મોરબી રોડ સીટી સ્ટેશન નજીક મધરાતે પરિણીતાને ઝૂપડામાંથી ઉઠાવી ઝાડીમાં લઇ જઇ બેફામ ધોલધપાટ
બળજબરી કરવાના ઇરાદે ઉઠાવી જવાઇ કે અન્ય કંઇ? મહિલા ભાનમાં આવે તેની જોવાતી રાહ : મુળ પડધરીની શોભનાબેન રાવળદેવ પતિ, સંતાનો સાથે દોઢેક માસથી અહિ છાપરુ બાંધી રહે છે અને કચરા વીણી ગુજરાન ચલાવે છેઃ શોભનાબેનને ગંભીર ઇજા : પતિ સંજયએ કહ્યું-સવારે ચારેક વાગ્યે મારી ઉંઘ ઉડી ત્યારે પત્નિ જોવા ન મળતાં બૂમો પાડતો શોધવા નીકળતાં પત્નિ નજીકની ઝાડીમાંથી લથડીયા ખાતી મળી આવીઃ પોતાને ત્રણ શખ્સો મુંગો દઇ ટુવ્હીલરમાં બેસાડી લઇ ગયાનું બોલી બેભાન થઇ ગઇ
હુમલામાં ઘાયલ મહિલા અને વિગતો જણાવતો તેનો પતિ સંજય જોગી
રાજકોટ તા. ૩૦: મોરબી રોડ પર સીટી સ્ટેશન નજીક છાપરુ બાંધીને રહેતાં મુળ પડધરીના રાવળદેવ યુવાનની પત્નિને મધરાતે કોઇ છાપરામાંથી ઉઠાવી નજીકની ઝાડીમાં લઇ જતાં અને બાદમાં ધોકાથી બેફામ માર મારતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. યુવાનના કહેવા મુજબ પોતે ઉંઘમાં હતો ત્યારે કોઇ પત્નિને ઉઠાવી ગયુ હતું. પોતે શોધવા નીકળતાં પત્નિ નજીકની ઝાડી પાસેથી લથડીયા ખાતી કણસતી હાલતમાં મળી હતી અને પોતાને મોઢે મુંગો જઇ ઉઠાવી જવામાં આવ્યાની અને બાદમાં મારકુટ કર્યાની વાત કરી હતી. તેણીને બળજબરીના ઇરાદે ઉઠાવી જવાઇ હતી કે અન્ય કંઇ? તે જાણવા પોલીસ આ યુવાનની પત્નિ ભાનમાં આવે તેની રાહ જોઇ રહી છે.
મોરબી રોડ પર પારેવડી ચોકથી આગળ છાપરુ બાંધીને રહેતી શોભના સંજય જોગી (રાવળદેવ) (ઉ.વ.૩૨)ને વેહલી સવારે પતિ સંજયએ સિવિલ હોસ્પિટલમાં ખસેડી હતી અને તેણીને કોઇ ત્રણ અજાણ્યા શખ્સોએ સીટી સ્ટેશન નજીક ધોકાથી માર માર્યો હોવાનું જણાવતાં તબિબે પોલીસને જાણ કરી હતી. મહિલા બેભાન જેવી હાલતમાં હતી અને આંખ પાસે તથા શરીરે મુંઢ ઇજાઓના નિશાન હતાં. હોસ્પિટલ ચોકીના રામશીભાઇ વરૂ અને ભાવેશભાઇએ બી-ડિવીઝનમાં જાણ કરતાં પોલીસે તપાસ શરૂ કરી છે.
મહિલાના પતિ સંજયએ જણાવ્યું હતું કે હું મુળ પડધરીનો વતની છું. દોઢેક મહિનાથી અહિ રાજકોટ છાપરુ વાળીને પત્નિ શોભના તથા એક પુત્ર, બે પુત્રી સાથે રહુ છું. મારા સંતાનોને મેં અહિની શાળામાં ભણવા પણ બેસાડી દીધા છે. રાતે અમે છાપરા અંદર સુઇ ગયા હતાં. વહેલી સવારે ચારેક વાગ્યે મારી ઉંઘ ઉડતાં પત્નિ જોવા ન મળતાં બહાર નીકળી તેના નામની બૂમો પાડતો પાડતો સીટી સ્ટેશન રોડ પર આગળ ગયો હતો ત્યાં પત્નિ ઝાડી પાસેથી લથડીયા ખાતી મળી આવી હતી. તેને ઉલ્ટીઓ પણ થતી હતી અને તે ચક્કર ખાઇને પડી ગઇ હતી.શું થયું? તે અંગે મેં પુછતાં તે માંડ માંડ બોલી શકી હતી. પોતાને મોઢે મુંગો દઇ અજાણ્યા ત્રણ જણા એક્ટીવામાં બેસાડીને ઝાડીમાં લઇ ગયાનું અને માર માર્યાનું કહ્યું હતું. આટલુ બોલી તે બેભાન થઇ જતાં હું તેને હોસ્પિટલે લાવ્યો હતો. ખરેખર શોભના સાથે શું બન્યું? કોણ તેને ઉઠાવી ગયું હતું? સંજયની આ વાત સાચી છે કે કેમ? તે અંગે પોલીસે તપાસ શરૂ કરી છે. મહિલાને ગંભીર ઇજા પહોંચી હોઇ સારવાર હેઠળ છે. તેણી ભાનમાં આવ્યે વધુ વિગતો બહાર આવશે.