રાજકોટ
News of Tuesday, 1st September 2020

રાજકોટમાં કોરોનાની ૧પ૦ બેડ વધારાશે : સંકલન માટે મિલિન્દ તોરવણે - મેહુલ દવેને જવાબદારી

ગાંધીનગર, તા. ૧ : ગુજરાતનાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનાં દિશાનિર્દેશથી રાજકોટમાં વધી રહેલા કોરોના સંક્રમણના કેસની સંખ્યાને ધ્યાને લઈ આરોગ્ય સચિવ જયંતિ રવિ અને અમદવાદની ખાસ ડોકટર્સની ટીમ આજથી જ રાજકોટ ખાતે રહી જરૂરી તબીબી માર્ગદર્શન પૂરું પાડશે. રાજકોટમાં કોરોના વાયરસનાં કેસ વધી રહ્યા છે ત્યારે રૂપાણી સરકારે કોરોના સંક્રમણ વધુ ફેલાતું અટકાવવા તાત્કાલિક નિર્ણયો લીધા છે જેથી રાજકોટને કોરોનામુકત બનાવી શકાય.

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની અઘ્યક્ષતામાં ગુજરાત સરકારની કામગીરીનું કો-ઓર્ડીનેશન મિલિન્દ તોરવણે કરશે તેમજ મહાનગરપાલીકાના સંદર્ભનું કામકાજ અધિક કલેકટર મેહુલ દવે સંભાળશે. આ સિવાય અમદાવાદથી પણ ડાઙ્ખકટરની એક ટીમ રાજકોટ રવાના કરાઈ છે. હાલ મિલિન્દ તોરવણે અને મેહુલ દવેની રાજકોટ ખાતે કોરોના સંદર્ભે વિશેષ નિમણુક મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ કરી છે. શ્રી મેહુલ દવે હાલ મહેસાણા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક પદે ફરજ બજાવે છે.

આ ઉપરાંત ધન્વંતરિ રથ તેમજ આરોગ્ય વિભાગની ટીમ સંક્રમણ ખાળવા કોન્ટેકટ ટ્રેસીંગ સહીત વિવિધ કામગીરીને વધુ વેગવંતી બનાવે એવી સૂચના સંબંધિત વિભાગને મુખ્યમંત્રીશ્રીએ આપી છે. હાલ રાજકોટમાં કોરોના સંક્રમિતોની સારવાર-સુવિધા માટે બેડની પૂરતી સુવિધા છે. આગામી સપ્તાહમાં ૧પ૦થી વધુ બેડ પણ કાર્યરત થઈ જવાના છે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનાં નેતૃત્વ - માર્ગદર્શન હેઠળ ટુંકસમયમાં રાજકોટમાં કોરોના કેસમાં ઘટાડો જોવા મળશે.

(3:40 pm IST)