રાજકોટ
News of Wednesday, 30th November 2022

મોદીમંત્ર એટલે રાષ્ટ્રનું હિત, રાષ્ટ્રનો વિકાસ, રાષ્ટ્રની સુરક્ષા

આવતીકાલે લોકશાહીના મહાપર્વમાં સૌરાષ્ટ્રની તમામ બેઠકો પર કમળ ખીલવવા મતદારોને રાજુભાઈ ધ્રુવની અપીલ : નરેન્દ્રભાઈ મોદી વડાપ્રધાન બનતાની સાથે જ ઉન્નતિ અને સમૃધ્ધિના દ્વાર ખુલ્યાઃ ગુજરાતે હેતથી કેન્દ્રમાં મોકલ્યા અને કેન્દ્રમાં રહ્યું ગુજરાતનું હિત

રાજકોટઃ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વડપણ હેઠળની કેન્દ્ર સરકાર દ્વારા જનહિતલક્ષી અનેકવિધ યોજનાઓનો ગુજરાતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકાર દ્વારા સુદૃઢ રીતે અમલ થઈ રહ્યો છે. જેના પ્રભાવક પરિણામો આપણને સૌને પ્રાપ્ત થઈ રહ્યાં છે. ગુજરાતમાં વિક્રમજનક રીતે સતત ૧૨ વર્ષ સુધી વિકાસલક્ષી ગુડ ગવર્નન્સ દ્વારા દેશ- દુનિયાને વિકાસનું 'ગુજરાત મોડલ' આપનારા ગુજરાતના પનોતાપુત્ર નરેન્દ્રભાઈ મોદી દેશના વડાપ્રધાન બનતાં ગુજરાતની ઉન્નતિ અને સમૃદ્ધિના માર્ગો ખુલી ગયા છે. આજે મોદીમંત્ર જોવા મળી રહ્યો છે. મોદીમંત્ર એટલે રાષ્ટ્રનું હિત, રાષ્ટ્રનો વિકાસ, રાષ્ટ્રની સુરક્ષા.. મારો, તમારો, સૌ કોઈનો મત મોદીમંત્રને મળવો જોઈએ. તેમ ભાજપ પ્રવકતા રાજુભાઈ ધ્રુવની યાદીમાં જણાવાયું છે.

ગુજરાતે હેતથી નરેન્દ્રભાઈ મોદીને કેન્દ્રમાં મોકલ્યા અને નરેન્દ્રભાઈ મોદીના કેન્દ્રમાં રહ્યું ગુજરાતનું હિત. ગુજરાતને જાણે મોસાળે જમણ અને મા પીરસનાર હોય એમ અનેક યોજનાઓનો લાભ સૌથી પહેલા અને સૌથી વધુ મળ્યો છે. નરેન્દ્રભાઈ મોદીની કેન્દ્ર-રાજ્યની ડબલ એન્જીન ભાજપ સરકાર એક છે અને તેના ફાયદા અનેકાનેક છે. ગુજરાત અસ્તિત્વમાં આવ્યા બાદ વર્ષ ૧૯૬૦થી વર્ષ ૨૦૧૩ સુધીમાં કોંગ્રેસી કેન્દ્ર સરકારો કે કોંગ્રેસના ના વડાપ્રધાનો તરફથી ગુજરાતને જેટલું નહોતું મળ્યું એટલું નરેન્દ્રભાઈ મોદીએ વડાપ્રધાન બન્યાના આઠ વર્ષમાં ગુજરાતને ભેટ આપ્યું છે. ૧૨મી જૂન, ૨૦૧૪નો દિવસ ગુજરાત અને પ્રત્યેક ગુજરાતી માટે યાદગાર અને ઐતિહાસિક બની ગયો હતો. ગુજરાતના લોકલાડીલા મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ ભારતના વડાપ્રધાનનો પદભાર સંભાળ્યો હતો અને તેના ૧૬માં જ દિવસે ગુજરાત સરકારની નર્મદા સરોવર ડેમ ઉપર ૩૦ દરવાજા મૂકવાની વર્ષો જૂની ગુજરાતની રજૂઆતને ભારત સરકારે મંજૂરીની મહોર મારી દીધી હતી. ગુજરાતના સપૂતની ગુજરાતને આપેલી આ પ્રથમ અવિસ્મરણીય ભેટ હતી. આટલું જ નહીં પરંતુ સરદાર સરોવર યોજનાને ત્રણ વર્ષમાં રૃ. ૪૭૯૭ કરોડની કેન્દ્રીય સહાય પણ મળી અને સરદાર સરોવર ડેમ નર્મદાના નીરથી છલકાઈ ઉઠ્યો હતો.

