના જીવનને સ્પર્શતા મુળભુત અધિકારોને વધારે મહત્વ આપવું જોઇએ. રાજય અને તેના સતા અધિકારીઓએ એવી રીતે વર્તવું જોઇએ કે તેનાથી પ્રજાજનોના જીવન અને વ્યકિતગત સ્વાતંત્રય જોખમાય નહી. મીનીસ્ટ્રી ઓફ હેલ્થ અને ફેમીલી વેલફેર-ભારત સરકારની વેબસાઇટમાં સ્પષ્ટ રીતે જણાવવામાં આવેલ છ કે, કોઇ પણ વ્યકિત કોવિડ-૧૯ ધરાવતા અન્ય વ્યકિતના સંપર્કમાં આવવાથી તેને કોવિડ-૧૯ થઇ શકે છેઅને તેને લાગતા વિષણુઓ ફેલાઇ છે અને તેટલા માટે બે વ્યકિતઓ વચ્ચે ત્રણ ફુટનું અંતર જરૂરી છે. આ સંજોગોમાં ઉપરોકત રોગને વિશેષ ફેલાતો અટકાવવા કોવિડ-૧૯ ધરાવતા કે તેના બાબતેના લક્ષણો ધરાવતા વ્યકિતના નામ પ્રસિદ્ધ થવા જરૂરી છે જેથી સામેની વ્યકિત સંક્રમિત ન થાય અને સંક્રમણ વિશેષ ફેલાતંુ અટકાવી શકાય. પરંતુ મ્યુ.કમીશ્નરનો ઉપરોકત ઉલ્લેખેલ મૌખિક હુકમ પ્રજાના આરોગ્યને જોખમમાં મુકનારો સાબિત થાય  તેમ છે. મ્યુ.કમીશ્નર દર્દીના પ્રાઇવસીના અધિકારને રક્ષણ રક્ષવાના બહાને નામ જાહેર કરવા મનાઇ ફરમાવેલ છે.

એડમીનશન હિયરીંગ સમયેએડવોકેટ બ્રિજ વિકાસ શેઠએ રજૂઆત કરેલ કે, કોઇપણ આમ પ્રજાજને પોતાના તથા પોતાના કુટુંબીજનોના જીવન રક્ષણ માટે તેની આજુ બાજુમાં અથવા તેઓ જે એરીયામાં રહે છે. ત્યાં કોવીડ-૧૯ના પેસન્ટની માહિતી મળવી જરૂરી છે. જેથી તે જે તે એરીયામાં પોતાનું તથા પોતાના કુટુંબીજનોનું આવાગમન અટકાવી શકે અને જો તે તેવા સંક્રમિત વ્યકિતના પરીચયમાં આવેલ હોય તો આગોતરા સારવાર બાબતેના તાત્કાલીક પગલા લઇ શકે. સંક્રમિત વ્યકિત કોઇ, અનૈતિક કામ કરનાર વ્યકિત નથી કે તેનું નામ જાહેર કરવાથી સમાજમાં તેની પ્રતિષ્ઠાને કોઇ અવળી અસર પહોંચે. તેમજ નામ જાહેર કરવાથી સંક્રમિત વ્યકિતના રોજબરોજમાં સંપર્કમાં આવતા સ્વીપર કામવાળા, ધોબી, દૂધવાળા, સ્ટાફના સભ્યો, શાકભાજીવાળા, ચોકીદાર તેમજ દવા અને જીવન જરૂરીયાતની ઘરે બેઠા સેવાઓ પુરી પાડતા વ્યકિતઓ પોતાની જાતને સંક્રમિત વ્યકિતથી બચાવી શકે અને સંક્રમણ વિશેષ ફેલાતું અટકે. પરંતુ મ્યુ. કમીશનરએ છેલ્લા એક માસ ઉપરાંતથી સંક્રમીત વ્યકિતના નામ છૂપાવવાનું તેમજ ભોગ બનનાર અને મૃત્યુ પામનાર વ્યકિતઓના આંકડા પણ છૂપાવવાનું શરૂ કરેલ છે. જેને કારણે રાજકોટના પ્રજાજનોમાં જાણ્યે સંક્રમિત વ્યકિતનો દર ખુબ જ મોટા પ્રમાણમાં વધેલ છેે. કોવીડ પેશન્ટને આ મહામારી બાબતે સાચી સમજણ ન આપવાને કારણે કોવિડ પેશન્ટના મનમાં આ મહામારી તેના માટે કલંક છે. તેવી છાપ ઉભી થયેલ છે. અને તેના કારણે તે લાંબા સમય સુધી તેના સંપર્કમાં આવત લોકોને સામેથી પોતે સંક્રમિત છે તેવું જણાવતા નથી. અને પોતાની ચંચળતાથી તેઓ બહાર ફરવાનું ચાલુ રાખે છે. તે સંજોગોમાં નામ જાહેર કરવાથી સંક્રમિત વ્યકિતની આજુ બાજુના વ્યકિતઓ પોતાની જાતનું રક્ષણ કરી શકે. પરંતુ તે તમામ સંજોગો વિરૂધ્ધ મ્યુ. કમીશનરએ પ્રજાના હિત વિરૂધ્ધ નામ છૂપાવવાનો આદેશ કરેલ હોય, આ પીટીશન દાખલ કરવા ફરજ પડેલ છે.

અરજદારના એડવોકેટ બ્રિજ વિકાસ શેઠને સાંભળી ગુજરાત હાઇકોર્ટએ ઉપરોકત પીટીશન એડમીટ કરી રા. મ્યુ. કોર્પોરેશનને નોટીસ કરી, પોતાનો જવાબ રજૂ કરવા આદેશ કરેલ છે.

ઉપરોકત પી.આઇ.એલ.માં અરજદાર અતુલભાઇ રાજાણી વતી ગુજરાત હાઇકોર્ટના એડવોકેટ બ્રિજ વિકાસ શેઠ, તથા વિકાસ શેઠ, એડવોકેટ દરજજે રોકાયેલ છે.

(2:44 pm IST)