રાજકોટ
News of Tuesday, 1st September 2020

એક દો તીન ચાર ગણપતિ કી જય જયકાર... ગણપતિબાપા મોરીયા પૂડચ્યાવર્ષી લવકરીયા

ઘરે ઘરે મૂર્તિ વિસર્જન સાથે ગણેશ મહોત્સવનું સમાપન

કોરોનાની પરિસ્થિતીના કારણે સરઘસ - યાત્રાઓ બંધ રહી : સાદગી ભેર દાદાને અપાઇ વિદાય : ભકતો બન્યા વિહવળ

રાજકોટ તા. ૧ : ગણેશ ચતુર્થીના દિવસથી આરંભાયેલ ગણેશ મહોત્સવનું આજે ભાવસભર સમાપન થયુ છે. કોરોનાની પરિસ્થિતી ધ્યાને લઇ આ વર્ષે કયાય મોટા ઉત્સવના આયોજનો નહોતા થયા. પરંતુ ઘરે ઘરે સાદગીભેર જયાં સ્થાપનાઓ થઇ હતી. ત્યાં સોશ્યલ ડીસ્ટન્સ અને માસ્કના નિયમ પાલન સાથે ઘરે ઘરે જ મૂર્તિ વિસર્જન કરવામાં આવ્યુ હતુ.

દાદાને વિદાય આપતા ભાવિકો વિહવળ બની ગયા હતા. સજળ નયને બાપાને વિદાય આપતી વેળાએ  'ગણપતિબાપા મોરીયા, પૂડચ્યાવર્ષી લવકરીયા'... હે બાપા આવતા વર્ષે ફરી વહેલા પધારજો! તેવી પ્રાર્થના કરી હતી.

આમ તો આ સમગ્ર ગણેશ મહોત્સવ દસ દિવસનો હોય છે. અગિયારમાં દિવસે મૂર્તિ વિસર્જન સાથે સમાપન કરવામાં આવે છે. જો કે અનુકુળતા મુજબ એક, ત્રણ, પાંચ કે સાત દિવસનું સ્થાપન કરીને વિસર્જન કરી શકાતુ હોય છે. આમ ગણેશ ચતુર્થીના દિવસથી જામેલો ગણેશમય માહોલે આજે વિરામ લેતા સમાપન થયુ છે.

એકધારી આટલા દિવસથી દાદાની ભકિત કર્યા બાદ મૂર્તિને વિદાય આપવાની ઘડી આવતા ભાવિકોના હૈયા ભાવવિભોર બની ગયા હતા. ભારે હૈયા અને વહેતી આંખોએ ગણેશજીની મૂર્તિને વિસર્જન માટે વિદાય અપાઇ હતી. તો સાથો સાથ આવતા વર્ષે ફરી વહેલા પધારજો એવું આહવાન પણ અપાયુ હતુ.

(3:37 pm IST)