રાજુભાઈ ધ્રુવની યાદીમાં જણાવ્યાનુસાર નરેન્દ્રભાઈ મોદીની કેન્દ્ર સરકારે પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજનામાં ૧૦,૨૦,૫૩૭ ખેડૂતોને લાભ આપ્યો છે. સામાન્ય અને સીમાંત ખેડૂતોની સબસિડી વધારી ૭૦ ટકા અને એસસી/એસટી ખેડૂતો માટે ૮૫ ટકા કરી આપી છે. સમગ્ર રાજ્યમાં ૧૮,૭૯,૪૫૮ ગેસ કનેકશનના લક્ષ્યાંકની સામે ૧૩,૬૭,૭૦૧ (૭૩ ટકા) કનેકશન પૂરા પાડવામાં આવ્યા છે. પ્રધાનમંત્રી ઉજાલા યોજનામાં ગુજરાત સમગ્ર દેશમાં અગ્રેસર છે. આ યોજના અંતર્ગત ૪ કરોડથી વધારે એલઈડી બલ્બ, ૧૨ લાખથી વધારે એલઈડી ટ્યૂબલાઈટ્સ, ૬ લાખથી વધારે એનર્જી એફિસિયન્ટ પંખાનું વિતરણ કરવામાં આવ્યું છે. ગુજરાતના શહેરી વિસ્તારોની ૧૫ લાખ એલઈડી સ્ટ્રીટલાઈટમાં રૃપાંતરિત કરવામાં આવી છે. પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ અંતર્ગત વર્ષ ૨૦૨૨ સુધીમાં 'સૌના માટે આવાસ' અન્વયે ગુજરાત રાજ્યમાં કુલ ૩,૧૧,૮૦૩ આવાસોના લક્ષ્યાંક સામે છેલ્લા ચાર વર્ષમાં રૃ. ૨૯૨૬.૨૮ કરોડના ખર્ચે ૨,૩૦,૨૬૭ આવાસોનું નિર્માણ અને ૯૮,૩૬૭ આવાસો પ્રગતિ હેઠળ છે.

ભારત અને જાપાનના વડાપ્રધાનની ઉપસ્થિતિમાં અમદાવાદમાં સાબરમતી ટર્મિનલ ખાતે જાપાનના સહયોગથી સાકાર થનાર બૂલેટ ટ્રેનની યોજના ઝડપભેર આગળ વધી રહી છે. ભારતીય રેલવેના ઇતિહાસમાં બૂલેટ ટ્રેનનો ક્રાંતિકારી પ્રારંભ ગુજરાતની ભૂમિ ઉપર થયો. ઓખા અને બેટ દ્વારકાને જોડતા સમુદ્ર પરના કેબલ સ્ટડ બ્રિજને રૃ.૯૬૩ કરોડના ખર્ચે મંજૂરી આપવામાં આવી છે. સ્માર્ટ સિટીઝ મિશન અંતર્ગત ૬ શહેરો માટે સ્માર્ટ સિટી પ્લાનને કેન્દ્ર સરકાર દ્વારા રૃ. ૧૨૧૫૮ કરોડની મંજૂરી આપવામાં આવી છે જેમાં રૃ. ૫૭૫ કરોડ કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવ્યા છે. ભારત સરકારના રેલવે વિભાગ અને ગુજરાત સરકારના સંયુકત સાહસ 'જી રાઈડ' હેઠળ ૧૨ પ્રોજેકટ પૈકી પ્રથમ તબક્કે ૬ પ્રોજકેટને અગ્રતા આપવામાં આવી છે જેમાં છારા પોર્ટ, નાગરોળ પોર્ટ, બેડી પોર્ટ રૃ. ૫૩૪ કરોડના ખર્ચે આંતરિક કનેકિટવિટીની સુવિધા વિકસાવાશે. રાજકોટ ખાતે રૃ. ૧૪૦૦ કરોડના ખર્ચે ગ્રીનફિલ્ડ એરપોર્ટને મંજૂરી મળી છે. ઉડાન - રીજિયોનલ કનેકિટવિટી યોજના હેઠળ રાજ્યમાં ૬ સ્થળોએ દૈનિક સુવિધાનો પ્રારંભ કરવામાં આવ્યો છે.

આ ઉપરાંત, આયુષમાન ભારત, સુકન્યા સમૃદ્ધિ યોજના, પ્રધાનમંત્રી જીવનજ્યોતિ વીમા યોજના, અટલ પેન્શન યોજના જેવી યોજનાનો પણ લાભ ગુજરાતના લોકોને આપવામાં કેન્દ્ર અને રાજ્ય ની ડબલ એન્જીન ભાજપ સરકારે અગ્રીમ ભૂમિકા ભજવી છે. આમ ગુજરાતને વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ખોબલે ને ખોબલે યોજનાકીય સહાય આપી જનજનના વિકાસ-પ્રગતિને પ્રોત્સાહિત કરી છે તેમ શ્રી રાજુભાઇ ધ્રુવે જણાવી સૌરાષ્ટ્ર બેઠક પરથી લડી રહેલા ભાજપના તમામ ઉમેદવારોને જંગી બહુમતી સાથે ચૂંટી કાઢી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી તથા મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના હાથ મજબૂત કરવા વિનંતી કરી હોવાનું યાદીના અંતમાં જણાવાયું છે.

(4:34 pm IST)